Chitralok

જેકીદાદાને ટાઈગરના પાપા તરીકેની ઓળખ બહુ ગમે છે

By GS Team
10 Sep 20262 mins read
જેકીદાદાને ટાઈગરના પાપા તરીકેની ઓળખ બહુ ગમે છે
  • 'ભીડુ, લાઈફ મેં મુશ્કિલેં કોઈ માયને નહીં રખતી… વો તો આતી-જાતી રહતી હૈં.'

સદગત અભિનેતા રાજકુમાર જેમ સૌને 'જાની' કહીને બોલાવવા માટે જાણીતા હતા, એમ જેકી શ્રોફ પોતાના ટિપિકલ બમ્બૈયા સંબોધન 'ભીડુ' માટે મશહૂર છે. બંને એક્ટર્સ વચ્ચેનું સામ્ય આટલા સુધી જ સીમિત છે. રાજકુમાર પોતાના અહંકાર અને તોછડાપણામાંથી કદી બહાર ન આવ્યા, જ્યારે જેકીદાદાની તેમના નિરભિમાની અને સરળ સ્વભાવ માટે સૌ પ્રશંસા કરે છે.
પોતાની ચાર દાયકાની લાંબી કારકિર્દી પર નજર કરતાં જેકી એક ઈવેન્ટમાં જણાવે છે, 'ભીડુ, લાઈફ મેં મુશ્કિલેં કોઈ માયને નહીં રખતી, વો તો આતી-જાતી રહેતી હૈં. જો તમને કામ મળ્યા કરતું હોય તો ઉપરવાળાનો બે હાથ જોડીને આભાર માનો. મને તો પહેલાં પણ ફિલ્મો મળતી હતી અને આજે પણ મળે છે. આમને આમ ખુશી-ખુશીથી ૪૦ વર્ષ વીતી ગયાં. લોકોને આજે પણ મારા પર ભરોસો છે અને દર્શકોને મારું કામ પસંદ પડે છે, આ બધી ઈશ્વરકૃપા જ છે.'
જેકીને બાળકો ખૂબ વહાલાં છે, અને એ કારણે જ તાજેતરમાં તેણે બાળ કલાકારો સાથે 'ધ ગ્રેટ ગ્રાન્ડ સુપર હીરો' નામની ફિલ્મ કરી હતી. બાળકોના નિર્દોષ પ્રેમ અને તેમના સહજ વલણથી વાકેફ શ્રોફ માતા-પિતાને સંતાનોના આદર્શ ઘડતર માટે ઉપયોગી ટિપ્સ આપતાં કહે છે, 'મારું એવું માનવું છે કે ઘરના વડીલોએ બાળકોની વાતો હંમેશાં શાંતિથી સાંભળવી જોઈએ. બાળકોમાં ઉત્તમ સંસ્કારોનું સિંચન કરવા માટે તેમની દાદા-દાદી સાથે દોસ્તી કરાવો. જો તેઓ હયાત ન હોય, તો તમે સંતાનોને તમારાં માતા-પિતાના જીવનના પ્રેરક પ્રસંગો કહો અને તેમની પાસેથી નાનપણમાં સાંભળેલી બોધકથાઓ બાળકોને સંભળાવો. ખેદ સાથે કહેવું પડે છે કે આજે ઘણાં ઘરોમાં વડીલો કે દાદા-દાદીનો એક સાદો ફોટો પણ જોવા મળતો નથી.'
પોતાના સુપર ફિટ પુત્ર ટાઈગર શ્રોફનો અછડતો ઉલ્લેખ કરતાં આ વર્સેટાઈલ એક્ટર ઉમેરે છે, 'હું કોઈ સોશિયલ ઈવેન્ટમાં જાઉં છું ત્યારે ઘણી માતાઓ પોતાના બાળકને મારો નવો પરિચય આપતાં કહે છે કે, 'બેટા, યે ટાઈગર શ્રોફ કે પાપા હૈં.' મને આ સાંભળવું ખૂબ ગમે છે અને મનમાં એ વિચારીને મલકાઉં છું કે ચાલો, આપણને પણ એક નવી ઓળખ મળી! દરેક મા-બાપ પોતાના સંતાનની પ્રગતિ જોઈને હૈયેથી ખુશ થાય છે. સાચું કહું તો મેં મારી આખી જિંદગીમાં ઉપરવાળા પાસે ક્યારેય કશું માગ્યું નથી… તેમને જે યોગ્ય લાગ્યું એ આપતા ગયા અને હું કૃતજ્ઞાતાપૂર્વક સ્વીકારતો ગયો.'
આરોગ્ય અને સુખાકારીની ટિપ્સ આપતાં જેકીદાદા સમાપનમાં કહે છે, 'હું બધાને એક જ વાત કહું છું કે પરિસ્થિતિ ગમે તેવી હોય, જીવનમાં હંમેશાં હસતાં અને ખુશ રહો.'