શીતળ ચાંદનીમાં સૂરીલી ધૂનોઃ ચંદ્ર સંગીતનો શાશ્વત પ્રેરક સ્રોત છે...
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જ્યા રે ફ્રેન્ક સિનાત્રાએ ૧૯૬૪માં 'ફ્લાય મી ટૂ ધી મૂન' દ્વારા હોવાર્ડની યાદગાર સંગીત રચનાને અમર કરી ત્યારે તેણે વિશ્વ સમક્ષ પૃથ્વીના અવકાશી પડોશીને સૌથી મહાન સલામી પ્રસ્તુત કરી. માત્ર પાંચ વર્ષ પછી અસંભવ સંભવ બની ગયું જ્યારે નીલ આર્મસ્ટ્રોન્ગ અને બઝ એડ્રીને એપોલો ૧૧ મિશન દરમ્યાન ચંદ્ર પર ડગ માંડયા. આર્મસ્ટ્રોન્ગની અવિસ્મરણીય ઘોષણા, 'મનુષ્યનું એક નાનુ ડગલું, માનવજાત માટે એક વિશાળ છલાંગ'એ ચંદ્રને દૂરના સ્વપ્નમાંથી એક ગંતવ્ય સ્થાન બનાવી દીધો, તેમજ તેના માટે માનવીઓની ઘેલછા પણ છતી કરી.
પણ કહેવત છે ને કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. અવકાશવીરો ચંદ્ર પર પહોંચે તે પહેલા અનેક કવિઓ, સંગીતકારો અને ફિલ્મસર્જકોએ ચંદ્ર પર પોતાની રચના દ્વારા દાવો ઠોક્યો છે. વિવિધ સભ્યતાઓમાં ચંદ્ર પ્રણય, આશા, રહસ્ય, સૌંદર્ય, વિરહ અને બાળસહજ નિર્દોષતાનું પ્રતીક રહ્યો છે. ખાસ કરીને ભારતમાં ચંદ્રએ સંગીતમાં અમૂલ્ય સ્થાન હાંસલ કર્યું છે અને સિનેમા તેમજ લોકગીતોમાં સૌથી ચીરકાલીન રૂપક બન્યો છે.
બોલિવૂડનો ચંદ્ર સાથે અનંત પ્રણય
હિન્દી સિનેમાએ કદાચ અન્ય કોઈપણ ફિલ્મ ઉદ્યોગ કરતા ચંદ્રના સૌથી વધુ ઉત્કટતાથી ગુણગાન ગાયા છે. સ્વર્ણ યુગથી લઈને આધુનિક કાળ સુધી ગીતકારોએ વારંવાર પ્રિયતમાના સૌંદર્યની સરખામણી ચંદ્રના પ્રકાશ સાથે કરી છે અથવા તો લાગણીઓ છંછેડવા ચાંદની રાતનો ઉપયોગ કર્યો છે.
ચંદ્ર સાથેનો પ્રણય 'વોહ ચાંદ ખિલા વોહ તારે હસે' (૧૯૫૯), 'ખોયા ખોયા ચાંદ' (૧૯૬૦), આઈકોનિક 'ચૌદવી કા ચાંદ' (૧૯૬૦), 'યહ ચાંદ સા રોશન ચહેરા' (૧૯૬૪) અને 'ચંદન સા બંદન' (૧૯૬૮) જેવા અવિસ્મરણીય ક્લાસીક સાથે શરૂ થયો. આ ગીતોએ ચંદ્રને લાવણ્ય, સૌંદર્ય અને ઝંખનાનો સર્વોચ્ચ પ્રતીક બનાવી દીધો.
આ જ પરંપરા 'તુ ચંદા મૈં ચાંદની' (૧૯૭૧), 'ચાંદ મેરા દિલ' (૧૯૭૭) અને 'મૈને પૂછા ચાંદ સે' (૧૯૮૦) જેવા રત્નો સાથે સરળતાપૂર્વક ચાલુ રહી. જેમ બોલીવૂડ ૧૯૯૦થી આગળ વધ્યું તેમજ એ.આર.રહેમાન અને ઈસ્માઈલ દરબાર જેવા સંગીતકારોએ 'સપને' (૧૯૯૭)માંથી 'ચંદા રે ચંદા રે કભી તો ઝમીન પે આ' અને 'હમ દિલ દે ચૂકે સનમ' (૧૯૯૯)ના 'ચાંદ છૂપા બાદલ મેં' જેવી ઉત્કૃષ્ટ કૃતિઓના માધ્યમથી આ અવકાશી પ્રણયને જીવીત રાખ્યો, જેમાં વાદળાઓ પાછળ ચંદ્રનું છૂપાઈ જવું મૂક પ્રેમનું આદર્શ પ્રતીક બની ગયું.
૨૦૦૬ના હિટ 'ચાંદ સિફારીશ'થી સાબિત થયું કે સમકાલીન સિનેમામાં પણ ચંદ્ર પ્રણયનો અનિવાર્ય સાથી સાબિત થયો છે.
ચાંદામામાઃ પ્રત્યેક બાળકનો પ્રિય સંબંધી
ચંદ્ર સાથે ભારતનો સંબંધ સિનેમાથી ઘણો આગળ ગયો છે. બાળકોની અનેક પેઢીઓ ચાંદા મામા વિશે અવનવી વાર્તાઓ અને હાલરડાઓ સાંભળીને ઉછરી છે. ચંદ્રને દૂર અને રહસ્યમયી માનતી અનેક સભ્યતાઓથી વિપરીત ભારતીય લોકગીતોએ તેને પરિવારનો સભ્ય બનાવી દીધો, એક એવો પ્રેમાળ સાથી જે પોઢી ગયેલા બાળકોનું ધ્યાન રાખે છે.
