Chitralok

સની લિઓનીને કોઠે પડી ગયું હોરર જેનર

By GS Team
27 Aug 20262 mins read
સની લિઓનીને કોઠે પડી ગયું હોરર જેનર
  • સનીએ એક હોરર- કોમેડીમાં ચુડેલનું રૂપ ધારણ કર્યું છે. આ ફિલ્મનું ટાઇટલ પણ 'ચુડેલ' જ છે. આ ફિલ્મના લેખક-દિગ્દર્શક ટીએલવી પ્રસાદ છે. થોડા દિવસો પહેલાં જ ઉત્તર પ્રદેશ ખાતે આ ફિલ્મનું શૂટિંગ સમાપ્ત થયું છે.

એક ખૂબસુરત-કામુક યુવતીની તમે ચુડેલના રૂપમાં કલ્પના કરી શકતા હો તો અભિનેત્રી સની લિઓની તેમાં બરાબર ફીટ બેસી જાય. ઓહ…, ખરેખર તો તમને આ મુદ્દે કલ્પનાના ઘોડા દોડાવવાની જરૂર જ નથી. કારણ કે સનીએ ખરેખર એક હોર કોમેડીમાં ચુડેલનું રૂપ ધારણ કર્યું છે. અને આ ફિલ્મનું નામ પણ 'ચુડેલ' જ છે. સની લેખક-દિગ્દર્શક ટીએલવી પ્રસાદની ફિલ્મમાં ટાઈટયુલર રોલ અદા કરી રહી છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ ખાતે આ સિનેમાનું શૂટિંગ સમાપ્ત થયું છે.
સૂત્રોએ જણાવ્યું તું કે આ ફિલ્મમાં રાહુલ દેવ અને મંદના કરીમી પણ કામ કરી રહ્યાં છે. બ્લોકબસ્ટર 'સ્ત્રી'ની તર્જ પર બનાવવામાં આવેલી આ મૂવીમાં સ્ત્રીનો દુષ્ટાત્મા કેન્દ્ર સ્થાને છે. સિનેમામાં સની અને મંદનાને સામસામી થતાં દર્શાવવામાં આવી રહી છે. જ્યારે રાહુલ દેવ આત્માને ભગાડતા પાદરીની ભૂમિકામાં છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ઉત્તર ભારતની પશ્ચાદ્ભૂ પર બનેલી આ ફિલ્મમાં સની લીઓની ત્યાંના બુલંદ શહરની ગલીઓમાં ઘૂમીને પુરુષોને હેરાન કરે છે. જોકે જેમ જેમ કહાણી આગળ વધે છે તેમ તેમ સમજાય છે કે એક તબક્કે અસહ્ય અન્યાયનો સામનો કરનાર સની છેવટે બદલો લેવાની ભાવનાથી પ્રેતાત્મા બનીને બુલંદશહરની શેરીઓમાં ફરે છે. સિનેમામાં ખૂબસુરત સનીને ચળકતી આંખો અને ઊંધા પગે ચાલતી પ્રેતાત્મા તરીકે દર્શાવવા વીએફએક્સનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે.
મહત્વની વાત એ છે કે નિર્માતા મહેન્દ્ર ધીરવાણીની આ ૫૦મી ફિલ્મ છે. પોતાના પચાસમા નિર્માણને ધામધૂમથી ઉજવવા તેઓ 'ચુડેલ'ને ધૂમધડાકાભેર રજૂ કરવા માગે છે. તેમણે આ મૂવી ભારતભરમાં રજૂ કરવાના ઈરાદા સાથે હિન્દીમાં બનાવી છે અને તે મલયાલમ, તમિળ તેમ જ તેલુગુમાં ડબ કરવામાં આવશે.
નિર્માતાએ કહ્યું હતું કે અમે આ સિનેમાનું શુટિંગ ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં આવેલી એક હવેલીમાં કર્યું છે. સનીએ અગાઉ 'રાગીણી એમએમએસ-૨' (૨૦૧૪) જેવી હોરર ફિલ્મમાં કામ કર્યું છે. આ ફિલ્મને દર્શકોએ બહોળો પ્રતિસાદ આપ્યો હતો અને હવે તે બાર વર્ષે હોરર કોમેડીમાં વાપસી કરી રહી છે. આ સિનેમાનું સંગીત પણ દર્શકોને જકડી રાખવામાં કારગર નિવડશે. આ ફિલ્મ સપ્ટેમ્બરના અંતમાં રજૂ કરવામાં આવશે.
જોકે અહીં એ વાતની નોંધ પણ લેવી રહી કે સનીએ આ બે હોરર ફિલ્મોની વચ્ચે તમિળમાં પણ એક ડરામણી મૂવી કરી હતી. 'ઓહ માય ઘોસ્ટ' નામની આ ફિલ્મ વર્ષ ૨૦૨૨માં રજૂ થઈ હતી.