પ્રીટિ ઝિન્ટા : કોઈ માણસ ભૂલોથી પર હોતો નથી

- 'ફિલ્મો મારા જીવનનો એક ભાગ છે, સંપૂર્ણ જીવન નહીં. હું એક ફૌજીની પુત્રી છું. મેં કંઈ નાનપણમાં ફિલ્મોમાં કામ કરવાનાં સપનાં નહોતાં જોયાં. હું તો ક્રિમિનલ સાઇકોલોજી ભણીને ડિટેક્ટિવ બનવા માગતી હતી.'
એક વખત ઝાકઝમાળની દુનિયામાં રહેવાની લત લાગે ત્યાર પછી તેનાથી દૂર થવું ખાસ્સું કપરું બની રહે છે, પરંતુ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા સાવ નોખી માટીની નીકળી. તે પોતાની કારકિર્દીની ટોચે હતી ત્યારે જ કેમેરા સામેથી ખસી ગઈ, અને હવે પૂરા આઠ વર્ષના લાંબા અંતરાલ પછી ફરીથી મોટા પડદા પર સક્રિય દેખાઈ રહી છે. તેની 'બટવારા ૧૯૪૭' રિલીઝ થઈ ચૂકી છે અને તેણે કુણાલ ખેમૂ દ્વારા દિગ્દશત 'વાઈબ' જેવી એક્શન-કોમેડી ફિલ્મ પર પણ હાથ અજમાવ્યો છે. તેને ફરી પડદા પર જોયા પછી દર્શકોને સહેજે એમ થાય કે આઠ વર્ષ પહેલાંની અને અત્યારની પ્રીતિ માં તેના ચહેરા પર દેખાતી પરિપક્વતા અને પીઢતા સિવાય ઝાઝો ફેર નથી પડયો. અલબત્ત, આ આઠ વર્ષના ગાળામાં તે આઈપીએલની એક ટીમની માલિક બની, લગ્ન કર્યાં અને બે સંતાનોની માતા પણ બની. આટલું બધું કર્યા પછી પણ આ અભિનેત્રીને એમ જરાય નથી લાગતું કે તેનાં આ આઠ વર્ષ ક્યાંય વેડફાઈ ગયાં છે.
પ્રીતિ જણાવે છે કે, 'આઠ વર્ષ અગાઉ હું નિયમિત ફિલ્મો કરતી હતી ત્યારે એ સઘળો સમય માત્ર મારો પોતાનો જ હતો અને મારું સંપૂર્ણ ધ્યાન મારા પોતાના પર જ કેન્દ્રિત હતું. ત્યાર પછી જ્યારે મેં આઈપીએલમાં ઝંપલાવ્યું ત્યારે પણ હું તેમાં સંપૂર્ણપણે રમમાણ રહી શકી. મને હંમેશાં એ વાતની અનુભૂતિ થઈ છે કે તમે જે પણ કામ હાથમાં લો તેમાં તમારું ૧૦૦ ટકા યોગદાન હોવું અનિવાર્ય છે. તે સમયગાળામાં હું સતત ૧૮ કલાક સુધી લાગલગાટ કામ કરી શકતી હતી. પરંતુ હવે હું એક ગૃહિણી પણ છું. સ્વાભાવિક રીતે જ મારો સમય હવે માત્ર મારી આસપાસ નથી ફરતો. મારે મારાં બંને સંતાનોનો પણ સારો ઉછેર કરવાનો છે. આમ, મારું કામ ઘણું વધી ગયું છે, પરંતુ એ પારિવારિક કામમાંથી મળતો સંતોષ ખરેખર અવર્ણનીય છે.'
પ્રીતિ પહેલેથી જ કહેતી આવી છે કે તેને પોતાની અભિનય કારકિદીમાંથી આટલો લાંબો બ્રેક લેવા બદલ લગીરેય રંજ કે પસ્તાવો નથી. આનું કારણ સ્પષ્ટ કરતાં તે ઉમેરે છે, 'ફિલ્મો કાયમ મારા જીવનનો એક મહત્વનો ભાગ રહી છે, પરંતુ એ જ મારું સંપૂર્ણ જીવન નહોતી. હું એક ફૌજીની દીકરી છું. મેં નાનપણથી ક્યારેય ફિલ્મોમાં હિરોઈન તરીકે કામ કરવાના શમણાં નહોતાં જોયાં. હું તો ક્રિમિનલ સાયકોલોજીનો અભ્યાસ કરીને એક ડિટેક્ટિવ બનવા માંગતી હતી. હું તો તદ્દન અકસ્માતે આ ફિલ્મોદ્યોગમાં આવી ચડી હતી. ખરેખર તો એ મુશ્કેલ સમયમાં ટકી રહેવા માટે જ મેં અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું હતું, કારણ કે હું ઘર છોડીને આવી ગઈ હતી.'
પ્રીતિના બે જોડિયાં સંતાનો છે - જય અને જિય. પ્રીતિ સ્પષ્ટ શબ્દોમાં કહે છે, 'ના, મારાં બાળકો મને સ્ક્રીન પર અન્ય અભિનેતાઓ સાથે રોમાન્સ કે અભિનય કરતાં જોવા માટે હજુ ઘણાં નાનાં છે. હું નથી ઇચ્છતી કે તેઓ મને પડદા પર કોઈ અન્ય પુરુષ સાથે જોઈને પોતાના બાળસહજ મનમાં મારી માતા તરીકેની કોઈ જુદી છાપ ઊભી કરે.'
અદાકારાને સોશિયલ મીડિયાનો પણ ઝાઝો ચસકો નથી. આનું કારણ આપતાં તે જણાવે છે, 'આ ડિજિટલ માધ્યમ પર માત્ર તમારી પ્રશંસા જ નથી થતી, તમારી બિનજરૂરી બદનક્ષી અને ટીકા પણ મોટા પાયે થાય છે. જ્યારે તમને નિર્દયી રીતે ટ્રોલ કરવામાં આવે ત્યારે તમે ગંભીર માનસિક તાણ અનુભવો તે તદ્દન સ્વાભાવિક છે, તેથી બહેતર એ જ છે કે તેનો ખૂબ મર્યાદિત ઉપયોગ કરવામાં આવે. સોશિયલ મીડિયા પર તમારી ભૂતકાળની જૂની ભૂલો પણ વારંવાર યાદ દેવડાવવામાં આવે છે. કોઈ પણ માણસ ભૂલોથી પર નથી હોતો, માનવી પોતાની ભૂલોમાંથી જ ઘણું શીખે છે અને એ ભૂલોને ભૂલીને આગળ વધી જવામાં જ સાચું ડહાપણ છે. પરંતુ નેટિઝન્સ તમને વારંવાર તમારા ભૂતકાળમાં જ ઢસડી જાય છે, જેના કારણે વ્યક્તિ એ જૂના સમયના વમળમાં જ અટવાયેલી રહે છે અને આગળ વધવાના તમામ પ્રયાસો નિષ્ફળ નીવડે છે. ખાસ કરીને આજના યુવાવર્ગ માટે સોશિયલ મીડિયાનું આ વલણ અત્યંત ઘાતક સાબિત થઈ રહ્યું છે.' વાત તો સાચી.




