Chitralok

સુનીલ ગ્રોવરનો રાજીપો : લોકોના ચહેરા પર હાસ્ય છલકાય તેનો મને સંતોષ છે

By GS Team
13 Aug 20263 mins read
સુનીલ ગ્રોવરનો રાજીપો : લોકોના ચહેરા પર હાસ્ય છલકાય તેનો મને સંતોષ છે
  • 'હવે હું હાસ્યને એક નવી જ ઊંચાઇએ પહોંચાડવા શક્ય બધા પ્રયાસ કરી રહ્યો છું. ગુલઝાર સાહેબ, આમિર ખાન, સલમાન ખાન, કાદર ખાન વગેરેની મેં કરેલી મિમિક્રી બેહદ લોકપ્રિય થઇ છે.'

સુનીલ ગ્રોવરનું નામ સંભળાય એટલે ચહેરા પર હાસ્ય છલકાય. આમ તો સુનીલ ગ્રોવરનો પરિચય એક હાસ્ય કલાકારનો છે. જોકે સુનીલ ગ્રોવરનો બીજો અને સાચો પરિચય એ છે કે તે નાટકોનો અને હિન્દી -પંજાબી ફિલ્મોનો બહુમુખી પ્રતિભા ધરાવતો અભિનેતા છે. સુનીલ ગ્રોવરને જોકે લોકપ્રિયતા કપિલ શર્મા ટીવી શોથી મળી.
કપિલ શર્માના ટીવી શો દરમિયાન સુનીલ ગ્રોવરે શરૂઆતમાં ગુથ્થી નામનું સ્ત્રી પાત્ર ભજવ્યું. મજેદાર બાબત તો એ રહી કે ગુથ્થીની તે ભૂમિકામાં સુનીલ ગ્રોવરને બહોળી લોકપ્રિયતા મળી. સુનીલ એક અચ્છો અદાકાર પણ હોવાથી તેણે ગુથ્થીની ભૂમિકામાં નવા રંગ દર્શાવ્યા.
જોકે આ જ કપિલ શર્માના ટીવી શો દરમિયાન એક તબક્કે ખુદ કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે બહુ ગંભીર કજિયો થયો હતો. પરિણામે સુનીલ ગ્રોવરે કપિલ શર્માનો ટીવી શો છોડી દીધો હતો. ત્રણેક વર્ષ બાદ મિત્રોની સમજાવટ અને સલાહ બાદ કપિલ અને સુનીલ વચ્ચે સમાધાન થયું. આજે બંને ફરીથી સાથે કામ કરી રહ્યા છે.
હરિયાણાના મંડી દાબવાલી નામના નાના કસબામાં જન્મલો અને પંજાબ યુનિવર્સિટીમાં નાટયશાસ્ત્રમાં ડબલ ગ્રેજ્યુએટ થયેલો સુનીલ ગ્રોવર ખુલ્લા દિલે કહે છે, મારી અને કપિલ શર્મા વચ્ચે બધું સમુંસૂતરું થઇ ગયું છે. ભૂતકાલ ભૂલીને અમે બંને કપિલ શર્માના નવા કોમેડી શો માં સાથે હળીમળીને કામ કરીએ છીએ. મારા કોલેજના ભણતર બાદ મનેભારતની પહેલી સાયલન્ટ કોમેડી ગુટુર ગુ નામના ટીવી કાર્યક્રમમાં પહેલી તક મળી. મારી તે તકનો યશ જાય છે આલા દરજ્જાના કોમેડિયન જસપાલ ભટ્ટી સાહેબને. મારી અભિનય કારકિર્દીના તે શરૂઆતના તબક્કે તો બધું મજાક- મસ્તીમાં અને હળવા મૂડમાં ચાલતું હતું. હવે જોકે હું હાસ્યને એક નવી જ ઉંચાઇએ પહોંચાડવા શક્ય બધા પ્રયાસ કરી રહ્યો છું. મારાં ગુલઝાર સાહેબ, આમિર ખાન, સલમાનખાન, કાદર ખાન વગેરેનાં પાત્રોની મિમિક્રી બેહદ લોકપ્રિય થઈ છે. હું જે કોઇ પ્રસિદ્ધ વ્યક્તિની ભૂમિકા કરું છું તેનો અભ્યાસ કરું છું.તે વ્યક્તિના જીવનની નાની નાની પણ બહુ મહત્વની બાબતો જાણું -સમજું છું. તેઓ કેમ બોલે છે, કઇ રીતે ચાલે છે, તેમની કેવી કેવી આદતો છે વગેરે બાબતોનું સુક્ષ્મ નિરીક્ષણ કરું છું.
મારા માટે સનફ્લાવર વેબ સિરિઝમાં સોનુનું પાત્ર પડકારરૂપ બની રહ્યું હતું. મને તે ભૂમિકા કરવામાં બહુ આનંદ અને સંતોષ થયો હતો.
'ગજિની', 'ગબ્બર ઇઝ બેક', 'મૈં હૂં ના', 'ધ લેજન્ડ ઓફ ભગતસિંહ', 'ભારત', 'જવાન' વગેરે હિન્દી ફિલ્મોમાં જુદાં જુદાં પાત્રો ભજવાનારો સુનીલ ગ્રોવર બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, લોકોને હસાવવા અને સમગ્ર વાતાવરણ આનંદમય બનાવવું ખરેખર બહુ પડકારરૂપ હોય છે. જોકે મને તો કોમેડી કરવી બહુ ગમે છે. તબીબી સંશોધન દ્વારા સાબિત થયું છે કે હસવાથી માનવીના તન-મનમાં આનંદ, ખુશાલી, સ્ફૂર્તિનો મજેદાર અનુભવ થાય છે. હાસ્યના વાતાવરણમાં માનવી તેના અંગત જીવનની મુંઝવણ, સમસ્યા થોડી ક્ષણો માટે ભૂલી જઇને હળવોફૂલ થઇ જાય છે. હાસ્યનો આનંદ તેના માટે વધુ જીવવાનો પ્રાણવાયુ બની રહે છે.
ખરું કહું તો મને એમ લાગે છે કે હું કાંઇ બહુ મોટું કે મહત્વનું કામ નથી કરતો. આમ છતાં એવો વિચાર પણ થાય છે કે હા, મારી કોમેડીથી લોકોના ચહેરા પર ખુશી આવે છે તો મને સંતોષ થાય છે. લોકોની તાળીઓનો ગડગડાટ જ મારો સૌથી મોટો એવોર્ડ છે.