Chitralok

ઇશા દેઓલ હવે હોરર-કોમેડી કરશે: કારકિર્દીમાં નવો પ્રયોગ

By GS Team
9 Jul 20263 mins read
ઇશા દેઓલ હવે હોરર-કોમેડી કરશે: કારકિર્દીમાં નવો પ્રયોગ

'ઘુંઘટ'ની કથા ધાર્મિક અને સામાજિક માન્યતાઓ અને પરંપરાઓ પર આધારિત છે
હિન્દી ફિલ્મ જગતમાં છેલ્લા થોડા સમયથી હોરર કોમેડી ફિલ્મનો નવો પ્રયોગ શરૂ થયો છે. આમ તો ઘણા દાયકાથી કોમેડી એટલે કે હાસ્યપ્રધાન ફિલ્મો બને છે. દર્શકો બે ઘડી હળવાફૂલ થઇ જાય.
હવે જોકે કોમેડી સાથે ભયનું હળવું મિશ્રણ કરીને દર્શકોને કંઇક નવા પ્રકારનું મનોરંજન આપવાનો પ્રયોગ શરૂ થયો છે. ભૂલ ભૂલૈયા, સ્ત્રી, ભૂત બંગલા, મુંજ્યા, ભૂત પોલીસ વગેરે ફિલ્મોમાં દર્શકોને હાસ્ય અને બીકનો પણ અનુભવ થાય છે.
આ જ યાદીમાં હવે ઘુંઘટ ફિલ્મનો પણ સમાવેશ થયો છે. રાજીવ એસ. રૂઇયાના દિગ્દર્શનમાં બની રહેલી ઘુંઘટ ફિલ્મમાં ઇશા દેઓલ પહેલી જ વખત હોરર કોમેડી જેવા નવતર વિષય સાથે કામ કરી રહી છે. ઘુંઘટ ફિલ્મમાં ઇશા દેઓલ ભૂરી નામનું પાત્ર ભજવી રહી છે. ઘુંઘટ ફિલ્મની કથા આપણા સમાજમાંની ચિત્રવિચિત્ર પ્રકારની ધાર્મિક અને સામાજિક માન્યતાઓ, પરંપરા, રૂઢી વગેરે પર છે.
હિન્દી ફિલ્મ જગતના મેન ઓફ રોમાન્સ અને અસલી હી - મેન ગણાતા સ્વ.ધર્મેન્દ્ર અને ડ્રીમ ગર્લ ગણાતાં હેમામાલિનીની દીકરી એશા દેઓલ કહે છે, હું આમ તો ઘણા સમયથી બોલીવુડમાં કામ કરી રહી છું. આમ છતાં મારા માટે હોરર કોમેડીનો પ્રયોગ પહેલો છે. મને ફિલ્મની કથા -પટકથા અને મારી ભૂમિકા વિશે વિગતવાર માહિતી મળી ત્યારે આનંદ સાથે સંતોષ પણ થયો. મે ઘુંઘટ ફિલ્મમાં કામ કરવાની હા કહી. સાથોસાથ મેં આ નવતર વિષયની ફિલ્મ અને મારા પાત્ર માટે જરૂરી તૈયારી પણ શરૂ કરી દીધી. ખરું કહું તો આ ફિલ્મ દ્વારા આપણા સમાજને બહુ ઉપયોગી સંદેશો મળશે. આજના સાયન્સ અને ટેકનોલોજીના આધુનિક યુગમાં જાતજાતની ધાર્મિક અને સામાજિક માન્યતાઓનું કોઇ જ સ્થાન ન હોવું જોઇએ. આજની નવી પેઢીમાં ભારોભાર વૈજ્ઞાાનિક અભિગમ કેળવાય તે બહુ જ જરૂરી છે.
હિન્દી ફિલ્મ કોઇ મેરે દિલ સે પૂછે(૨૦૦૨) થી પોતાની અભિનય યાત્રા શરૂ કરનારી ઇશા દેઓલ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, મને વિશ્વાસ છે કે ઘુંઘટ ફિલ્મ મારી કારકિર્દીમાં મહત્વની બની રહેશે. ખાસ કરીને તો હું પહેલી જ વખત હોરર કોમેડી પ્રકારની ફિલ્મમાં કામ કરી રહી છું તે બાબત મારા માટે પડકારરૂપ બની રહી છે. એટલે જ તો મારી અભિનય પ્રતિભાની પણ જબરી કસોટી થવાની છે. મને દર્શકો નવા પાત્રમાં કેવો પ્રતિસાદ આપશે તે બહુ જ મહત્વનું બની રહેશે. હું ભારે ઉત્સાહ અને આનંદનો અનુભવ કરી રહી છું. સાથોસાથ મારી જાતને નસીબદાર પણ સમજું છું.
મેં ધૂમ, દસ, કાલ, નો એન્ટ્રી, કુછ તો હૈ, ઓલઓસી : કાગીલ, વગેરે ફિલ્મોમાં વિવિધ પાત્રો ભજવ્યાં છે. જોકે મેં ક્યારેય પણ કોઇ નિર્માતા કે દિગ્દર્શકની ઓફિસમાં જઇનેતેમની પ્રશંસા કરીને કે તેમની સાથે સન્માનનીય સંબંધ રાખીને ફિલ્મો નથી મેળવી.
વળી, મેં અભિનય ઉપરાંત ઇન્ટિરિયર ડિઝાઇન વિષયની પણ શિસ્તબદ્ધ તાલીમ લીધી છે. મને બાળપણથી જ ઘર સજાવવું, ઘરમાંની જગ્યાનો વિશિષ્ટ ઉપયોગ કરવો વગેરે બાબતોનો જબરો શોખ પણ છે.ઘરની સજાવટ એવી હોવી જોઇએ કે પરિવારનાં સભ્યોને અને અજાણી વ્યક્તિને ઘરમાં પ્રવેશ કરતાની સાથે જ શાંતિ, ઉર્જા, આનંદનો અનુભવ થાય. ર્ હું હાલના તબક્કે તો ઘુંઘટની ભૂરીને સજાવી રહી છું.