Chitralok

'રામાયણ'ના ઈન્દ્રદેવ કુણાલ કપૂરની બિઝી બિઝી બીજી ઈનિંગ્સ

By GS Team
10 Sep 20263 mins read
'રામાયણ'ના ઈન્દ્રદેવ કુણાલ કપૂરની બિઝી બિઝી બીજી ઈનિંગ્સ
  • 'ઓરિજિનલી, હું એક વાર્તાકાર છું. બહુ ઓછા લોકો જાણે છે કે હું વરસોથી લખતો આવ્યો છું. હમણાં જ મેં ત્રણ ફિલ્મોની સ્ક્રિપ્ટ્સ પૂરી કરી. મને મેં જ લખેલી ફિલ્મોમાં અભિનય કરવો ગમશે…'

કુણાલ કે કપૂરનું એક્ટિંગ કરીઅર ૨૦ વરસના લાંબા ગાળા બાદ ફરી પાટે ચડયું છે. રાકેશ ઓમપ્રકાશ મેહરાની બે દશક પહેલા રિલીઝ થયેલી આઈકનિક ફિલ્મ 'રંગ દે બસંતી' કુણાલને પહેલીવાર લાઈમલાઈટમાં લઈ આવી હતી. ફિલ્મમાં આમિર ખાન, અતુલ કુલકર્ણી, શર્મન જોશી અને સિદ્ધાર્થની સાથોસાથ કપૂરના પરફોર્મન્સની પણ નોંધ લેવાઈ હતી. આ વરસે નીતેશ તિવારીની મલ્ટીસ્ટારર મેગ્નમ ઓપસ મૂવી 'રામાયણ'ને કારણે એક્ટર ફરી ન્યુસમાં ચમક્યો છે. બે પાર્ટમાં બનનારી રામાયણમાં કુણાલ સ્વર્ગના રાજા ઈન્દ્રની ભૂમિકામાં છે.
એ કહે છે, 'જરૂર છે માત્ર એવી દમદાર સ્ટોરીઝ શોધવાની કમનસીબે હવે દમદાર અને સત્વંશીલ વાર્તાઓ બહુ ઓછી લખાય છે. ઘણા લોકો મને કહે કે 'રંગ દે બસંતી' જૈસી પિક્ચર ફિર સે બનાવ ના. મારો એમને એક જ જવાબ હોય છે કે એના જેવી કન્ટેન્ટ પણ મેળવી જોઈને, મારા ભાઈ'.
અમિતાભ બચ્ચનની સગી ભત્રીજી નયના અજિતાભ બચ્ચનને ૧૧ વરસ પહેલા પરણી એક દીકરાનો ડેડી બની ચુકેલો કુણાલ રામાયણને લઈને બહુ ઉત્સાહિત છે. પોતાનો અનુભવ શેર કરતા એ કહે છે, 'મને મૂવીના સેટ પર રહેવું ગમ્યું કારણ કે સેટ પર એકદમ મેડિટેટિવ (ધ્યાનસ્થ અવસ્થાનો) માહોલ હતો. બિલ્કુલ નીરવ શાંતિ. આવો સેટ મને અગાઉ કદી જોયો નથી. સામાન્યપણે હિન્દી ફિલ્મોના સેટ પર ધમાચકડી બોલતી હોય છે. ગોકીરો અને અફરાતફરી પ્રવર્તે છે. પરંતુ રામાયણના સેટસની વાત જુદી હતી. દરેક જણને એવી લાગણી થતી હતી કે આપણે કોઈ મહાન ભગીરથ કાર્યમાં જોડાયા છીએ. આવું અવારનવાર બનતું નથી. મને લાગે છે કે એ નીતેશ સરની ઉર્જા અને અમારી ફિલ્મની અજરાઅમર કથાના કોમ્બિનેશનનું પરિણામ છે.'
દિવાળીમાં રિલીઝ થનારા રામાયણના પહેલા ભાગનું ટ્રેલર રિલીઝ થયા બાદ લોકોએ સોશ્યલ મિડીયા પર મૂવીના કાસ્ટિંગથી લઈ પાત્રોના લુક્સ અને કોસ્ચ્યુમ્સ સુધીના વિષયો પર કમેંટસ મારો ચલાવ્યો હતો. એના વિશે પૂછાતા કપૂરે એનો એકદમ વ્યવહારુ ખુલાસો આપ્યો, 'મારા મતે ટ્રેલરનું સિનેમાને કોઈ દ્રષ્ટિથી જુએ છે અને એના વિશે કેવી ચર્ચા કરે છે એની ઝલક છે, આપણે આજે એવી દુનિયામાં રહીએ છીએ છે જ્યાં દરેક વ્યક્તિ પાસે પોતાનો મત દર્શાવવાનું મિડીયમ છે. મેં કરીઅર શરૂ કર્યું ત્યારે ગણીને ૩ ન્યુસપેપર્સ હતા અને ટીવી પર ફિલ્મોની સમીક્ષા કરતો એક પ્રોગ્રામ આવતો, બસ. ફિલ્મોના રિવ્યુઝ એમાં જ વાંચવા કે સાંભળવા મળતા, પરંતુ આજે દરેક જણ ઓનલાઈન પોતાનો મત વ્યક્ત કરી શકે છે. તમે જેટલા આક્રમક હો એટલો તમારો રિવ્યુ વધુ વાયરલ થાય તમે કેટલા આક્રમક બની શકો છો એના પર બધો આધાર છે.'
સૌ જાણે છે કે કુણાલ કપૂર ૪ વરસ સુધી ફિલ્મોમાંથી ગાયબ હતો. છતાં એ લાંબા અવકાશને પોતાની કરીઅરમાં આવેલો બ્રેક નથી માનતો. એનું લોજિક એવું છે કે નવરાશના એ ગાળામાં પોતાને સ્ટોરી રાઈટિંગ સાથે ફરી જોડાવાની તક મળી, સ્ટોરી રીલિંગના પોતાના કસબને કારણે જ મૂળમાં એક્ટર બોલીવુડમાં આવવા પ્રેરાયો હતો. 'ઓરિજિનલી, હું એક વાર્તાકાર છું. બહુ ઓછા લોકો જાણે છે કે હું વરસોથી લખતો આવ્યો છું અને હમણાં જ મેં ત્રણ ફિલ્મની સ્ક્રીપ્ટ્સ પૂરી કરી. મને એ ફિલ્મોમાં અભિનય કરવો ગમશે. બ્રેક એટલા માટે આવ્યો કે મને મનગમતું કામ મળતું નહોતું. બ્રેકમાં હું મારા ચિતમાં ધરબાયેલી સ્ટોરીઝ ને ડેવલપ કરી શક્યો, વળી, હવે તો સારા રોલ્સ પણ મળી રહ્યા છે,' એવી કેફિયત એક્ટર આપે છે.
કુણાલ પાસે અત્યારે રામાયણ ઉપરાંત એક તેલુગુ અને એક કન્નડ મૂવી પણ છે. ઈન શોર્ટ, કપૂરે પોતાની કરીઅરની બીજી બિઝી બિઝી ઈનિંગ શરૂ કરી છે અને એ પણ પોતની શરતે..