સાઈ પલ્લવીઃ ભારતની સૌથી આદરણીય નાયિકાના પાત્રમાં અગ્નિપરીક્ષા આપવા તૈયાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જેઉદ્યોગમાં પ્રસિદ્ધિનું આંકલન કરોડો રૂપિયા, ડીઝાઈનર કપડા, ગ્લેમેરસ વિજ્ઞાપનો અને ફિલ્મના ઓપનિંગ વીકએન્ડના આંકડાથી થાય છે ત્યાં સાઈ પલ્લવી કાયમ સામાન્ય બોલીવૂડ હીરોઈનથી સાવ જૂદી પડે છે. તેને વિશ્વ પર કબજો જમાવવાની કોઈ ઉતાવળ નથી. તે કાયમ સેલિબ્રિટી હોવાનો ડોળ પણ નથી કરતી. અને છતાં, લગભગ ચૂપચાપ, તેના જીવનમાં એવી પળ આવી છે જ્યારે સમગ્ર ભારતીય ફિલ્મ ઉદ્યોગની તેના પર મીટ છે.
નિતેશ તિવારી અને નિર્માતા નમિત મલ્હોત્રા અભૂતપૂર્વ વ્યાપ સાથે આ મહાકાવ્ય પર ફિલ્મ બનાવી રહ્યા છે અને અહેવાલો મુજબ તેનું બજેટ લગભગ ચાર હજાર કરોડ સુધી પહોંચી ગયું છે. ફિલ્મમાં બોલીવૂડ અને દક્ષિણ ભારતીય કલાકારોનું અભૂતપૂર્વ મિશ્રણ છે. રણબીર કપૂર રામની ભૂમિકામાં છે તો સાઈ પલ્લવી સીતા તરીકે છે, યશ રાવણની મહત્વની ભૂમિકામાં છે અને રવિ દુબે લક્ષ્મણ બન્યો છે. જોકે સાઈ પલ્લવી માટે રામાયણનું મહત્વ માત્ર તેના આસમાની બજેટ માટે નથી. આ રોલ સ્વયં તેની સફરને અસાધારણ બનાવે છે. ભારતીય સિનેમામાં સીતા કોઈ સામાન્ય પાત્ર નથી. તે સાંસ્કૃતિક સ્મૃતિ, આધ્યાત્મિક હાજરી અને કરોડો લોકો માટે ગરિમા, બલિદાન, શક્તિ અને આસ્થાની મૂર્તિ છે.
સીતા તરીકે સાઈ પલ્લવીની પ્રથમ ઝલકે વ્યાપક ચર્ચા જગાવી. ખાસ કરીને પરંપરાગત પહેરવેશમાં તેના દેખાવે પ્રશંસા અને વિવાદ બંને જગાવ્યા. પણ કદાચ આ અનિવાર્ય હતું. જ્યારે એક અભિનેત્રી ભારતની સાંસ્કૃતિક કલ્પનામાં ઊંડે સુધી ખૂંપેલા પાત્રને અપનાવે ત્યારે તેના પ્રત્યેક હાવભાવ, પોષાક અને વર્તન ચકાસણીનો વિષય બને છે.
રસપ્રદ બાબત છે કે રામાયણે સાઈ પલ્લવીના વ્યાવસાયિક સમીકરણ પણ બદલી નાખ્યા છે. અહેવાલો મુજબ તેને આ ફિલ્મ માટે બાર કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે જે તેની કારકિર્દીમાં અત્યાર સુધીનું સૌથી વધુ વળતર છે. અત્યાર સુધી તેની ફી પ્રતિ ફિલ્મ અઢીથી ત્રણ કરોડ રૂપિયા રહેતી. કહેવાય છે કે 'થંડેલ' માટે તેને પાંચ કરોડ મળ્યા હતા જેને અત્યાર સુધી તેનું સૌથી ઊંચુ વળતર માનવામાં આવતું.
અને કટાક્ષ છે કે આ ભવ્ય વળતર સુધી પહોંચવા પહેલા સાઈ પલ્લવીએ તેને વધુ ફી મળતી હોય તેવા પ્રોજેક્ટ વારંવાર નકાર્યા છે.
કહેવાય છે કે તેણે એક વાર ગોરા થવાના ક્રીમની જાહેરાત માટેનો કરોડોનો પ્રોજેક્ટ છોડી દીધો હતો. તેની સ્પષ્ટતા પણ વિશિષ્ટ રીતે સરળ હતીઃ આવી વસ્તુઓનો ઉપયોગ તે નથી કરતી અને તેથી જ તે લોકોને એવી વસ્તુઓ વેંચવા નથી માગતી જેમાં તેને વિશ્વાસ નથી. ધારણાઓ વેંચવા પર બનેલા આ ઉદ્યોગમાં પલ્લવીના નિર્ણયે વ્યાવસાયિક પ્રાથમિકતા કરતા કંઈક વધુ ઉજાગર કર્યું. તેણે એક સીમા રજૂ કરી.
