Chitralok

ઇતના ન મુઝ સે તૂ પ્યાર જતા કે મૈં એક બાદલ આવારા...

By GS Team
10 Sep 20265 mins read
ઇતના ન મુઝ સે તૂ પ્યાર જતા કે મૈં એક બાદલ આવારા...
  • સિને મેજિક- અજિત પોપટ
  • 'ઇતના ન મુઝ સે…' ગીતમાં કેટલી અદભુત કલ્પના છે. વાદળો ક્યારેય ખાલી હોતા નથી. એ પાણીથી ભરેલાં હોય છે… પહેલી વાર આ ગીત ડયુએટ તરીકે રજૂ થાય છે અને બીજીવાર એકલા તલતના કંઠમાં છે. આ ફિલ્મમાં મોટા ભાગનાં પુરુષ ગીતો તલતના કંઠમાં છે. ૧૯૫૦ના દાયકામાં સુનિલ દત્ત માટે તલતનો કંઠ વધુ વપરાતો.

એક ગરીબી ગર્ભવતી છે ત્યાં અકસ્માતે પતિનું અવસાન થાય છે. નારીને પુત્રી જન્મે છે. ધાવણી બાળકીને લઇને ક્યાં કામ શોધે? કોણ કામ આપે? હતાશ માતા એક નિ:સંતાન ધનવાનના બંગલાની બહાર પુત્રીને મૂકી દે છે. થોડા સમય પછી એ બંગલામાં પુત્રીની નોકરાણી તરીકે ગોઠવાઇ જાય છે. દીકરી રાજકુમારીની જેમ ઊછરે છે. સમસ્યા ત્યારે ખડી થાય છે જ્યારે સુંદર યુવતી બનેલી આ છોકરી એક ગરીબ યુવાનના પ્રેમમાં પડે છે. પાલક પિતા એનો વિરોધ કરે છે. પછીની વાત પરદા પર માણવા જેવી છે. સચિન ભૌમિક અને ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણની સ્ક્રીપ્ટ પરથી હૃષીકેશ મુખરજીએ એક સરસ ફિલ્મ બનાવી- 'છાયા'. સુનિલ દત્ત, આશા પારેખ, નાઝિર હુસૈન અને નિરુપા રૉયને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી આ ફિલ્મથી સંગીતકાર સલિલ ચૌધરી સાથે ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ જોડાયા. આશા પારેખ નિપુણ કથક ડાન્સર હોવાથી ક્લાસિકલ રાગ પર આધારિત એક સરસ ડાન્સ ગીત આપણને મળ્યું. ફિલ્મ હિટ નીવડી અને સંગીત પણ ખૂબ વખણાયું. સંગીતકાર તરીકે સલિલદા જામી ગયા.
આ પહેલી અને કદાચ છેલ્લી એવી ફિલ્મ હતી જેમાં સલિલદાએ ટોચના પાશ્ચાત્ય ક્લાસિકલ સંગીતકાર મોઝાર્ટની એક સિમ્ફની પર આધારિત ગીત આપ્યું. તમે પાશ્ચાત્ય સંગીત માણી શકતા હો તો યુટયુબ પર મોઝાર્ટની સિમ્ફની ૪૦ લખી જોજો. કદાચ સાંભળવા મળી જાય. ક્યારેક કેટલીક પાશ્ચાત્ય રચનાઓ ફ્રીમાં સાંભળવા મળી જતી હોય છે. ભારતીય સંગીતની દ્રષ્ટિએ જોઇએ તો આ ગીત રાગ નટભૈરવી પર અને કહેરવા તાલ પર આધારિત છે. ખૂબ લોકપ્રિય ગીત છે. મખમલી મુલાયમ કંઠ ધરાવતા ગાયક તલત મહેમૂદ અને લતા મંગેશકરે કંઠ આપ્યો છે. એક પ્રકારે આ નાયક નાયિકાનો સંવાદ છે. નાયક કહે છે- 'ઇતના ન મુઝ સે તુ પ્યાર બઢા કે મૈં એક બાદલ આવારા, કૈસે કિસી કા સહારા બનું કે મૈં ખુદ બેઘર બેચારા…' અહીં 'આવારા બાદલ' શબ્દો સૂચક છે. આમેય વાદળાં આવારા જ હોય. જોરદાર પવન ઝપાટો આવે તો ખેંચાઇ જાય. વરસે નહીં. ખેર, નાયિકા જવાબમાં કહે છે કે, 'ઇસ લિયે તુઝ સે મૈં પ્યાર કરું કે તૂ એક બાદલ આવારા, જનમ જનમ સે હૂં સાથ તેરે કે નામ મેરા જલ કી ધારા…' કેટલી અદભુત કલ્પના છે. વાદળો ક્યારેય ખાલી હોતા નથી. એ પાણીથી ભરેલાં હોય છે… પહેલી વાર આ ગીત ડયુએટ તરીકે રજૂ થાય છે અને બીજીવાર એકલા તલતના કંઠમાં છે. આ ફિલ્મમાં મોટા ભાગનાં પુરુષ ગીતો તલતના કંઠમાં છે. ૧૯૫૦ના દાયકામાં સુનિલ દત્ત માટે તલતનો કંઠ વધુ વપરાતો.
