Chitralok

દિયા મિર્ઝા : માનવીય સંવેદના મને લોહચુંબકની જેમ ખેંચે છે

By GS Team
10 Sep 20262 mins read
દિયા મિર્ઝા : માનવીય સંવેદના મને લોહચુંબકની જેમ ખેંચે છે
  • 'હું પાછળ ફરીને જોઉં છું ત્યારે એમ નથી વિચારતી કે મેં કેટલી ફિલ્મો કરી અને કેવું કામ કર્યું. મને હમેશાં લાગ્યું છે કે એક માનવી તરીકે જે કહાણી મારા હૃદયને સ્પર્શી શકે તે જ ફિલ્મ દર્શકોના મનના તાર ઝણઝણાવી શકે.'

અભિનેત્રી દિયા મિર્ઝાની ફિલ્મી કારકિર્દીનો પચીસ વર્ષ જેટલો લાંબો સમયગાળો વિતી ગયો છે. આ વર્ષમાં પણ અભિનેત્રીએ વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવીને પોતાના હુન્નરનો પરચો આપ્યો છે. 'આલ્ફા'ના તેના કેમિયોએ દર્શકોને સાનંદાશ્ચર્યમાં નાખી દીધાં હતાં. તેણે 'ઈક્કા'માં સંતુલિત અદાકારીનો પરિચય આપ્યો. 'ઓપરેશન સફેદ સાગર'માં દિયાએ પછીથી એર ચીફ માર્શલ બનેલા વિંગ કમાન્ડર બી.એસ. ધનોઆની પત્નીનું કિરદાર બખૂબી અદા કર્યું છે. વર્ષ ૨૦૧૯માં આવેલી 'કાફિર' અને ૨૦૨૪ની સાલની 'આઈસી ૮૧૪' જેવી ફિલ્મોના દિયાનાં પાત્રો અભિનેત્રીની સિધ્ધિના ઉદાહરણ બની રહ્યાં છે.
તેણે પોતાના અને અનન્યા રાણેના સહિયારા નિર્માણગૃહ હેઠળ બનાવેલી સૌપ્રથમ ફિલ્મ 'પાન્હા'ને વિવિધ ફિલ્મોત્સવોમાં પારિતોષિકોથી વધાવી લેવામાં આવી. આ ફિલ્મને 'ઓલ લિવિંગ થિંગ્સ એન્વાયરમેન્ટલ ફિલ્મ ફેસ્ટિવલ'માં બેસ્ટ ઇન્ડિયન શોર્ટ ફિલ્મ, હૈદરાબાદ ખાતે યોજાએલા વર્લ્ડ ઇન્ડિયન ફિલ્મોત્સવમાં 'બેસ્ટ ફિલ્મ' અને ધર્મશાલામાં આયોજિત ધર્મશાલા ફિલ્મ ફેસ્ટિવલમાં પણ શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પારિતોષિક મળ્યું. પોતાના પાત્રોની પસંદગી બાબતે અભિનેત્રી કહે છે કે હું પાછળ ફરીને જોઉં છું ત્યારે એમ નથી વિચારતી કે મેં કેટલી ફિલ્મો કરી અને કેવું કામ કર્યું. બલ્કે મને તેમાંથી શું શીખવા મળ્યું એ જ જોઉં છું. આજે પણ મને માનવીની સંવેદનાઓને સ્પર્શતી પટકથાઓ લોહચુંબકની જેમ ખેંચે છે. મને હમેશાં એમ લાગે છે કે એક માનવી તરીકે જે કહાણી મારા હૃદયને સ્પર્શી શકે તે જ ફિલ્મ દર્શકોના મનના તાર ઝણઝણાવી શકે.
ઝાકઝમાળની દુનિયામાં પ્રવેશ્યાને પચીસ વર્ષના વહાણા વાઈ ગયા તોય દિયા તેનાથી અંજાયા વિના પર્યાવરણ જેવા મહત્વના ક્ષેત્રે પણ કામ કરતી રહી છે. તેણે પોતાનું નિર્માણગૃહ શરૂ કરીને પોતાની સર્જનયાત્રા વિકસાવી છે. અભિનેત્રીની કારકિર્દી કોઈ એક ક્ષેત્રે સીમિત નથી એ જ દિયાની બહુમુખી પ્રતિભા દર્શાવે છે.