Chitralok

સલમાન ખાન: દોસ્તીની કિંમત

By GS Team
14 Aug 20263 mins read
સલમાન ખાન: દોસ્તીની કિંમત
  • સલમાન સંજય દત્ત અને રિતેશ દેશમુખ જેવા મિત્રોની ફિલ્મોમાં કેમિયો કરવા એક રૂપિયો પણ લેતો નથી
  • સલમાને વંશી પેઈડીપલ્લીની 'એસવીસી ૬૩' નામની ફિલ્મ ૪૦ ટકા ડિસ્કાઉન્ટ આપીને 'માત્ર' રૂ. ૭૦ કરોડમાં સાઈન કરી છે. હા, 'માત્ર', કારણ કે સલ્લુ મિયાં એક ફિલ્મ સામાન્યપણે ૧૨૦ થી ૧૪૦ કરોડ જેટલી ફી વસૂલ કરે છે.

હિન્દી ફિલ્મોદ્યોગના સુપરસ્ટાર્સમાં સલમાન ખાન ટોચનું સ્થાન ધરાવે છે એ તો સૌએ સ્વીકારવું પડે. સલમાન સામે જેમને બહુ વાંધા પડે છે એવા લોકોએ પણ. સલમાનને બોલિવુડમાં 'યારોં કા યાર' અને દિલદાર વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. તે મિત્રો માટે કંઈ પણ કરી છૂટે છે અને દોસ્તી નિભાવવા માટે પળનો પણ વિચાર કર્યા વિના તન-મન-ધનથી ઘસાઈ છૂટે છે. તાજેતરમાં વધુ એક વખત તેની આ દિલેરીનું ઉદાહરણ જોવા મળ્યું.
વાત એમ છે કે તેણે વંશી પેઈડીપલ્લીની 'એસવીસી ૬૩' નામની ફિલ્મ ૪૦ ટકા ડિસ્કાઉન્ટ આપીને 'માત્ર' રૂ. ૭૦ કરોડમાં સાઈન કરી છે. હા, 'માત્ર', કારણ કે સલ્લુ મિયાંની એક ફિલ્મની ફી સામાન્યપણે ૧૨૦થી ૧૪૦ કરોડ જેટલી હોય છે. 'એસવીસી ૬૩' માટે સલમાને તેના લાંબા સમયના મિત્ર રફી કાઝીનું માન રાખવા માટે જ ૬૦ ટકા જેટલી ઓછી ફી લીધી છે. રફી કાઝી આ સિનેમાનો મીડિયેટર છે અને નિર્માતાઓની યાદીમાં પણ તેનું નામ સામેલ છે. સલમાન આ ફિલ્મના નફામાં પોતાનો ભાગ લેશે કે નહીં તે તો ખબર નથી, પણ ૪૦ ટકા ફી ઘટાડીને એણે જે 'ભવ્ય ઉદારતા' દેખાડી છે તેના પર એના ચાહકો વારી ગયા છે.
અહીં નોંધનીય છે કે સલમાને 'દબંગ' (૨૦૧૦)થી લઈને અત્યાર સુધી બહારના નિર્માતાઓ સાથે ઓછું કામ કર્યું છે. 'દબંગ'નું નિર્માણ તેના ભાઈ અરબાઝ ખાને કર્યું હતું, જ્યારે તેની બહેન અલવીરા ખાન અગ્નિહોત્રીએ વર્ષ ૨૦૧૧માં 'બોડીગાર્ડ' બનાવી હતી. આમ ૨૦૧૦ પછી તેણે મોટાભાગે પોતાના હોમ પ્રોડક્શન હેઠળ જ કામ કર્યું છે. જ્યારે પણ તેણે અન્ય પ્રોડક્શન હાઉસ સાથે કામ કર્યું, ત્યારે તેણે આઈપીઆર (ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ) અથવા ઓટીટી અને સેટેલાઈટ રાઈટ્સ પોતાની પાસે રાખ્યા છે. પોતાના સ્ટારડમને ધ્યાનમાં રાખીને એણે ૧૨૦થી ૧૪૦ કરોડ રૂપિયાથી ઓછું મહેનતાણું નથી લીધું. બોલિવુડનું સૌથી મોટું બેનર યશરાજ ફિલ્મ્સ ભારે ચિંગૂસ ગણાય છે, સ્ટારલોકોને તે એમની માર્કેટ પ્રાઇસ કરતાં ઘણી ઓછી ફી ચૂકવે છે, સલમાન ખાનને તો તેણે ૧૨૦થી ૧૪૦ કરોડ જેટલી જ જંગી રકમ ચૂકવી છે.
સલમાન જોકે પોતાના મિત્રોની ફિલ્મોમાં કેમિયો (મહેમાન કલાકાર) કરવા માટે એક રૂપિયો પણ લેતો નથી. અજય દેવગણ અને રિતેશ દેશમુખ જેવા દોસ્તો પાસેથી તે રાતી પાઈ પણ નથી લેતો. તેણે રિતેશની ફિલ્મ 'રાજા શિવાજી'માં મફતમાં કેમિયો કર્યો હતો. ૨૦૧૨માં અજય દેવગનની ફિલ્મ 'સન ઓફ સરદાર'ના એક ગીતમાં દેખાવા બદલ અજયે તેને ચેક આપ્યો, ત્યારે સલમાને એ ચેક ફાડી નાખ્યો હતો અને કહ્યું હતું કે, 'યાર અજય, તું મારો ભાઈબંધ છે અને હું મિત્રો પાસેથી પૈસા નથી લેતો.'
સારું છે. અન્યથા બદનામ એવા સલમાન વિશે પોઝિટિવ વાતો જેટલી વધારે ફેલાય એટલું સારું જ છે.