Chitralok

દોહિત્રી રાહા મહેશ ભટ્ટને લઈ જાય છે પુત્રી પૂજાના બચપણમાં

By GS Team
10 Sep 20263 mins read
દોહિત્રી રાહા મહેશ ભટ્ટને લઈ જાય છે પુત્રી પૂજાના બચપણમાં
  • 'આલિયાની ફિલ્મ 'હાઈવે' જોઈને હું અવાચક થઈ ગયો હતો. 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં તેનું કામ જોયા પછી પણ મારી પાસે આલિયાની પ્રશંસા કરવા માટે શબ્દો ખૂટી પડયા હતા.'

ટીજની તારીખમાં ફિલ્મ સર્જક મહેશ ભટ્ટ પોતાના સહિત ત્રણ પેઢીને જોવાનો આનંદ લઈ રહ્યા છે. કહેવાનો અર્થ એ છે કે પિતા તરીકે આલિયાની અકલ્પનીય સિધ્ધિ અને દોહિત્રી રાહાની ક્લિકારીઓ તેમના મનને આનંદથી ભરી દે છે. મહત્ત્વની વાત એ છે કે આલિયા- રણબીરની પુત્રી રાહા. તેમને ડગલે ને પગલે તેમની સૌથી મોટી પુત્રી પૂજા ભટ્ટના બચપણની યાદ અપાવે છે. આ સ્મૃતિ ફિલ્મ સર્જકેને અભિભૂત કરી દે છે.
મહેશ ભટ્ટે તાજેતરમાં કહ્યું હતું કે આલિયાએ ફિલ્મોદ્યોગમાં પોતાનું સ્થાન જે રીતે નિશ્ચિત કરી દીધું છે તેને તેમણે ક્યારેય કલ્પના સુધ્ધાં નહોતી કરી. તેની ફિલ્મી યાત્રા તેમને અને તેમની પત્ની સોનીને અચંબો પમાડે છે. આલિયાના માતા-પિતા હોવા છતાં તેઓ ક્યારેય પુત્રીમાં ઠાંસી ઠાંસીને ભરેલા હુન્નરને પિછાણી નહોતા શકયા. તેમણે વધુમાં કહ્યું હતું કે અમારા ઘરમાં ફિલ્મી કલ્ચર ક્યારેય નહોતું. હા, હું ફિલ્મો બનાવતો હતો, એ મારું કામ હતું. પરંતુ ઘરનું વાતાવરણ ક્યારેય ફિલ્મી નહોતું. મેં આલિયાની ફિલ્મ 'હાઈવે' જોઈ ત્યારે હું અવાચક થઈ ગયો હતો. તેવી જ રીતે 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં તેનું કામ જોયા પછી મારી પાસે આલિયાની પ્રશંસા કરવા માટે શબ્દો ખૂટી પડયાં હતાં.
જોકે પિતા તરીકે મહેશ ભટ્ટ ભલે પોતાની પુત્રીની પ્રશંસાના પૂલ બાંધે, પરંતુ એક ફિલ્મ સર્જક તરીકે પુત્રીના કામ બાબતે પ્રતિક્રિયા આપવામાં, તેની ટીકા કરવામાં એકદમ વ્યવહારુ અભિગમ રાખે છે. તેઓ કહે છે કે હું મારા સંતાનોને હમેશાથી એક વાત ચોક્કસપણે કહેતો આવ્યો છું. તમારા પગ જમીન સાથે જડી રાખજો. જે દિવસે તમારા પગ જમીનથી અધ્ધર થશે તે ઘડીએ જ તમારું પતન શરૂ થઈ જશે. તમારે એ નભુલવું જોઈએ કે ફિલ્મી દુનિયા વિશાળ દરિયો છે અને તમે તેમાંના એક ટીપાં સમાન છો.
એક પિતા તરીકે મહેશ ભટ્ટ આલિયાની પ્રગતિથી અભિભૂત છે, પરંતુ તેમને પુત્રીની વાસ્તવિક જીવનની માતા તરીકેની ભૂમિકા સૌથી વધુ પ્રિય છે. તેઓ કહે છે કે આલિયાએ ફિલ્મી ક્ષેત્રે જે વિકાસ કર્યો છે તે મને ગર્વથી અનુભૂતિ કરાવે છે. હું તેની ઊર્જા જોઈને અચંબિત થઈ જાઉં છું. તે પોતાની ફિલ્મોના પાત્રો જેટલી શ્રેષ્ઠતાથી ભજવે છે એટલી જ ઉત્તમ તે માતાના રૂપમાં પણ છે. પોતાની વ્યાવસાયિક ફરજ પરથી ઘરે પરત ફરતાં જ આલિયા પોતાની પુત્રી રાહામાં રમમાણ થઈ જાય છે. મારા મતે તેનો માતા તરીકેનો રોલ સર્વશ્રેષ્ઠ છે.
રાહાનો સંગાથ મહેશ ભટ્ટને પોતાની જયેષ્ઠ પુત્રી પૂજા ભટ્ટના બચપણમાં લઈ જાય છે. તે કહે છે કે પૂજા નાની હતી ત્યારે બિલકુલ રાહા જેવી જ હતી. મને રાહામાં પૂજાનું બચપણ દેખાય છે. રાહા અમારી પાસે આવે ત્યારે ઘરમાં એક પ્રકારની સકારાત્મક ઊર્જા પેદા થાય છે તે આખા ઘરને જાણે કે પોતાના કબજામાં લઈ લે છે. મને રાહામાં રણબીર અને આલિયાનું મિશ્ર પ્રતિબિંબ દેખાય છે. હું ખાતરીપૂર્વક કહી શકું છું કે મોટી થઈને તે તેના માતા- પિતાને આંટી જશે. પૂજા નાની હતી ત્યારે આવી જ હતી.
તેઓ પૂજાના બચપણને સંભારતા કહે છે કે મેં તેની સાથે જેટલો સમત વિતાવ્યો છે એટલો મારા અન્ય સંતાનો સાથે નથી વિતાવ્યો. પૂજા નાની હતી ત્યારે હું બેરોજગાર હતો. તેથી હું તેને શાળામાં મૂકવા જતો. મારી પાસે એટલા પેસા પણ નહોતા કે પૂજાને શાળામાં મૂકીને હું ઘરે પાછો આવું અને ફરીથી તેને લેવા જાઉં. આવી સ્થિતિમાં હું શાળા છૂટવાની રાહ જોઈને ત્યાં જ સમય પસાર કરતો. ત્યાંથી હું સીધો મારી સંગીતની બેઠકમાં જતો ત્યારે પૂજાને પણ સાથે લઈ જતો. તે શાળાના ગણવેશમાં જ ત્યાં બેઠાં બેઠાં સઘળું આત્મસાત કરતી. રાહાની ગ્રહણ ક્ષમતા પણ એવી જ છે. તે બધું બહુ ઝડપથી શીખી જાય છે. તેની દાદી અને નાની રાહાને ઘણું નવું નવું શીખવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે રાહા ઘણી વખત મારા ઉચ્ચારો સુધારે છે. રાહાને હમણાં જ આટલી ટેલેન્ટેડ બનાવવા પાછળ આલિયાનો ફાળો સૌથી મોટો છે. એટલે જ હું મારી પુત્રી માટે કહું છું કે તેનો માતા તરીકેનો રોલ સર્વશ્રેષ્ઠ છે.