Chitralok

કૃતિ સેનનની બિન્ધાસ્ત ઘોષણા: હવે મને સેફ પાત્રો ભજવવામાં રસ નથી

By GS Team
11 Sep 20264 mins read
કૃતિ સેનનની બિન્ધાસ્ત ઘોષણા: હવે મને સેફ પાત્રો ભજવવામાં રસ નથી
  • 'હવે મને માનસિક રીતે જટિલ પાત્રો ભજવવામાં વધારે રસ પડે છે. હોલિવુડની સાયકોલોજિકલ ડ્રામા 'ઓબ્સેશન' જોયા પછી મેં મારી -કારકિર્દીને નવી નજરે જોવાનું શરૂ કર્યું છે. આ ફિલ્મ જોયા પછી મને લાગ્યું કે એક કલાકાર તરીકે જોખમ તો ઉઠાવવું જ પડે…'

હિન્દી ફિલ્મોમાં કામ કરતી નવીસવી હિરોઇનને જ્યારે નેશનલ એવોર્ડ મળે ત્યારે તેનો આત્મવિશ્વાસ સાતમા આસમાને પહોંચી જાય છે. નેશનલ એવોર્ડ મળ્યા પછી અભિનેત્રીઓની જોખમ ખેડવાની ક્ષમતા ગજબનાક રીતે વધી જાય છે અને કૃતિ સેનન તેનો સૌથી તાજો દાખલો છે. કૃતિ હવે પોતાની કારકિર્દીના એવા વળાંક પર પહોંચી ચૂકી છે જ્યાં તે વિવિધ પ્રયોગો અને જોખમો લેવા સજ્જ છે. કૃતિ કહે છે, 'એક કલાકાર તરીકે મને એવાં પાત્રો ભજવવાની મજા આવે છે જે મારા અંગત વ્યક્તિત્વથી તદ્દન અલગ હોય. હવે મને માનસિક રીતે જટિલ પાત્રો ભજવવામાં વધારે રસ પડે છે.'
પોતાના અભિગમમાં આવેલા આ પરિવર્તન પાછળનું રહસ્ય છતું કરતાં કૃતિ કહે છે, 'સાયકોલોજિકલ ડ્રામા ફિલ્મ 'ઓબ્સેશન' જોયા પછી મેં મારી કારકિર્દીને નવી નજરે જોવાનું શરૂ કર્યું છે. આ ફિલ્મ જોયા બાદ મને લાગ્યું કે એક કલાકાર તરીકે જોખમ ઉઠાવવું અનિવાર્ય છે. હંમેશાં સલામત માર્ગ પસંદ કરવો જરૂરી નથી. એવું પણ કશુંક કરવું જોઈએ જે દર્શકોને ચોંકાવી મૂકે. એક કલાકાર તરીકે મને પણ આવી અલગ પ્રકારની ભૂમિકાઓ ભજવવાનો પડકાર ઝીલવો ગમશે.'
કૃતિએ 'કોકટેલ-ટુ'માં આવું જ એક પાત્ર ભજવ્યું છે. આ વિશે વાત કરતાં તે કહે છે, 'એલીનું પાત્ર મારા અંગત સ્વભાવ કરતાં સાવ વિપરીત છે. એલી સાવ નોખી જિંદગી જીવે છે અને તે કોઈને જજ કરતી નથી. જ્યારે મારો સ્વભાવ વધુ પડતા વિચારો કરવાનો છે. હું પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરી તેના વિશે તર્કબદ્ધ વિચારવા ટેવાયેલી છું. બીજી તરફ, એલી સંપૂર્ણપણે મનમોજી છે અને સમાજના કોઈ બંધનોમાં બંધાયેલી નથી. તે સંપૂર્ણપણે વર્તમાન ક્ષણમાં જીવે છે. તે લોકો સાથે હોય ત્યારે વાતાવરણ જીવંત બનાવી દે છે. વર્તમાનની મોજ માણી લેવામાં માનતી એલીની ફિલોસોફી છે, 'જો જબ તક હૈ, વો તબ તક હૈ.' તેની કોઈ શરતો નથી, તે મુક્ત ગગનમાં વિહરતા પંખી જેવી છે. એક એક્ટર તરીકે આવાં પાત્રો ભજવવાની જ સાચી