પલક તિવારી: મારે મમ્મી કરતાં અલગ ઓળખ બનાવવી છે

- 'ફિલ્મોનો રોમાન્સ વાસ્તવિક જીવનથી અલગ હોય છે. સારા સંબંધનું એક જ માપ છે. વ્યક્તિને પોતાના સાથી સાથે એટલી જ સહજતા અને સલામતી મહેસૂસ થવી જોઈએ, જેટલી સાચા સ્વજનો સાથે અનુભવાતી હોય…'
બોલિવુડ અને ઓટીટીના ક્ષેત્રમાં પોતાની અલગ ઓળખ બનાવવાનો પ્રયાસ કરી રહેલી અભિનેત્રી પલક તિવારી માત્ર લોકપ્રિય ટીવી સ્ટાર શ્વેતા તિવારીની પુત્રી તરીકે ઓળખાવવા નથી માગતી. તે સતત એવું સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે સફળતા માત્ર પારિવારીક ઓળખના દમ પર નથી મળતી, પણ તેના માટે પ્રતિભા, ધૈર્ય અને લગાતાર મહેનત પણ એટલી જ જરૂરી છે.
પલકનું બાળપણ કોઈ ફિલ્મી કહાની જેટલું આસાન નહોતું. તેણે પોતાની માતા શ્વેતા તિવારીને એક કઠિન સમયમાંથી પસાર થતા અત્યંત નજીકથી જોઈ છે. શ્વેતાના અંગત જીવન, તેના તૂટતા લગ્ન અને એ દરમ્યાન મીડિયામાં લગાતાર ફેલાતી નકારાત્મક અફવાઓની અસર સમગ્ર પરિવાર પર પડી હતી.
સામાન્યપણે એવું માનવામાં આવે છે કે સ્ટારકિડ્સ માટે ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ અત્યંત આસાન હોય છે. પલક માને છે કે ભલે પ્રથમ ઓળખ બનાવવામાં પરિવારનું નામ સહાયક બને, પણ અસલ પડકાર તો કામ હાંસલ કરવામાં હોય છે. તેણે જણાવ્યું કે તેની આગામી વેબ સીરીઝ માટે તેને લગભગ દસ વાર ઓડિશન આપવું પડયું હતું. દરેક વખતે તેણે પોતાને અગાઉથી બહેતર સાબિત કરવી પડી. આ અનુભવ તેના માટે એવી શીખ લઈને આવ્યો કે ફિલ્મ ઉદ્યોગમાં આખરે પ્રતિભા અને મહેનત જ સૌથી મોટો આધાર બને છે.
તેનું માનવું હતું કે આ હૂડી તેને આત્મવિશ્વાસ અપાવે છે. ભલે આ અંધવિશ્વાસ અથવા સંયોગ હોય, પણ અનેક કલાકારોની જેમ પલક પણ પોતાના આ નાનકડા લકી ચાર્મને પોતાની સાથે રાખે છે. આ જ દર્શાવે છે કે મોટા કલાકારને પણ સફળતા મળવા અગાઉ અંધવિશ્વાસ વધારવા નાની-નાની વાતોનો સહારો લેવો પડતો હોય છે. નેપોટિઝમ, પરિવારવાદ પર ચાલી રહેલા વિવાદથી પણ પલક પોતાને પૂરી રીતે અલગ નથી રાખતી, પણ આ વિષય પર તેનો અભિગમ અત્યંત સંતુલિત છે. તેના જણાવ્યા અનુસાર લોકો ભલે તેને સ્ટારકિડ કહે અને આ વાત તે બદલી નથી શકવાની. પણ હાલ તે આ વિવાદમાં પડવાની બદલે પોતાના કામ પર ધ્યાન આપવા માગે છે.
પલકે પોતાના અંગત સંબંધ અને પ્રેમ વિશે પણ નિખાલસતાથી મંતવ્ય વ્યક્ત કર્યું. તેનું માનવું છે કે ફિલ્મોમાં દર્શાવાતો રોમાન્સ વાસ્તવિક જીવનથી અલગ હોય છે. તેના મતે એક સારો સંબંધ એ જ હોઈ શકે જેમાં વ્યક્તિ પોતાના સાથી સાથે એટલી જ સહજ અને સુરક્ષિત મહેસૂસ કરે જેટલો પોતાના પરિવાર વચ્ચે કરે છે. જો કોઈ સંબંધમાં દરેક સમયે અસુરક્ષા, ગભરાટ અથવા દેખાડો હોય તો તે સ્વસ્થ સંબંધ ન ગણાય.
