જોન અબ્રાહમ: ટ્રેન્ડ્ઝ તો બદલાતાં રહે છે, એની પાછળ દોડવાનું ન હોય

- પોતાની સ્ટીલ જેવી મજબુત અને કસાયેલી બોડી માટે જાણીતા એક્ટરનો આત્મવિશ્વાસ પણ એકદમ લોખંડી છે. એના બળે જ જોન પોતાની પસંદગીનું કામ કરી શક્યો છે. કરીઅરની શરૂઆતમાં જ એણે થોડા નેગેટીવ પાત્રો ભજવીને બધાને ચોંકાવી દીધા હતા. એને કરણ જોહર જેવા મોટાં માથાંઓની પાર્ટીઓમાં મહાલવું પસંદ નથી અને સોશિયલ મિડીયા પર એની હાજરી બહુ જ સીમિત છે.
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રૂઢિને ચાતરીને ચાલનારા જૂજ એક્ટર્સ છે. આવા કલાકારોની યાદીમાં તમે જોન અબ્રાહમનું નામ આંખ મીંચીને મૂકી શકો. મોડેલિંગથી ફિલ્મોમાં આવેલા આ એક્ટરે એક્શનથી માંડીને હળવીફૂલ કોમેડી સુધીના જુદા જુદા બેનરની મૂવીઝ કરી છે. પોતાની ઉબડખાબડ કરીઅરમાં અબ્રાહમ ભાગ્યે જ કોઈ પ્રકારના ટ્રેન્ડ્સને અનુસર્યાે છે.
સફળતાને પૂજતા બોલિવુડમાં એન્ટ્રી લેવા જેટલું જ પડકારજનક એક્ટર માટે રેલેવન્ટ (પ્રસ્તુત) રહેવાનું હોય છે. અને જોને ત્રણ દાયકાની પોતાની કરીઅરમાં એ કરી બતાવ્યું છે. ઇન્ડસ્ટ્રીમાં આઉટસાઇડર હોવા છતાં એક્ટરે આ મુકામ કઈ રીતે સર કર્યાે? એના જવાબમાં મલયાલી પિતા અને પારસી માતાનો આ પુત્ર કહે છે, 'મારી જર્નીમાં મારો ખંત અને મારી અડગતા કાયમ મારી સાથે રહ્યા છે. મારો અનુભવ એવો રહ્યો છે કે તમને કોઈ બાબતમાં પાકો વિશ્વાસ બેસી જાય પછી તમારે એક જુદો માર્ગ અપનાવતાં ડરવું ન જોઈએ. મેં શરૂઆત કરી ત્યારે મારે શું કરવું જોઈએ એ માટેનો મારી પાસે કોઈ ચોક્કસ પ્લાન નહોતો. ત્યારે ઘણા લોકો એવું માનતા હતા કે અમુક પ્રકારની ફિલ્મો કે પાત્રો ન કરી શકાય, પરંતુ સાચું કહું તો મને ત્યારે પણ ટ્રેન્ડ્સ પર ચાલવામાં કોઈ રસ નહોતો. મારે તો મારી યાત્રા જાતે જ નક્કી કરવી હતી.'
તમને બોલિવુડમાં આટલાં વર્ષો ગાળ્યા બાદ કઈ વાતનો સૌથી વધુ સંતોષ છે? એવી પૃચ્છાના ઉત્તરમાં સૌને ગમતું પોતાનું ડિમ્પલ સ્માઈલ આપતાં અબ્રાહમ કહે છે, 'હું અહીં આટલો લાંબો સમય ટકી શક્યો એ જ મારે મન સંતોષ માનવાની સૌથી મોટી બાબત છે. હું એટલો નસીબદાર છું કે મને સતત કામ મળતું રહ્યું છે, ક્યારેય નવરા બેસી રહેવું નથી પડયું. આ ઇન્ડસ્ટ્રીમાં પોતે સતત ચાલતો જ રહેશે એવું કોઈ એક્ટર ક્યારેય ધારી ન શકે.'
પોતાની સ્ટીલ જેવી મજબૂત અને કસાયેલી બોડી માટે જાણીતા આ એક્ટરનો આત્મવિશ્વાસ પણ એકદમ લોખંડી છે. એના બળે જ જોન હંમેશાં પોતાની પસંદગીનું કામ કરી શક્યો છે. કરીઅરની શરૂઆતમાં જ તેણે થોડા નેગેટિવ શેડ્સવાળાં પાત્રો ભજવ્યા હતા. સૌ જાણે છે તેમ તેને કરણ જોહર જેવા મોટા માથાઓની પાર્ટીઓમાં મહાલવું પસંદ નથી અને સોશિયલ મીડિયા પર પણ તેની હાજરી બહુ જ સીમિત છે. પોતાના આવા સામા પ્રવાહે તરવાના વલણ અંગે ખુલાસો કરતાં આ ટિપિકલ મુંબઈગરો કહે છે, 'મારી પસંદગીઓ કદી અનકન્વેન્શનલ દેખાવાના કોઈ ગણતરીપૂર્વકના પ્રયાસનો ભાગ નથી રહી. મેં કદી બીજાઓથી જુદા દેખાવા કે ચલણ વિરુદ્ધ વર્તવા કોઈ સ્ટ્રેટેજી નથી બનાવી. મેં તો બસ મારી લાઈફ અને કરિયરના જે તે તબક્કામાં મને જે પ્રામાણિક અને યોગ્ય લાગ્યું એ જ કામ કર્યું.'
તે આગળ ઉમેરે છે, 'હકીકતમાં, દર થોડા વર્ષે ટ્રેન્ડ્સ બદલાયા કરે છે. આજે જે કરવું યોગ્ય લાગે એ આવતીકાલે એકદમ અયોગ્ય પણ લાગે એવું બને. એટલે જો તમે ટ્રેન્ડ્સનો પીછો કરતા રહો તો થાકીને લોથપોથ થઈ જાવ. બીજી એક વાત એ કે હું નસીબદાર છું કે દર્શકોએ મને હું જેવો છું એવો જ રહેવા દીધો છે. મારી પાસેથી કોઈ ચોક્કસ બીબાઢાળ અપેક્ષા રાખવાને બદલે તેમણે મને મારી મૂળ ઓળખ સાથે જ સ્વીકાર્યાે છે. મારે મન એ સૌથી મોટો અધિકાર અને સન્માન છે.'
૫૧ વર્ષના જોન અબ્રાહમના નવા પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે પોતાની લોકપ્રિય 'ફોર્સ' ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ 'ફોર્સ ૩' કરી રહ્યો છે. આ એક્શન-પેક્ડ ફિલ્મમાં આ વખતે તેની સાથે હર્ષવર્ધન રાણે પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.