કહેવાય છે કે તેણે દક્ષિણના સિનેમામાં સૌથી દિગ્ગજ સ્ટાર્સ સાથે સંકળાયેલા અનેક મોટા કમર્શિયલ પ્રોજેક્ટ નકારી દીધા હતા. 'ભોલા શંકર', 'લીઓ', 'વારિસુ' અને 'સારિલેરુ નીકેવ્વરુ' જેવી ફિલ્મો સાથે વિવિધ તબક્કે તેનું નામ સંકળાયેલું હતું, પણ આખરે તેણે તેમાં હિસ્સો ન બનવાનું નક્કી કર્યું. એમાંથી કેટલીક તો ભારે સફળતાને વરી. છતાં સાઈ પલ્લવીને ફિલ્મના બેનરના કદ કરતા પોતાના પાત્રના કદમાં વધુ રસ હતો. આ સિદ્ધાંત તેની અપીલમાં કાયમ કેન્દ્ર સ્થાને રહ્યો છે.
આ વર્ષે આમિર ખાનના પ્રોડક્શન બેનર અને જુનૈદ ખાન સાથે તેની બોલીવૂડ ડેબ્યુ ફિલ્મ 'એક દિન' બોક્સ ઓફિસ પર નિષ્ફળ સાબિત થઈ. પણ કમર્શિયલ સફળતા ક્યારેય સાઈ પલ્લવીની કારકિર્દીનું માપદંડ નથી રહી. તમિલ અને તેલુગુમાં તેની પ્રતિષ્ઠા પરફોર્મન્સ દ્વારા બની હતી જેનાથી તેની ગણના પ્રથમ એક અભિનેત્રી તરીકે અને ત્યાર પછી સેલિબ્રિટી તરીકે થતી.
અને કદાચ એટલે જ તેનું આધ્યાત્મિક પાસુ લોકોને આકર્ષી રહ્યું છે. તેના કાંડામાં કાયમ હાજર રહેતી જપમાળા પણ તેની ઓળખ બની ગઈ છે. દિલ્હી ખાતે રામાયણ સાથે સંકળાયેલા એક કાર્યક્રમમાં તે કાંજીવરમ સાડી અને પરંપરાગત મંદિરના અલંકાર સાથે હાજર થઈ. ત્યારે પણ માળા તેના પહેરવેશનો હિસ્સો હતી. તેનો પહેરવેશ કોઈ સેલિબ્રિટી માટે બનાવ્યો હોય તેવું નહોતું લાગતું. એવું મહેસૂસ થતું હતું કે આ જ તેની અસલી ઓળખ છે.
વિશેષજ્ઞાોએ ચંદનની બનેલી આ માળાને વિનમ્રતા, સજાગતા અને દૈવી તત્વ સાથે જોડાણની યાદ તરીકે વર્ણવી છે. લોકો હવે આ આધ્યાત્મિક અર્થઘટનને સ્વીકારે કે પછી તેને માત્ર વ્યક્તિગત પ્રતીક તરીકે જુએ, તે સાઈ પલ્લવીએ વર્ષો દરમ્યાન વિકસાવેલી આભાને અનુરૂપ છે, એવી છબી જે વિલપ્ત, વિનમ્ર અને ગ્લેમરથી અછૂતી રહી છે.
આ ફિલ્મની કાસ્ટિંગ બાબતે પણ કંઈક કાવ્યાત્મક છે. જે અભિનેત્રીએ ઉદ્યોગની તમામ કમર્શિયલ લાલચો ફગાવી તે ભારતીય પરંપરામાં આંતરિક શક્તિની સૌથી મહાન હસ્તીનું પાત્ર નિભાવે છે. પોતાની માન્યતાઓથી વિપરીત જાહેરાતો નકારનાર અભિનેત્રી એવી મહિલાની વાર્તામાં પદાર્પણ કરી રહી છે જેની ઓળખ સદીઓથી આસ્થા, ફરજ,ગરિમા અને પ્રતિબદ્ધતાના આધારે બની છે.
રામાયણ કદાચ ભારતની સૌથી મોંઘી ફિલ્મ સાબિત થઈ શકે. તેની વિઝ્યુઅલ ભવ્યતા અભૂતપૂર્વ છે, તેની કાસ્ટ ભવ્ય છે અને તેની અપેક્ષાઓ પણ અપાર છે. છતાં સાઈ પલ્લવીની સીતાનું મૂલ્યાંકન એવા આધારે થશે જેની કિંમત ચાર હજાર કરોડથી પણ વધુ છેઃ આ આધાર છે પ્રમાણિકતા.









