Chitralok

એક્શનમાં ન ફાવટ ન આવતાં આલિયા ભટ્ટ હોરર તરફ વળી

By GS Team
31 Jul 20262 mins read
એક્શનમાં ન ફાવટ ન આવતાં આલિયા ભટ્ટ હોરર તરફ વળી
  • 'મેં 'તુમ્બાડ' પહેલી વાર જોઇ ત્યારથી એ મારા દિલો દિમાગ પર છવાયેલી છે. બહુ થોડી ફિલ્મો પડદા પર એવી દુનિયા ઊભી કરી શકે જે આપણને મંત્રમુગ્ધ કરી દે અને ઓરિજિનલ પણ લાગે…'
  • સોહમ શાહ સાથે આલિયા

આલિયા ભટ્ટની છેલ્લી રિલીઝ 'આલ્ફા' તેના નિર્માણ ખર્ચની સરખામણીમાં એવરેજ બિઝનેસ પણ નથી કરી શકી. 'જિગરા' બાદ આ નિષ્ફળ ગયેલી તેની બીજી એક્શન ફિલ્મ છે. તેથી જ કદાચ હવે આલિયા હોરર જોનર તરફ વળી છે. આ નવા પ્રયોગ માટે એક્ટ્રેસે સમીક્ષકો દ્વારા વખણાયેલી અને બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરનાર 'તુમ્બાડ' ફ્રેન્ચાઈઝી પર પસંદગી ઉતારી છે. પોતે 'તુમ્બાડ-૨'માં મહત્વનો રોલ કરી રહી હોવાની તેણે સત્તાવાર પુષ્ટિ આપી છે.
શ્રીમતી ભટ્ટ કપૂર કહે છે, 'મેં 'તુમ્બાડ' પહેલી વાર જોઈ ત્યારથી જ મારા દિલ-દિમાગ પર છવાયેલી છે. બહુ થોડી ફિલ્મો પડદા પર એવી દુનિયા ઊભી કરી શકે છે જે આપણને મંત્રમુગ્ધ કરી દે અને તદ્દન ઓરિજિનલ લાગે. બહુ જૂજ મૂવીઝ એવી બને છે જે રિલીઝ બાદ વર્ષો સુધી લોકોના મનમાં ધબકતી રહી શકે. એટલા માટે જ આ ફિલ્મમાં કામ કરવાની મળેલી તક મારા માટે ખૂબ જ એક્સાઈટિંગ છે.'
'તુમ્બાડ-૨'માં તેના પ્રોડયુસર સોહમ શાહ અને વર્સેટાઈલ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી પણ મહત્ત્વની ભૂમિકામાં છે. એમની સાથે કામ કરવા થનગની રહેલી આલિયા ઉમેરે છે, 'આ બે એવા આટસ્ટ છે જેની હું બહુ લાંબા સમયથી પ્રશંસક રહી છું. એમની સાથે આ રહસ્યમય વિશ્વનો હિસ્સો બનવું મારા માટે ખૂબ સ્પેશિયલ બની રહેશે.'
સોહમ શાહની ઓરિજિનલ 'તુમ્બાડ' ૨૦૧૮માં રિલીઝ થઈ ત્યારે તેને દર્શકો તરફથી ખાસ રિસ્પોન્સ નહોતો મળ્યો. પરંતુ માત્ર રૂ. ૧૫ કરોડના ખર્ચે બનેલી ફિલ્મને ૨૦૨૪માં રિ-રિલીઝ કરાઈ ત્યારે તેણે રૂ. ૫૩.૧૫ કરોડનો ધમાકેદાર બિઝનેસ કરીને બોલિવુડમાં બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. એ સફળતાથી પ્રેરાઈને એક્ટર-પ્રોડયુસર સોહમ શાહ રૂ. ૧૦૦ કરોડના બજેટમાં તેની સિક્વલ બનાવવા જઈ રહ્યા છે, જેનું ડિરેક્શન આદેશ પ્રસાદને સોંપાયું છે. 'તુમ્બાડ-૨' ડિસેમ્બર ૨૦૨૭માં રિલીઝ થશે.