Chitralok

ઓ સજના... બરખા બહાર આયી

By GS Team
27 Aug 20264 mins read
ઓ સજના... બરખા બહાર આયી
  • સિને મેજિક- અજિત પોપટ
  • 'ઓ સજના બરખા બહાર આયી…' રાગ ખમાજમાં અને તાલ કહરવામાં નિબદ્ધ આ ગીતમાં કવિના વખાણ કરવા કે સંગીતકારના એ મીઠ્ઠી મૂંઝવણ છે. અંતરામાં કવિ કહે છે, 'તુમ કો પુકારે મેરે મન કે પપીહરા, મીઠી મીઠી અગનિ મેં જલે મોરા જિયરા…' એક માન્યતા એવી છે કે વર્ષા ઋતુમાં નારીને એના પ્રિય પાત્રની વિરહવેદના વધુ સાલે. એટલે અંતરાના આ શબ્દોમાં મનના પપીહરાને સંબોધીને આ ભાવના રજૂ કરી છે.

રાધાનગર નામના એક નાનકડા ગામના ધર્મભીરુ પોસ્ટ માસ્ટરને એક પત્ર મળે છે. સાથે પાંચ લાખ રૂપિયાનો ચેક છે. ગામના સર્વાંગી વિકાસ માટે કામ કરે એવા કોઇ ઇમાનદાર ગ્રામવાસીને આ ચેક આપવાનો છે એવું ચેક મોકલનાર શ્રીમંત સર જગદીશચંદ્ર રોયે લખ્યું છે. ૧૯૫૦ના દાયકાના પાંચ લાખ રૂપિયા એટલે આજે પચીસથી ત્રીસ કરોડ રૂપિયા થાય. એવી સોંઘવારી હતી એ દિવસોમાં. પોસ્ટ માસ્ટર ગભરાઇ જાય છે. ખેતમજૂરોનું શોષણ કરતા જમીનદાર (અભિનેતા જયંત), શ્રમિકોને ચૂસતા કોન્ટ્રેક્ટર (આસિત સેન), ગામના ડૉક્ટર (રાશીદ ખાન) અને પૂજારી (કન્હૈયાલાલ) ઉપરાંત પ્રોફેસર રજત શર્મા (બસંત ચૌધરી) સમક્ષ પોતાની મૂંઝવણ પોસ્ટમાસ્ટર રજૂ કરે છે. હવે આ દરેકને, પોતે જ સૌથી વધુ ઇમાનદાર અને ગ્રામના વિકાસ માટે સમપત હોવાનું પુરવાર કરવાની હોડ ઊપજે છે.
૧૯૫૦ના દાયકામાં દેશ આઝાદ થયાના પહેલાં જ દાયકામાં લોકશાહીમાં કેવા કેવા ખેલ રચાતા હતા એના પર કટાક્ષ કરતી એક વાર્તા સંગીતકાર સલિલ ચૌધરીએ લખેલી. કથામાં નિર્દોષ રમૂજ અને કટાક્ષ છે. એના પરથી હૃષીકેશ મુખરજીએ ફિલ્મ બનાવી- 'પરખ'. અહીં એક સાચા સમાજ સેવકની પરખ કરવાની હતી. ફિલ્મ હિટ નીવડી હતી. ફરી એકવાર શૈલેન્દ્ર અને સલિલ ચૌધરીએ સરસ ગીત-સંગીત આપ્યાં. એમાંય એક ગીત તો આજ સુધી યાદગાર રહ્યું છે. ખુદ લતા મંગેશકરે પોતાનાં સૌથી વધુ ગમતાં ગીતોમાં આ ગીતને સ્થાન આપેલું. એ ગીત એટલે આ-
'ઓ સજના બરખા બહાર આયી, રસ કી ફુહાર લાયી, અંખિયોં મેં પ્યાર લાયી…' રાગ ખમાજમાં અને તાલ કહરવામાં નિબદ્ધ આ ગીતમાં કવિના વખાણ કરવા કે સંગીતકારના એ મીઠ્ઠી મૂંઝવણ છે. અંતરામાં કવિ કહે છે, 'તુમ કો પુકારે મેરે મન કે પપીહરા, મીઠી મીઠી અગનિ મેં જલે મોરા જિયરા…' ક્યા બાત હૈ! એક માન્યતા એવી છે કે વર્ષા ઋતુમાં નારીને એના પ્રિય પાત્રની વિરહવેદના વધુ સાલે. એટલે અંતરાના આ શબ્દોમાં મનના પપીહરાને સંબોધીને આ ભાવના રજૂ કરી છે.
