Chitralok

દર્શકોને જકડી રાખવામાં કેપ્ટિવ રીઆલિટી શોઝ મોખરે કેમ?

By GS Team
20 Aug 20263 mins read
TukuTouch Logo
૨૦૦૬માં શરૂ થયેલો 'બિગ બોસ' શો ૨૦ વર્ષ પછી પણ ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ઓટીટી પર પણ 'બિગ બોસ'ની તર્જ પર બનેલા 'લોક અપ' અને 'અલાયંસ' જેવા શોઝ ધૂમ મચાવી રહ્યા છે. લોકોના જીવનમાં ડોકિયું કરવાની માનસિકતાનો લાભ લઈ આવા શોઝ દર્શકોને આકર્ષે છે. આ વર્ષે 'બિગ બોસ' 6 ભાષામાં રજૂ થશે, જેમાં સૌરવ ગાંગુલી બંગાળી એડિશનનું સંચાલન કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દર્શકોને જકડી રાખવામાં કેપ્ટિવ રીઆલિટી શોઝ મોખરે કેમ?

ટીવીને અન્ય માધ્યમો કરતાં ઉતરતો ગણનારા લોકોએ વર્ષ ૨૦૦૬માં શરૂ થયેલા અને ૨૦ વર્ષ પછી પણ ટોચનું સ્થાન જાળવી રાખનારા રીઆલિટી શો 'બિગ બોસ'ને રસપૂર્વક નિહાળ્યો છે. મઝાની વાત એ છે કે 'બિગ બોસ'ની તર્જ પર બનેલા ઘણાં રીઆલિટી શોઝ છેલ્લા કેટલાક સમયથી ઓટીટી પર ધૂમ મચાવી રહ્યાં છે. હિન્દીમાં શરૂ થયેલા 'બિગ બોસ'ને મળેલી અપ્રતિમ સફળતા જોતાં આવા શોને પછીથી મરાઠી, તેલુગુ, બંગાળી, કન્નડ અને મલયાલમ જેવી ભિન્ન ભિન્ન ભાષાઓમાં પણ શરૂ કરવામાં આવ્યાં. આટલું ઓછું હોય તેમ ઓટીટી પર સુધ્ધાં આ શોની ત્રણ સીઝન આવી ગઈ છે. હવે 'બિગ બોસ' ૨૦ વર્ષનું થશે એટલે તેને અગાઉ કરતાં પણ વધુ ભવ્ય બનાવવામાં આવશે એવી વાતો વહી રહી છે. 'બિગ બોસ'ની તર્જ પર બનેલા 'ટ્રેટર્સ', 'રાઈઝ એન્ડ ફોલ', 'ધ ૫૦', 'અલાયંસ' જેવા શો ખાસ્સા લોકપ્રિય બન્યા છે.
એકસાથે સંખ્યાબંધ કેમેરાઓ વચ્ચે રહેલા કલાકારોને તેમના નોખા નોખા મૂડ સાથે જોવાનો અવસર મળતાં દર્શકોને તો જાણે 'બગાસું ખાતાં પતાસું મળ્યું' જેવું થયું અને દર્શકોને માત્ર પતાસું નહીં, પતાસા ખવડાવવા ઓટીટીના બે મોટા પ્લેટફોર્મ એકસાથે બે શો લઈને આવ્યાં. નેટફ્લિક એકતા કપૂરના શો 'લોક અપ'ની બીજી સીઝન લઈને આવ્યું, જ્યારે પ્રાઈમ વિડિયોએ 'અલાયંસ' લોન્ચ કર્યું. ફરાહ ખાન અને રિતેશ દેશમુખ સંચાલિત 'લોક અપ' પહેલા એપિસોડથી જ આકાંક્ષા ચમોલા અને તેના પતિ ગૌરવ ખન્નાના છૂટાછેડાની સ્પષ્ટતાને પગલે લાઈમલાઈટમાં આવી ગયો. તમને જાણીને આશ્ચર્ય થશે કે ત્રણ સપ્તાહમાં આ શો પાંચ કરોડ કલાક જોવામાં આવ્યો. શોની ભારે ડિમાન્ડ જોતાં સર્જકોએ તેની રજૂઆત અઠવાડિયાના પાંચ દિવસમાંથી વધારીને સાત દિવસની કરી નાખી. જ્યારે કુણાલ ખેમૂ સંચાલિત 'અલાયંસ' પણ અભિનેતા સોહેલ ખાન અને તેની પૂર્વ પત્ની સીમા સચદેવ, અભિનેત્રી ગૌહર ખાનના પૂર્વપ્રેમી કુશલ ટંડન અને પતિ ઝૈદ દરબાર જેવા પ્રતિયોગીઓને પગલે દર્શકોને જકડી રાખવામાં સફળ રહ્યો.
ગયા વર્ષે પ્રાઈમ વિડિયો પર રજૂ થયેલા કરણ જોહર સંચાલિત રીઆલિટી શો 'ધ ટ્રેટર્સ' અને એમેઝોન એમએક્સ પ્લેયર પર આવેલા 'રાઈઝ એન્ડ ફોલ'ની બીજી સીઝન આવી તે જ આવા શોની લોકપ્રિયતાનો પુરાવો આપે છે. આ વર્ષે ૫૦ સેલિબ્રિટીઓને ૫૦ દિવસ સુધી ભવ્ય મહેલમાં કેદ કરી રાખનાર જિયો હોટસ્ટારનો શો 'ધ ૫૦' હવે ભોજપુરી સિતારાઓને લઈને આવ્યું છે.
'બિગ બોસ'ના આયોજકોનો દાવો છો કે આ શો જોવા દર્શકોએ ૪૩૮ બિલિયનથી વધુ મિનિટો ફાળવી છે. દર્શકોનો આ શો પ્રત્યેનો લગાવ જોતાં આ વર્ષે તે સાગમટે છ ભાષામાં રજૂ થશે અને તેની બંગાળી એડિશનનું સંચાલન ક્રિકેટર સૌરવ ગાંગુલી કરશે.
અહીં એવો પ્રશ્ન ઉપસ્થિત થવો સહજ છે કે આ પ્રકારના રીઆલિટી શોઝને અપ્રતિમ સફળતા શાને મળે છે? આના જવાબમાં જાણકારો કહે છે કે લોકોને અન્યોના જીવનમાં ડોકિયું કરવાનું, બીજા કોઈની ચોવટ કરવાનું હમેશાંથી ગમતું આવ્યું છે. લોકોની આ માનસિકતાનો લાભ કેપ્ટિવ રીઆલિટી શોઝના સર્જકો લઈ રહ્યાં છે. વળી દર્શકોને માત્ર ફિક્શન શો જોવાનું નથી ગમતું. આ પ્રકારના શો તેમને જાણીતી વ્યક્તિઓ વાસ્તવમાં કેવા છે, તેઓ શી રીતે જીવવાનું પસંદ છે, તેઓ પોતાનો પક્ષ શી રીતે રાખે છે, તેમના જીવનના સારા-નરસાં પાસાં કયા છે તે ઘરબેઠાં જાણવા મળે છે. સ્વાભાવિક રીતે જ દર્શકો આવા રીઆલિટી શોઝ પ્રત્યે આકર્ષાય છે.