રાકેશ મારિયાનો રોલ મારા માટે બહુ જ ચેલેન્જિંગ છેઃ જોન અબ્રાહમ

- 'સૌ જાણે છે કે રાકેશ મારિયાના કાર્યકાળમાં આખા દેશને હચમચાવી મુકે એવી ઘટનાઓ બની હતી. સ્ક્રીન પર એમનો રોલ કરવો તે ખરેખર બહુ મોટી જવાબદારી છે.'
જોન અબ્રાહમ બીજા ફિલ્મસ્ટાર્સ જેવો નથી. તમે એમ કહી શકો કે એ બોલિવુડમાં ભૂલો પડેલો એક અલગારી જીવ છે. સિનેમા અને અભિનય વિશે જોનના પોતાના મૌલિક વિચારો અને દ્રષ્ટિકોણ છે.
દાખલા તરીકે, એ હાલ રોહિત શેટ્ટીના નિર્દેશનમાં મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાના જીવન પર આધારિત બાયોગ્રાફિકલ ફિલ્મમાં લીડ રોલ કરી રહ્યો છે. ફિલ્મ રાકેશ મારિયાએ લખેલા પોતાના સંસ્મરણો પુસ્તક 'લેટ મી સે ઈટ નાઉ' પર આધારિત છે. ભારતના સૌથી સન્માનનીય પોલીસ ઓફિસરના પાત્રને પડદા પર સાકાર કરવાને જોન અબ્રાહમ એક મોટા પડકાર તરીકે લે છે. ૧૯૯૩ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ અને ૨૬/૧૧ના પાકિસ્તાની ત્રાસવાદીઓના હુમલા જેવા દેશના સૌથી મોટા ક્રિમિનલ અને ત્રાસવાદી કેસો ઉકેલનાર મારિયાના અંગત જીવન અને કારકિર્દીને આ ફિલ્મમાં આવરી લેવાશે.
આવું પ્રભાવશાળી પાત્ર ભજવવા વિશે વાત કરતા જોન કહે છે, 'સૌ જાણે છે કે રાકેશ મારિયાના કાર્યકાળમાં આખા દેશને હચમચાવી મૂકે તેવી ઘટનાઓ બની હતી. તેથી તેમનો રોલ કરવો મારા માટે એક મોટી જવાબદારી બની જાય છે. મારા મતે, એક એક્ટર તરીકે જ્યારે તમે કોઈ વાસ્તવિક વ્યક્તિનું કેરેક્ટર ભજવતા હો ત્યારે તમારું કામ ફક્ત તેમની મિમિક્રી કરવાથી પૂરું નથી થઈ જતું. તમારે તેમની પબ્લિક ઈમેજથી આગળ વધીને તેમને એક વ્યક્તિ તરીકે પૂરેપૂરા સમજવા પડે છે. એનો અર્થ એ થયો કે તમારે રિસર્ચ માટે ઘણો સમય આપવો પડે, તેમની વિચારસરણી સમજવી પડે, તેમણે કેવા દબાણનો સામનો કર્યો હતો અને કેવા નિર્ણયો લેવા પડયા હતા એ બધું જાણવું-સમજવું પડે. એટલે જ હું કહું છું કે સ્ક્રીન પર રાકેશ મારિયા બનવું એક મોટો પડકાર છે અને તેમના પાત્રને પૂરો ન્યાય આપવા હું આતુર છું.'
કરીઅરના પ્રારંભમાં જેને 'વૂડન એક્ટર' કહીને ઉતારી પાડવામાં આવ્યો હતો એવો જોન અબ્રાહમ સમયની સાથે સતત વિકસતો ગયેલો કલાકાર છે. એણે પ્રોડયુસર તરીકે પણ ખાસ્સું ધ્યાન ખેંચ્યું છે. તેણે 'વિકી ડોનર', 'મદ્રાસ કેફે', 'પરમાણુઃ ધ સ્ટોરી ઓફ પોખરણ', 'બાટલા હાઉસ' અને 'ધ ડિપ્લોમેટ' જેવી વિષયપ્રધાન ફિલ્મો પ્રોડયુસ કરી છે. અબ્રાહમનું માનવું છે કે મૂવીની સ્ટોરી પાવરફુલ હોવી જોઈએ અને ફિલ્મ લોકોને વિચારતા કરી દે તેવી હોવી જોઈએ. ફિલ્મ પૂરી થયા બાદ પણ તે દર્શકના મગજમાં લાંબો સમય ઘૂમતી રહેવી જોઈએ. 'મને લાગે છે કે દરેક સ્ટોરીમાંથી તમને કંઈક મળવું જોઈએ. મનોરંજન મળવું પણ મહત્વનું છે, કારણ કે સિનેમાનું માધ્યમ દર્શકોને સાંકળી રાખવા માટે છે. પરંતુ કોઈ ફિલ્મ પૂરી થયા બાદ પણ તમારી સાથે રહે તો એ વધુ સારું. હું મારા પ્રોજેક્ટ્સ માત્ર કોઈ ઉપદેશ આપવા માટે પસંદ નથી કરતો. મારા પ્રોજેક્ટ્સના વિષયો પ્રામાણિક હોય છે, સરસ રીતે રજૂ કરાયેલા હોય છે અને પ્રેક્ષકોને લાગણીમાં પરોવી દે તેવા હોય છે. જો આ બધા ઉપરાંત એ કોઈ સ્વસ્થ ચર્ચા છેડી દે તો એ બોનસ કહેવાય. સિનેમામાં સ્ટોરી જ સૌથી મહત્વનું અંગ છે અને જે વાર્તા મારા દિલને સ્પર્શી જાય તેને હું સપોર્ટ કરું છું,' કહીને એક્ટર-પ્રોડયુસર સમાપન કરે છે.