મજા પડે છે. તેના વિચારો મારાથી સાવ જુદા છે. એક કલાકાર તરીકે તમારે તમારા પાત્રથી સભાનપણે અળગા રહેવું પડે છે અને તેને જજ કર્યા વિના સમજવું પડે છે. પાત્ર આવું વર્તન શા માટે કરે છે અને તેના જીવનની ફિલોસોફી શું છે તે જાણવું જરૂરી છે. આવા રોલ્સ તમને જીવનની પરિસ્થિતિઓ સામે તદ્દન નવી રીતે પનારો પાડવાનો વિકલ્પ આપે છે, જે મારા માટે ખૂબ રસપ્રદ અનુભવ રહ્યો છે.'
પોતાની વાત આગળ વધારતાં કૃતિ હોલિવુડ અભિનેત્રી ઝેન્ડયાનું ઉદાહરણ આપીને જણાવે છે, 'તેણે જે રીતે અસાધારણ કામ કર્યું છે તેના પરથી મારો મુશ્કેલ પાત્રો ભજવવાનો આત્મવિશ્વાસ વધ્યો છે. હું હવે એવા રોલ્સ કરવા માંગું છું જે દર્શકોને આશ્ચર્યચકિત કરી દે અને મને એક પરિપક્વ અભિનેત્રી તરીકે નવી ઓળખ અપાવે.'
રસપ્રદ બાબત એ છે કે કૃતિએ પોતાના આ બોલ્ડ વિચારોને જાહેરાતની દુનિયામાં પણ અજમાવી જોયા છે, જોકે તેમાં તેનો દાવ ધાર્યા મુજબ સફળ ન થયો એ અલગ વાત છે. કૃતિએ રક્ષાબંધનના તહેવારને પ્રદશત કરતી એક જાહેરાતમાં લગભગ અંત:વસ્ત્ર જેવા દેખાતું બ્રાલેટ પહેર્યું અને બહુ હોબાળો થયો એટલે પોતાના વલણનો બચાવ પણ કર્યાે હતો. વિવાદ વકરતાં જ્વેલરી બ્રાન્ડે આ કેમ્પેઇન પાછું ખેંચી લઈને ગ્રાહકોની માફી માંગી લીધી હતી. જોકે આ વિવાદને કારણે કૃતિને બહોળી પ્રસિદ્ધિ ચોક્કસ મળી ગઈ હતી.
કૃતિ માત્ર જાહેર જીવનમાં જ આવા અખતરા કરે છે તેવું નથી, પોતાના અંગત જીવનમાં પણ તે સાવ નોખા નિર્ણયો લેતાં શીખી ગઈ છે. પોતાના અંગત જીવન વિશે ખુલાસો કરતાં કૃતિ જણાવે છે, 'ફિલ્મ 'મિમી' વખતે તેને વજન વધારવાની જરૂર હતી. આ જ અરસામાં હું મારા એગ્સ ફ્રીઝ (અંડકોશ થિજાવી દેવાની પ્રક્રિયા) કરાવવા અંગે વિચારી રહી હતી. મારા એક સ્વજને સમજાવ્યું હતું કે આ મેડિકલ ટેકનોલોજી ભવિષ્ય માટે ઉત્તમ સાબિત થઈ શકે છે. આ પ્રક્રિયા દરમિયાન શરીરમાં હોર્મોનલ ફેરફારો થાય છે અને કુદરતી રીતે વજન પણ વધ્યું છે.'
કૃતિએ સમયસૂચકતા વાપરીને 'મિમી' માટે જરૂરી વજન વધારવાના તબક્કા સાથે જ એગ ફ્રીઝિંગ કરાવીને 'એક પંથ દો કાજ' જેવો વ્યવહારુ નિર્ણય લઈ લીધો. મજાની વાત એ છે કે 'મિમી'માં સરોગેટ મધર તરીકે ભજવેલી સંવેદનશીલ ભૂમિકા માટે જ તેને શ્રે અભિનેત્રીનો નેશનલ એવોર્ડ મળ્યો, જેનાથી તેનો આત્મવિશ્વાસ નવી ઊંચાઈએ પહોંચી ગયો. આમ, અંગત જીવન હોય કે પ્રોફેશનલ કરીઅર, કૃતિએ પોતાની આગવી કેડી કંડારવા માંડી છે. કૃતિના હવે પછીના પ્રોજેક્ટ માટે ઉત્કંઠા રહેશે…