ગ્લેમર ગર્લ દિશા પટણીઃ હું નહીં બોલું... મારું કામ બોલશે!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- 'વિદેશી ફિલ્મમાં કામ કરવાનો અનુભવ જુદો હોય છે તે સાચું, પણ સચ્ચાઈ એ છે કે તમે કોઈ પણ નવું કામ શરૂ કરો છો, પછી તે હોલિવુડની ફિલ્મ હોય કે બોલિવુડની, તમે બન્ને જગ્યાએ એકસરખા જ નર્વસ હો છો.'
હિન્દી સિનેમામાં એક્ટરને સફળ થવા માટે ટેલેન્ટ હોવી અનિવાર્ય નથી અને એ કોઈ પૂર્વશરત પણ નથી. દિશા પટણીનો જ દાખલો લો. પોતાની સુડોળ કાયા અને ફિટનેસના બળે બોલિવુડમાં પ્રવેશ મેળવનાર બરેલીની આ ગ્લેમરસ એક્ટ્રેસ લાંબા સમય સુધી ટાઈગર શ્રોફની ગર્લફ્રેન્ડ તરીકે જ ઓળખાતી રહી, કેમ કે પડદા પર પોતાની ટેલેન્ટ બતાવવા માટે દિશા પાસે ખાસ કંઈ નહોતું. છતાં ઇન્ડસ્ટ્રીમાં તેનું ગાડું બરાબર ચાલે છે. છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન દિશા રાજીરાજી થઈ જાય તેવી બે ઘટનાઓ બની. એક તો, અક્ષયકુમારની આગેવાની હેઠળની તેની મલ્ટીસ્ટારર ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ' હિટ રહી અને બીજું, તેને એક અંગ્રેજી ફિલ્મ મળી ગઈ. આ ગ્લેમર ગર્લ 'હોલિગાર્ડ્સ સાગાઃ ધ પોર્ટલ ઓફ ફોર્સ' નામની વિદેશી ફિલ્મ કરી રહી છે.
પોતાને મન ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ મળવો એ માત્ર લાઈમલાઈટમાં આવવાનો અવસર નથી એવો ખુલાસો કરતા એક્ટ્રેસ ઉમેરે છે, 'મને ઉત્સાહ એ વાતનો છે કે આ ફિલ્મને કારણે હું મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી શકી. બધું બહુ સહજતાથી બન્યું. મને ફિલ્મ માટે ઓડિશન આપવાની તક મળી. મેં સિલેક્ટ થઈશ કે નહીં એનો વિચાર કર્યા વિના ઓડિશનમાં શ્રેષ્ઠ પરફોર્મન્સ આપવા પ્રયાસ કર્યો. રોલ ફાઈનલ થાય તે પહેલાં મારે વિવિધ રાઉન્ડ્સમાંથી પસાર થવું પડયું હતું. મને સૌથી વધુ આનંદ એ વિચારીને થતો હતો કે મને દુનિયાના જુદા જુદા ભાગોમાંથી આવેલા લોકો સાથે કામ કરવાની તક મળી રહી છે. ફિલ્મમેકિંગના સાવ અલગ માહોલમાં શૂટ કરવાનો અવસર મળશે. આ અસાઈનમેન્ટે મને મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાની પ્રેરણા આપી, જેની હું એક એક્ટર તરીકે ઘણા સમયથી રાહ જોઈ રહી હતી.'
'હોલિગાર્ડ્સ સાગા' એ દિશા પટણીને એક ગ્લોબલ પ્રોડક્શનમાં કામ કરવાનો અનુભવ કરાવ્યો તે સાચું, પરંતુ વિદેશી ફિલ્મોમાં પણ અભિનયના મૂળભૂત પાઠ બદલાતા નથી તેવું અભિનેત્રી પોતાના અનુભવ પરથી જણાવે છે. દિશા કહે છે, 'ત્યાં કામ કરવાનું સ્ટાન્ડર્ડ ચોક્કસપણે જુદું હતું, પરંતુ એક વાર સેટ પર પહોંચ્યા પછી તો ડિરેક્ટર પર વિશ્વાસ રાખીને, પોતાના ડાયલોગ્સ યાદ કરીને કેમેરા સામે ઉત્તમ પરફોર્મ જ કરવાનું હોય છે. લોકો એવું માને છે કે વિદેશી ફિલ્મમાં કામ કરવાનો અનુભવ સાવ અલગ હોય છે, પણ સાચું કહું તો તમે જ્યારે કોઈ પણ નવું કામ શરૂ કરો છો, પછી તે હોલિવુડની ફિલ્મ હોય કે બોલિવુડની, ત્યારે એકસરખા જ નર્વસ હો છો. મારે તો આ નવા અનુભવને પૂરેપૂરો માણીને વધુમાં વધુ શીખવું હતું.'
ત્યાર બાદ દિશાની તાજેતરમાં રિલીઝ થયેલી કોમેડી ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'ની વાત નીકળતા તેણે કોમેડી વિશેનું પોતાનું નિરીક્ષણ રજૂ કરતાં કહ્યું, 'કોમેડી જેટલી સરળ દેખાય છે એના કરતાં ઘણી વધુ અઘરી છે. કોમેડીનો સમગ્ર આધાર ટાઈમિંગ અને સ્ફુરણા પર રહેલો છે. તમે એક સેકન્ડ વહેલા કે મોડા પડો એટલે આખી વાત બગડી જાય છે. સદ્ભાગ્યે આ ફિલ્મમાં હું અફલાતુન કોમિક ટાઈમિંગ ધરાવતા દિગ્ગજ એક્ટર્સથી ઘેરાયેલી હતી, તેથી શૂટિંગનો દરેક દિવસ મારા માટે ઘણું બધું શીખવાનો એક નવો અવસર બની રહ્યો.'
દિશાને એક ધારદાર પ્રશ્ન પૂછાયો કે, 'મેડમ, બોલિવુડમાં ૧૧ વર્ષની લાંબી કરિયર પછી પણ તમે માત્ર એક ગ્લેમર આઈકન બનીને જ રહી ગયા છો, એનું શું કારણ હોઈ શકે?' થોડી ડઘાઈ ગયેલી આ અભિનેત્રીએ પોતાના બચાવમાં જણાવ્યું, 'મેં ગ્લેમરને મારા અભિનયથી ક્યારેય અલગ કરીને જોયું નથી, એ મારા કામનો જ એક ભાગ છે. અલબત્ત, એક એક્ટર તરીકે તમે એવી આશા ચોક્કસ રાખો કે લોકો તમારા પરફોર્મન્સની પણ એટલી જ ગંભીરતાથી નોંધ લે. એટલા માટે જ હવે હું એવા રોલ્સ પસંદ કરવા પ્રયાસ કરી રહી છું જેમાં અભિનયના વિવિધ પાસાં જોવા મળે. મારું કામ સતત મહેનત કરવાનું છે, બાકી તો સમય આવ્યે મારું કામ જ બોલશે.' વેલ સેઇડ.









