Chitralok

સુશાંત સિંહ રાજપૂતની પુણ્યતિથિએ મોટી બહેનની મમતામયી શ્રદ્ધાંજલિ

By GS Team
2 Jul 20262 mins read
સુશાંત સિંહ રાજપૂતની પુણ્યતિથિએ મોટી બહેનની મમતામયી શ્રદ્ધાંજલિ
  • 'જિંદગીનો સૌથી ગહન માપદંડ જીવન કેટલું લાંબું ચાલ્યું એ નહિ, પણ એણે કેટલા મનને તંદ્રામાંથી જગાડયા એ છે. તે હિસાબે ભાઈ હજુ હાજરાહજુર છે, જીવતો છે. ભાઈ, તું હજુય લાખ્ખો લોકોની પ્રેરણા છે.'
    હિન્દી સિનેમાના ટેલેન્ટેડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના કમનસીબ મોતને ૧૪મી જૂને ૬ વરસ થયાં. સુશાંતના ચાહકોએ એની મૃત્યુતિથિ પર સોશ્યલ મીડિયામાં ભાવભીની અંજલિઓ આપી. એમાં હૃદયને વલોવી નાખે એવી શ્રદ્ધાંજલિ ૩૪ વરસના એક્ટરની સૌથી મોટી બહેન શ્વેતા સિંહ કીર્તિની હતી. યુએસમાં રહેતી શ્વેતાએ પોતાના એકના એક વહાલા ભાઈને યાદ કરી ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, 'સમય તો વીતતો જાય છે પરંતુ અમુક આત્મા સમયથી પણ વિરાટ બની જાય છે. આજે ભાઈ (સુશાંત)ને યાદ કરું છું ત્યારે એ કઈ રીતે ચાલ્યો ગયો એનો નહિ, પણ એ કઈ રીતે જીવ્યો એ વિશે વિચારું છું.'
    સુશાંતના પરિવારમાં એના નિવૃત્ત પિતા કૃષ્ણકુમાર સિંહ અને ચાર મોટી બહેનો શ્વેતા, મિતુ સિંહ, નીતુ સિંહ (રાની) અને પ્રિયંકા સિંહ છે. એમની માતા ઉષા સિંહનું ૨૦૦૨માં નિધન થયું હતું. માનું અવસાન થતાં સુશાંત હચમચી ગયો હતો. સુશાંત ભાઈ-બહેનોમાં સૌથી નાનો હોવાથી સૌથી મોટી બહેન શ્વેતા સિંહ કીર્તિને એના માટે પુત્ર જેવી લાગણી હતી. ભાઈ પ્રત્યેની પોતાની મમતાનો અણસાર આપતા શ્વેતાએ પોતાની ઉક્ત પોસ્ટમાં લખ્યું છે, 'મને ભાઈની એક બાળક જેવી જિજ્ઞાાસા, જીવન પ્રત્યેનો અસીમ મોહ, આકાશના તારા, બ્રહ્માંડ અને માનવીના મગજનાં રહસ્યો વિશે જાણવાની એની ઉત્કંઠા બધું જ યાદ આવે છે. એ એવા હૃદયનો માલિક હતો જે સામી વ્યક્તિને પુરતો આદર આપતો, પછી ભલે એ ગમે તે હોય. ભાઈને અમને શીખવાડયું કે સફળતા સાથે આપણામાં અનુકંપા ન આવે તો એ સક્સેસનો કોઈ અર્થ નથી. છેલ્લાં વરસોમાં મને એવી સુંદર અનુભૂતિ થઈ કે (વિશુદ્ધ) પ્રેમ સમયના નિયમો પાળતો નથી. દેહ ભલે આપણી નજરમાંથી ઓઝલ થઈ જાય, પરંતુ એક ખૂબસૂરત આત્માનો પ્રભાવ અસંખ્ય જીવોને પ્રેરણા આપતો રહે છે.'
    'જ્યારે પણ કોઈ ક્રોધને બદલે દયાભાવ, અજ્ઞાાનને બદલે જ્ઞાાન, નિરાશાની જગ્યાએ આશા અને જજમેન્ટને બદલે લવ પસંદ કરે છે, ત્યારે એમાં ભાઈ જે સદ્ગુણો સાથે જીવ્યો એની ઝલક વર્તાય છે. એને આપણે દુઃખ-વેદનાથી નહિ, પણ એનાં જીવનમૂલ્યો અપનાવીને સૌથી સારી અંજલિ આપી શકીએ,' એવું આહવાન શ્વેતાએ સુશાંતના ચાહકોને કર્યું છે.
    પોતાની ટુંકી એક્ટિંગ કરિઅરમાં ઘણું બધુ આપી જનાર સુશાંતના ગુણોની વારસાની વાત કરતા એની મોટી બહેન શ્રદ્ધાંજલિના સમાપનમાં કહે છે, 'જીવનનો સૌથી ગહન માપદંડ એ કેટલું લાંબું ચાલ્યું એ નહિ, પણ એણે કેટલા મનને તંદ્રામાંથી જગાડયા એ છે. એ માપદંડના હિસાબે, ભાઈ હજુ હાજરાહજુર છે, જીવતો છે. ભાઈ, તું આજે પણ લાખ્ખો લોકોની પ્રેરણા છે.'