ગ્લેમર ગર્લ મુગ્ધા ગોડસે 'કૃષ્ણ વંદના' ગાતી થઈ

- 'જરૂરી નથી કે આધ્યાત્મિકતાના માર્ગે જવા વૈરાગી થવું પડે કે સંસારની મોહ-માયા ત્યજવી જ પડે. માનવી પોતાના રોજિંદા કામકાજ કરવાની સાથેસાથે અધ્યાત્મના માર્ગે પણ આગળ વધી શકે છે.'
- આધ્યાત્મિકતામાં ડૂબેલી આ મોડલ અને એક્ટરે તાજેતરમાં કૃષ્ણવંદનાના ટાઈટલ હેઠળ ગીતો ગાયા છે. એ હવે સિંગર બની ગઈ છે.
ગમે તે કારણ હોય પણ બોલિવુડના એક્ટર્સને અધ્યાત્મ પ્રત્યે એક પ્રકારનું લોહચુંબક જેવું આકર્ષણ રહ્યું છે એ હકીકત છે. સદ્ગત પ્રેમનાથે દાયકાઓ પહેલા સિનેમા અને ઘર-સંસાર છોડીને મોક્ષની શોધમાં હિમાલયની વાટ પકડી હતી. મુમતાઝને પરણતા પરણતા રહી ગયેલા શમ્મી કપૂર પોતાના કરીઅરના અસ્તાચળે વૃન્દાવનની ગલીઓમાં વરસો સુધી ઘૂમતા રહ્યા હતા. જ્યારે વિનોદ ખન્ના તો અમિતાભ બચ્ચન સાથે નંબર વનની રેસમાં હતા ત્યારે પોતાનું ગુરુ રજનીશની નિશ્રામાં રહેવા બોલીવુડ છોડીને યુએસ ચાલ્યા ગયા હતા. હિન્દી સિનેમાના એક્ટર રજનીશ પુરમમાં એક મામૂલી માળીની જેમ બાગકામ કરતા વર્તમાનની વાત કરીએ તો વર્સેટાઈલ એક્ટર આશુતોષ રાણા અધ્યાત્મના રંગ રંગાયેલા છે. આવા વૈરાગી એક્ટર્સની યાદીમાં મુગ્ધા ગોડસેનું નામ ઉમેરાયું છે.
પોતાના સંઘર્ષકાળને યાદ કરતા કહે છે, 'સૌ જાણે છે એમ હું એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવું છું. મેં મોડલિંગની શરૂઆત કરી ત્યારે હું મુંબઈ-પુણે વચ્ચે એસટી બસોમાં અપડાઉન કરતી ત્યારે હું હજી ટીનેજર હતી અને પોતાનો ખર્ચ કાઢવા પાર્ટ-ટાઈમ જોબ્સ કરતી. એમાં પેટ્રોલ પંપ અટેન્ડન્ટથી માંડીને જુદા-જુદા પ્રકારના સેલ્સ અને પ્રમોશનલ જોબ્સ પણ સામેલ રહેતા. પેટ્રોલ પર મને રોજના ૧૦૦ રૂપિયા મળતા. પોકેટ મની કાઢવા રોજના ૧૦૦ રૃા. કમાવાનો મેં ટાર્ગેટ રાખ્યો હતો. મારું અને મારી બહેનનું ફ્રેન્ડસનું એક ગુ્રપ હતું. કોલેજ અટેન્ડ કર્યા બાદ અમે ૫-૬ કલાક કામ કરતા. મને યાદ છે કે એકવાર મેં લાગલગાટ ૩૦ દિવસ કામ કરીને ૩ હજાર રૂપિયા ભેગા કર્યા હતા. ત્યારે મારા માટે એ મોટી રકમ હતી. આ રીતે, હું જાત-મહેનત કરી પોતાના પગ પર ઉભી રહેતા શીખી.'
મિસ ગોડસે અને નીના ગુપ્તા વચ્ચે થોડુ સામ્ય છે. નીનાની જેમ મુગ્ધા પણ ટેલેન્ટેડ એક્ટર હોવા છતા કદી ટોપ પર પહોંચી ન શકી. બીજુ, ગુપ્તાની જેમ ગોડસે પણ સમાજની રૂઢિઓની પરવા કર્યા વિના પોતાની રીતે જીવવામાં માને છે. નીના ક્રિકેટર વિવિયન રિચર્ડસની પુત્રી મસાબાની કુંવારી માતા બની હતી. જ્યારે મુગ્ધા છેલ્લા ૧૩ વરસથી પોતાનાથી ઉંમરમાં ૧૮ વરસ મોટા એક્ટર રાહુલ દેવ સાથે લિવ ઈન રિલેશનશીપમાં છે. રાહુલની પહેલા પત્ની રિનાનું ૨૦૦૯માં કેન્સરની બિમારીથી અવસાન થયું હતું. રિના સાથેના લગ્નથી દેવને એક પુત્ર છે. એનો પુત્ર સિદ્ધાંત દેવ આજે યુવાન થઈ ગયો છે અને એને ડેડીની ગર્લફ્રેન્ડ મુગ્ધા સાથે મૈત્રીભર્યા સંબંધો છે.
રાહુલ દેવના પ્રેમમાં પડવાની સાથોસાથ મુગ્ધાની લાઈફમાં એક બીજો બદલાવ પણ આવ્યો. એ અધ્યાત્મ તરફ વળી, આધ્યાત્મિકતામાં ડુબેલી મોડલ અને એક્ટરે તાજેતરમાં કૃષ્ણવંદનાના ટાઈટલ હેઠળ ગીતો ગાયા છે. એ હવે સિંગર બની ગઈ છે. સામાન્ય માન્યતા એવી છે કે ગ્લેમર અને અધ્યાત્મ સંગાથે ચાલી ન શકે, એ બહુ મુશ્કેલ છે. પણ ૪૦ વરસની ગોડસે એવું નથી માનતી. 'લોકો એવું માને છે કે આધ્યાત્મિકતાના માર્ગે જવા વૈરાગી થવું પડે, સંસારની મોહ-માયા ત્યાગવી પડે. પરંતુ હકીકતમાં એવું નથી. માનવી પોતાના રોજિંદા કામકાજ કરવાની સાથોસાથ અધ્યાત્મના માર્ગે પણ અગ્રસર થઈ શકે છે. મારા ગુરુ તરનેવજીને કારણે મારે માટે અ શક્ય બન્યું. એમણે મને શીખવાડયું કે શ્રીકૃષ્ણની જેમ પુરુષાર્ષ કરવાની સાથોસાથ વિરક્તિનો ભાવ પણ કેળવી શકાય છે. પૈસા કમાવા હું ગ્લેમર, બનું એમાં કશું ખોટું નથી. એ મારો વ્યવસાય છે. પરંતુ એને કારણે સ્પિરીચ્યુઅલ ન બની શકાય એવું નથી. ગુરુનું કામ માત્ર શિક્ષક બનવાનું નથી પરંતુ તમારા જીવનમાં જ્ઞાાનનો એવો પ્રકાશ રેલાવવાનું જે તમને સાચી દિશા દેખાડે. ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અને સાધનાથી મારો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાયો. શ્રીકૃષ્ણ વંદના ગાવા એમણે જ મને પ્રેરી. કૃષ્ણ માત્ર એક દેવતા નહિ પણ પ્રેમ, કરુણા અને ચેતનાના પ્રતીક છે.'




