Chitralok

પંકજ ત્રિપાઠીઃ બિહારના ગામડાથી ઇન્ટરનેશનલ અવોર્ડ સુધી

By GS Team
27 Aug 20262 mins read
પંકજ ત્રિપાઠીઃ બિહારના ગામડાથી ઇન્ટરનેશનલ અવોર્ડ સુધી
  • 'મારો જન્મ થયો તે સમયે તો અમારા ઘરમાં ઇલેક્ટ્રિસિટી પણ નહોતી. તેથી જ જ્યારે આંતરરાષ્ટ્રીય એવોર્ડ સ્વીકારવા માટે મને મેલબોર્ન જવાનું આમંત્રણ મળ્યું ત્યારે સપના જેવું લાગતું હતું. આજે સમગ્ર વિશ્વમાં ભારતીય ફિલ્મો દ્વારા આપણી સંસ્કૃતિ, કથાઓ અને જીવનતચરિત્રોની ચર્ચા થઈ રહી છે…'

બિહારના ખોબલા જેવડા બેલસંદ ગામનો હું, પંકજ ત્રિપાઠી, હવે આંતરરાષ્ટ્રીય સ્તરનો પ્રતિતિ એવોર્ડ સ્વીકારવા માટે આવતા અઠવાડિયે ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો છું. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન થયું છે. મારા માટે આ સન્માન ખૂબ મોટું છે અને હું રાજીના રેડ થઈ ગયો છું.
પંકજ ત્રિપાઠીનો આ રાજીપો સાચો અને વાજબી છે. તેમણે એક અભિનેતા તરીકે બોલિવુડમાં બહુ ઓછા સમયમાં પોતાની બહુમુખી પ્રતિભા પુરવાર કરી દીધી છે. હિન્દી ફિલ્મ જગતમાં અમુક કલાકારો એવા છે જેઓ સાવ સામાન્ય પરિવારમાંથી આવે છે અને ભારતનાં સાવ નાનકડાં ગામડાંના વતની છે. હિન્દી સિનેમાના અસલી 'હી-મેન' ધર્મેન્દ્ર પંજાબના નાનકડા નસરાલી ગામના વતની હતા. આલા દરજ્જાના અભિનેત્રી વહીદા રહમાન તામિલનાડુના નાના ગામ ચેંગલપટ્ટુના વતની છે. આજના દમદાર અભિનેતા મનોજ બાજપાઈનો જન્મ બિહારના બેલવા ગામમાં થયો હતો.
હિન્દી ફિલ્મોના સુવર્ણ યુગના મહાન સંગીત નિર્દેશક શંકર-જયકિશનની જોડીમાંના જયકિશનનો જન્મ તો ગુજરાતના નવસારી જિલ્લાના નાનકડા વાંસદા ગામમાં થયો હતો. આ તમામ કલાકારો નાનાં ગામડાંના હોવા છતાં, પોતાની અસાધારણ પ્રતિભાના બળે સમગ્ર દેશમાં પ્રસિદ્ધ થયા અને અપાર માન-સન્માન મેળવ્યાં.
આજના બોલિવુડના બહેતરીન અભિનેતા પંકજ ત્રિપાઠી પણ બિહારના આવા જ નાનકડા બેલસંદ ગામના વતની છે. શ્રેષ્ઠ અભિનેતા તરીકે બે નેશનલ એવોર્ડ્સ અને એક ફિલ્મફેર એવોર્ડનું સન્માન પ્રાપ્ત કરનારા પંકજ ત્રિપાઠી કહે છે, 'મારો જન્મ બિહારના બેલસંદ ગામના એક સાધારણ ઘરમાં થયો હતો. મારો જન્મ થયો તે સમયે તો અમારા ઘરમાં ઇલેક્ટ્રિસિટી પણ નહોતી. આજે હું એ જ બેલસંદથી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવવા માટે છેક મેલબોર્ન જવાનું થયું. આ સન્માન મારા માટે એક સ્વપ્ન સમાન અને જીવનનું સૌથી મોટું આશ્ચર્ય છે. ખરેખર તો આ સન્માન મારું વ્યક્તિગત નહીં, પણ અભિનય કળાનું છે. પરમ કૃપાળુ પરમાત્માએ મને અભિનયની દેણ આપી છે તેથી હું ધન્યતા અનુભવું છું. સાથોસાથ મને હિન્દી ફિલ્મ જગતના નિર્માતાઓ, દિગ્દર્શકો અને સહ-કલાકારો તરફથી પણ ભરપૂર સહકાર અને પ્રેમ મળ્યાં છે. મારા નિરીક્ષણ મુજબ આપણા ભારત દેશમાં રસપ્રદ વાર્તાઓનો અખૂટ ભંડાર છે. આજે સમગ્ર વિશ્વમાં ભારતીય ફિલ્મો દ્વારા આપણી સંસ્કૃતિ, કથાઓ અને જીવનપ્રસંગોની ચર્ચા થઈ રહી છે, જે આપણા સમગ્ર દેશ માટે ગૌરવરૂપ બાબત છે.'