ઔર એક વાત. સલિલદાના પરિચય માટેના સૌથી પહેલા લેખમાં લોસ એન્જલસમાં સલિલદાને ભેટ મળેલા સૂરબહારની વાત કરેલી. એ સૂરબહારનો ઝંકાર આ ગીતમાં પહેલીવાર સૌથી વધુ ગૂંજ્યો. ગીતના રેકોડગમાં જેટલા સાજિંદા હાજર હતા એ બધા સલિલદાની સૂરબહાર પર રમતી આંગળીઓને મુગ્ધપણે નિહાળતા રહ્યા. પરિણામે આ ગીતના ત્રણ ચાર રિટેક થયા. વધુ એક વાત. આ એ જમાનાનું રેકોડગ છે જ્યારે આજની જેમ ઢગલાબંધ ચેનલ્સ ધરાવતા રેકોડગ મશીન નહોતાં, હાઇ ફિડાલિટી મલ્ટિપલ માઇક્રોફોન નહોતાં. માત્ર બે માઇક- એક ગાયકનું અને બીજું ઓરકેસ્ટ્રાનું. છતાં ગીતની ક્લેરિટી અને મધુરતા માણો. દિલ ખુશ થઇ જાય. લોકશાહી પરના કટાક્ષની આપણે વાત કરીને? એવું એક ગીત મન્ના ડેના કંઠમાં છે. ધારદાર કટાક્ષ છે. અગાઉ લોકો ભૂખમરાને કારણે મરતા હતા, હવે કદાચ વધુ પડતા ખાઉધરાપણાને લીધે મરશે, સાચી વાત કડવી લાગે છે એવો ભાવ ધરાવતું આ ગીત છે- 'ક્યા હવા ચલી, બાબા ઋત બદલી, શોર હૈ ગલી ગલી, સૌ સૌ ચૂહે ખાઇકર બિલ્લી હજ કો ચલી… પહલે લોગ મરતે થે ભૂખ સે અભાવ સે, અબ કહીં મર ન જાયે, અપની ખાઓ-ખાઓ સે, અરે મીઠી બાત કડવી લગે, લગે ગાલિયાં ભલી…' આખું ગીત રમૂજથી ભરેલું છે એટલે સંગીતકારે સાવ હળવી રમતિયાળ તર્જ અને લચકદાર કહેરવો પસંદ કર્યો છે.
રૂઢિચુસ્ત સમાજમાં પ્રેમીઓ પર કાતિલ નજરે જોવામાં આવતું હોય છે. પ્રેમનો મારગ કઠિન છે એવી ભાવના ધરાવતું ગીત લતાના કંઠમાં કોઇ તાલવાદ્ય વિના સંગીતકારે રજૂ કર્યું છે. તાલવાદ્ય નહીં હોવાથી શબ્દોની પાછળ રહેલી આક્રોશની ભાવના વધુ સ્પષ્ટ થાય છે. શબ્દો છે - 'મેરે મન કે દિયે, યૂં હી ઘૂટ કે જલ તૂ મેરે લાડલે, ખાક હો જાયેં હમ પ્યાર કે નામ પર, પ્યાર કી રાહ મેં રોશની દૂર હૈ…' સાંભળીને ગમગીન થઇ જવાય એ રીતે અહીં રાગ પહાડીનો ઉપયોગ થયો છે.
તો એ જ પહાડીમાં એક ઉત્સાહવર્ધક ગીત પણ છે. એ પણ લતાના કંઠમાં છે. 'મિલા હૈ કિસી કા ઝૂમ કા, ઠંડે ઠંડે, હરે હરે, નીમ તલે…' છ માત્રાના દાદરા તાલમાં અહીં નાયિકા મોજથી હરિયાળી ભૂમિ પર ઝૂમતી ઝૂમતી ગાય છે એવું ફિલ્માંકન છે.
અન્ય એક ગીતમાં ગોપીજનના મનની વાત રજૂ થઇ છે. 'યહ બંસી ક્યૂં ગાયે, મુઝે ક્યૂં સતાયે, યે ક્યા ધૂન સુનાએ, દૂર ન જાને કાહે મુઝે બુલાયે…' તમને ગુજરાતી સુગમ સંગીતમાં રસ હોય તો એક ગીત જરૂર યાદ આવશે- 'મારી વેરણ થાતી રાત, જગાડે મુને અમથી અમથી રે મોરલી મને નથી ગમતી…' 'બંસી ક્યૂં ગાયે…' ગીત પરદા પર માણવા જેવું હતું.
ફિલ્મ સર્જક બિમલ રૉયના વ્યક્તિત્વમાં રહેલી હળવી બાજુ અને કટાક્ષ આ ફિલ્મમાં આબાદ ઝીલાયાં છે. ફિલ્મ ધાર્યા કરતાં વધુ સારી ચાલી હતી અને રોકેલાં નાણાં કરતાં વધુ આવક પણ નોંધાઇ હતી. સંગીતકાર ઉપરાંત સલિલદા કેવા સરસ વાર્તાકાર હતા એ પણ પુરવાર થયું હતું.