તલતના જ કંઠમાં એક હૃદયસ્પર્શી વિરહ ગીત ગઝલના છંદમાં છે. સામાન્ય રીતે ઉત્સાહવર્ધક રોમાન્ટિક ગીત માટે વપરાતો રાગ પહાડી અહીં ગમગીની વ્યક્ત કરે છે. મુખડું છે- 'આંસુ સમજ કે ક્યું મુઝે આંખ સે તુને ગિરા દિયા, મોતી કિસી કે પ્યાર કા ક્યું મિટ્ટી મેં મિલા દિયા…' નાયક કેટલી હદે અપસેટ છે એ શબ્દે શબ્દે સમજાય છે. આગળ અંતરામાં કહે છે, 'જો ના ચમન મેં ખિલ સકા, મૈં વો ગરીબ ફૂલ હૂં, જો કુછ ભી હૂં, બહાર કી છોટી-સી ભૂલ હૂં, જિસ ને ખિલા કે ખુદ મુઝે, ખુદ હી મુઝે ભૂલા દિયા…' અહીં સલિલદાએ ગીતના શબ્દોમાં વપરાયેલા છંદને ધ્યાનમાં રાખીને છ માત્રાનો દાદરા તાલ અને રાગ યમન કલ્યાણ પસંદ કર્યા છે. આ પસંદગી કાબિલ-એ-દાદ છે.
એક સરસ રોમાન્ટિક ગીત લતા અને મૂકેશના કંઠમાં છે. અહીં રાગ પહાડી ઉત્સાહવર્ધક બન્યો છે. ગીત આ રીતે ઉપડે છે- 'દિલ સે દિલ કી ડોર બાંધે ચોરી ચોરી જાને હમ તુમ, હમ તુમ તુમ હમ, સંગ સંગ ચલે આજ કહાં આજ કહા…' બંને પ્રિય પાત્રો કેટલી હદે પરસ્પર ઓતપ્રોત છે એ શબ્દોના પુનરાવર્તન દ્વારા વ્યક્ત કરાયું છે.
અગાઉ ઘણીવાર આ સ્થાનેથી લખ્યું છે કે ભારતીય સંગીતમાં કેટલાક તુપ્રધાન રાગો છે. એવો એક અત્યંત મધુર રાગ છે - બહાર. આ બહાર રાગ પર એક અત્યંત કર્ણપ્રિય ડાન્સ ગીત આશા પારેખ પર ફિલ્માવાયું છે. પ્રકૃતિ વર્ણન દ્વારા નાયિકાના મનનો ઉલ્લાસ રજૂ થાય છે. સોળ માત્રાના તીન તાલમાં આ ગીત ઓડિયોમાં પણ માણવું ગમે એવું બન્યું છે. છમ છમ નાચત આયી બહાર, પાત પાતને લી અંગડાયી, ઝૂમ રહી હૈ ડાર ડાર, મહક મહક રહી ફૂલવારી, નીખરી ક્યારી ક્યારી…
નાયકના દિલનો આક્રોશ યથાર્થ રૂપે રજૂ કરવા એક ગીત બુલંદ કંઠના સ્વામી મુહમ્મદ રફીના ભાગે આવ્યું છે. કર્ણાટક સંગીતમાંથી ઉત્તર ભારતીય સંગીતમાં આવેલા રાગ કીરવાણીથી ગીત ઉપડે છે. અંતરામાં પટદીપ રાગ પરથી કાફી રાગ પર થઇને કીરવાણી પાછો ફરે છે. જો કે આક્રોશ સરસ રીતે વ્યક્ત થયો છે. 'યા કહ દે હમ ઇન્સાન નહીં, યા કહ દે તૂ ભગવાન નહીં…' નાયકને કેટલો ગુસ્સો હશે. એ કહે છે, 'હમ અપની ખુશી સે આયે નહીં, દુનિયા મેં હમેં તુ લાયે હૈં, યહ સચ હૈ અગર તો ફિર હમ સે ક્યું દૂર તેરી હી છાયા હૈ…' આ ગીતને ટાઇટલ ગીત ગણી શકો.
છેલ્લું ગીત તલતના કંઠે એક રોમાન્ટિક રચના છે. 'આંખોં મેં મસ્તી શરાબ કી, કાલી જુલ્ફોં મેં રાતેં શબાબ કી, જાને આયી કહાં સે ટૂટ કે, મેરે દામન મેં પંખુડી ગુલાબ કી…' આ ગીત પણ છ માત્રાના દાદરા તાલમાં અને સાવ સીધાસાદા રાગ બિલાવલમાં શબ્દોની છટાને તાદ્રશ કરે છે.
હૃષીકેશ મુખરજીની આ ફિલ્મ અને એનું સંગીત પણ સુપરહિટ નીવડયાં હતાં એ કહેવાની જરૂર રહી ખરી?