આ લાગણીસભર સંબંધને રસપ્રદ વળાંક ત્યારે મળ્યો જ્યારે ભારતીય અવકાશ સંધોધન સંસ્થાએ ૨૦૨૩માં ચંદ્રના દક્ષિણ ધૂ્રવ નજીક ચંદ્રયાન-૩નું ઉતરાણ કર્યું. આ સિદ્ધિની પ્રશંસા કરતા વડા પ્રધાને તેમની વિશિષ્ટ શૈલીમાં ટિપ્પણી કરી 'ચંદા મામા દૂર કે નહીં, અબ ટૂર કે હૈ.' તેમનો સંકેત હતો કે એક સમયે દૂરનો ગણાતો ચંદ્ર હવે એવું સ્થળ બની ગયો છે જ્યાં માનવીઓ ખરેખર પહોંચી શકે છે.
ભારતીય સંગીત
પરિપ્રેક્ષ્યમાં ચાંદની
ચંદ્ર ભારતના પ્રાદેશિક સિનેમા પર પણ એટલો જ ચમક્યો છે. તેલુગુ સંગીતે લાંબો સમય સુધી તેને એક સૌમ્ય, હાલરડા જેવા ગુણ સાથે અપનાવ્યો છે. 'માલેલુ કુરિસિના ચલ્લાની વેલાલો' (૧૯૬૫)થી લઈને 'મેરિસે તારાલાડે રૂપમ'(૧૯૮૬) અને 'ચંદામામા નવ્વે' (૨૦૦૪) સુધી ચાંદની રાતોને સૌમ્યતા અને કોમળતા સાથે સાંકળવામાં આવી છે. તામિલ સિનેમા પાસે કદાચ ચંદ્ર ફરતે સૌથી સમૃદ્ધ સંગીત પરંપરા છે, જેને તેઓ લાગણીથી નિલા તરીકે ઓળખે છે.
'આયીરામ નિલાવે વા' (૧૯૬૯), 'વાન નિલા નિલા', 'નિલાવે વા' અને રહેમાનના હૃદયસ્પર્શી 'નિલા કૈગીરાથુ'એ ચંદ્રનું પ્રેમના મૂક સાક્ષી તેમજ માનવીય લાગણીઓમાં સક્રિય હિસ્સેદાર બંને તરીકે ચિત્રણ કર્યું છે.
કન્નડ સિનેમા પાસે ચાંદામામાના ગીતોનું તેનું પોતાનો આકર્ષક સંગ્રહ છે જેમાં 'મામા મામા ચાંદામામા', અને 'ચાંદામામા બા' જેવા ગીતો સામેલ છે જ્યારે 'ચાંદા મામા ઓડી બા' જેવા બાળકોના ગીતો બાળ શ્રોતાને હજી આકર્ષતા રહે છે.
મલયાલમ સંગીતમાં મોટાભાગે અગ્રણી કે. વાય. યેસુદાસના અવાજમાં 'નિલાવુ' અને 'ચંદ્રિકા'ના ગુણ ગાતા ગીતોએ ચાંદની, સમુદ્ર અને શાંત ઝંખનાને એક સાથે વણી લઈને અભૂતપૂર્વ સૌમ્યતાનું વાતાવરણ રચ્યું છે.
ક્યારેય ઝાંખુ ન પડતું વૈશ્વિક પ્રતીક
સંગીતકારોને સતત પ્રેરિત કરનાર ચંદ્ર જેવી બહુ ઓછી કુદરતી વસ્તુઓ હોય છે. બદલાતા વલણોથી વિપરીત તેનો પ્રભાવ શાશ્વત રહ્યો છે કારણ કે તે વૈશ્વિક ભાષામાં વાત કરે છે. પ્રેમીઓ તેના પ્રકાશમાં પ્રણયને માણે છે, બાળકોને તેમાં પ્રેમાળ સંબંધી દેખાય છે, પ્રવાસીઓને તેના પ્રકાશમાં દિશા મળે છે અને સ્વપ્ન દ્રષ્ટાઓ વિસ્મય સાથે સતત આકાશ તરફ મીટ માંડે છે.
તેની સપાટી પર માનવીએ પગ માંડયા પછી પણ ચંદ્રનું રહસ્ય અકબંધ રહ્યું છે. ઉલટાનું પ્રત્યેક વૈજ્ઞાાનિક સિદ્ધિએ તેના સાંસ્કૃતિક મહત્વને વધુ સમૃદ્ધ કર્યું છે. ફ્રેન્ક સિનાત્રા ત્યાં જવાની ઈચ્છા વ્યક્ત કરે કે પછી બોલીવૂડ ચંદ્રના ચહેરા જેવી પ્રેમિકા માટે ગીત ગાય, અથવા દાદીમા ચાંદા મામા વિશે હાલરડા ગણગણે, ચંદ્રએ જે પ્રમાણે સતત વિજ્ઞાાન, કવિતા અને સંગીતને સાંકળી લીધા છે તેવું બહુ ઓછા પ્રતીક કરી શક્યા છે.
વિશ્વ જ્યારે ચંદ્ર દિવસ મનાવી રહ્યું છે અને અંતરીક્ષમાં માનવીની સૌથી મોટી છલાંગની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આ ધૂનો આપણને યાદ અપાવે છે કે ચંદ્ર અવકાશવીરો માટે એક સ્થાન બને તે પહેલા તે વાર્તાઓ, ગીતો અને સ્વપ્નોનો આશ્રયસ્થાન રહ્યો છે. તે પહેલાની જેમ સંગીતનો સૌથી ચમકદાર સાથી પણ રહ્યો છે.









