Chitralok
મૃણાલ ઠાકુરઃ જીવનના દરેક પડાવ પર મારી હિંમત વધારનાર એ માણસ એટલે...
By GS Team
3 Jul 20263 mins read

- મૃણાલ ઠાકુરની આગામી ફિલ્મ 'ડકૈત' એના ચાહકોમાં ચર્ચાનો વિષય બની છે. તેમાં સાઉથનો જાણીતો અભિનેતા આદિવી શેષ એનો હીરો છે. આ ફિલ્મમાં નાયક પોતાની ભૂતપૂર્વ પ્રેમિકા સાથે બદલો લેવા નીકળી પડે છે. 'ડકૈત'માં અનુરાગ કશ્યપ અને પ્રકાશ રાજ જેવા સિનિયર કલાકારો પણ છે.
બાપ-બેટીઃ ઉદયસિંહ ઠાકુર અને મૃણાલ ઠાકુર
બોલિવુડ અભિનેત્રી મૃણાલ ઠાકુર હાલમાં પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ બંનેને કારણે સતત સમાચારોમાં છવાયેલી છે. એક તરફ તેની નવી ફિલ્મોને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ છે, તો બીજી તરફ તેણે પોતાના પિતા પ્રત્યે સ્નેહ અને સન્માન વ્યક્ત કરતી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને ચાહકોના દિલ જીતી લીધા છે. મૃણાલે થોડા દિવસો પહેલાં પિતા સાથેની કેટલીક સુંદર અને ભાવુક તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં બંને વચ્ચેની આત્મીયતા સ્પષ્ટપણે દેખાઈ આવે છે. આ તસવીરો સાથે તેણે એક અત્યંત લાગણીસભર નોંધ પણ લખી છે, તેનો સૂર એવો છે કે, એના પિતા હંમેશા એને અહેસાસ કરાવે છે કે તે કેટલી ખાસ છે અને જીવનના દરેક પડાવ પર તેની હિંમત વધારતા રહે છે. ચાહકોને પિતા-પુત્રીના આ સુંદર સંબંધની સોશિયલ મીડિયા પર ભારે પ્રશંસા કરી છે.
અંગત જીવનની આ મધુર પળોની સાથે મૃણાલની કારકિર્દીની ગતિ પણ તેજ બની રહી છે. તેની આગામી ફિલ્મ 'ડકૈત' હાલ દર્શકોમાં ચર્ચાનો વિષય બની છે, જેમાં તેની સાથે સાઉથનો જાણીતો અભિનેતા આદિવી શેષ મુખ્ય ભૂમિકામાં છે. એક્શન, રોમાન્સ અને વેરની ભાવના પર આધારિત આ ફિલ્મમાં નાયક પોતાની ભૂતપૂર્વ પ્રેમિકા સાથે બદલો લેવા નીકળે છે. ફિલ્મમાં અનુરાગ કશ્યપ અને પ્રકાશ રાજ જેવા સિનિયર કલાકારો પણ મહત્વના રોલમાં હોવાથી દર્શકોની ઉત્સુકતા બમણી થઈ ગઈ છે.
મૃણાલ ઠાકુરની લેટેસ્ટ ફિલ્મ 'હૈ જવાની તો ઈશ્ક હોના હૈ' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. જાણીતા ડિરેક્ટર ડેવિડ ધવનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ દેખીતી રીતે જ એક કોમેડી ડ્રામા છે. આ ફિલ્મમાં વરુણ ધવન, પૂજા હેગડે, મૃણાલ ઠાકુર અને મનીષ પોલ મુખ્ય ભૂમિકાઓમાં છે. દર્શકોને આ નવી સ્ટાર કાસ્ટની કેમિસ્ટ્રી ગમી છે. એ વાત અલગ છે કે ફિલ્મ બોક્સ ઓફિસને ખાસ રિઝવી શકી નથી.
ફિલ્મની વાર્તા 'જશ' નામના યુવક (વરુણ ધવન)ની આસપાસ વણેલી છે, જે પોતાની પત્ની બાની (મૃણાલ ઠાકુર)થી એટલા માટે છૂટાછેડા લેવા માગે છે કારણ કે તે પિતા બનવા ઈચ્છે છે. આ દરમિયાન લંડનમાં તેની મુલાકાત પ્રીત (પૂજા હેગડે) સાથે થાય છે અને બંને વચ્ચે પ્રેમ પાંગરે છે. વાર્તામાં મોટો ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે ડિવોર્સની પ્રક્રિયા ચાલતી હોય છે તે જ સમયે બાની અને પ્રીત બંને જશને પોતાની પ્રેગ્નન્સીના સમાચાર આપે છે. ત્યાર પછી શરૂ થાય છે કન્ફ્યુઝન અને હાસ્યથી ભરપૂર ઘટનાક્રમ. ફિલ્મના ગીત 'ચુનરી ચુનરી'ને પણ શાનદાર પ્રતિસાદ મળ્યો છે, જેના શૂટિંગનો પડદા પાછળનો મસ્તીભર્યો વીડિયો મૃણાલે તાજેતરમાં શેર કર્યો હતો.
કામની આ વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને મૃણાલ શિકાગોના પ્રવાસે પણ ગઈ હતી. ત્યાંની સડકો પર સ્ટાઇલિશ આઉટફિટમાં અને વર્કઆઉટ કરતી તેની તસવીરો ચાહકોને ખૂબ પસંદ આવી હતી. શિકાગોથી વિદાય લેતી વખતે મૃણાલે ભાવુક થઈને લખ્યું કે, 'બેગ પેક કરી રહી છું અને આ શહેરને ગુડબાય કહી રહી છું, પણ અહીંથી જવાનું મન નથી થતું.'
શું મૃણાલનો આ વર્તમાન તબક્કો એના જીવનનો સુવર્ણકાળ છે? હા, કદાચ. મૃણાલની ઓનલાઇન અને ઓફલાઇન પર્સનાલિટી ઓડિયન્સને ગમી ગઈ છે એ તો નક્કી.