છેલ્લા કેટલાક સમયથી અભિનેતા ઈબ્રાહિમ અલી ખાન સાથે પલકના સંબંધ બાબતે સોશિયલ મીડિયા પર સતત ચર્ચાઓ થઈ રહી છે. બંને અનેક પ્રસંગે એકસાથે જોવા મળ્યા જેના પછી તેમની ડેટિંગના સમાચારો પણ ઝડપથી ફેલાયા. જો કે પલક આ અફવાઓને વધુ મહત્વ નથી આપતી. તેના કહેવા મુજબ લોકો કાયમ તેના વિશે અનુમાન લગાવતા રહેશે. તે કોઈની સાથે ડેટ કરે કે ન કરે, દરેક વખતે તેની સાથે જોવા મળનાર વ્યક્તિ લોકો માટે એક મિસ્ટ્રી મેન જ રહી જશે. એટલે તેણે આવી ચર્ચાઓથી પ્રભાવિત થવાનું છોડી દીધું છે.
સંબંધમાં પ્રમાણિકતા અને સ્પષ્ટ સીમાઓ વિશે પણ પલકે આધુનિક સમયની એક મહત્વપૂર્ણ વાત કહી. તેણે માઈક્રો ચીટિંગ જેવા નવા શબ્દ પર પોતાનું મંતવ્ય વ્યક્ત કરતા કહ્યું કે જો કોઈ સંબંધમાં વ્યક્તિ કોઈ અન્યને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે, પોતાના મેસેજીસ છુપાવે અથવા હેતુપૂર્વક કેટલીક વાતો પોતાના સાથીથી છુપાવે, તો એ પણ વિશ્વાસને હાનિ પહોંચાડી શકે છે. પલકના મતે સ્વસ્થ સંબંધોમાં પહેલેથી નક્કી હોવું જોઈએ કે કઈ વાતો સ્વીકાર્ય છે અને કઈ વાતો સ્વીકાર્ય નથી. સ્પષ્ટ સંવાદ અને પારદર્શિતા જ કોઈ પણ સંબંધનો સૌથી મજબૂત પાયો છે.
રસપ્રદ બાબત એ છે કે કેમેરાની સામે અત્યંત આત્મવિશ્વાસ ભરી દેખાતી પલક અસલ જીવનમાં પોતાને બેહદ શર્મિલી ગણાવે છે. પલક કહે છે કે જ્યારે પણ તે પોતાનો કોઈ પરફોર્મન્સ જુએ ત્યારે સૌ પ્રથમ તેને પોતાની ક્ષતિઓ નજરે પડે છે. આ જ આત્મમૂલ્યાંકન તેને સતત બહેતર બનવા માટે પ્રેરિત કરે છે. કદાચ આ જ વિચારધારા તેને એક ગંભીર કલાકાર બનવાની દિશા તરફ આગળ વધારી રહી છે.
આજે પલક તિવારી પોતાના જીવનના એવા તબક્કામાં છે, જ્યાં તેની સામે અવસર પણ છે અને પડકાર પણ છે. સ્ટારકિડ હોવાનો ટેગ તેના પર કાયમ લાગેલો રહેશે, પણ તે ઈચ્છે છે કે આવનારા વર્ષોમાં લોકો તેને માત્ર શ્વેતા તિવારીની પુત્રી નહિ, પણ એક સફળ અને પ્રતિભાશાળી અભિનેત્રી તરીકે ઓળખે. તેનો આત્મવિશ્વાસ, મહેનત અને સ્પષ્ટ વિચારધારાને જોતા એટલું તો જરૂર કહી શકાય કે તે પોતાની અલગ ઓળખ બનાવવાના પથ પર પૂરી ઈમાનદારી સાથે આગળ વધી રહી છે. આવનારો સમય નક્કી કરશે કે તેની આ સફર તેને બોલીવૂડ અને ઓટીટીની અગ્રણી અભિનેત્રીઓની કતારમાં કેટલે સુધી લઈ જાય છે.









