Chitralok

આજા રે પરદેસી... મૈં તો કબ સે ખડી ઇસ પાર

By GS Team
13 Aug 20265 mins read
આજા રે પરદેસી... મૈં તો કબ સે ખડી ઇસ પાર
  • સિને મેજિક- અજિત પોપટ
  • 'મધુમતી' ફિલ્મ માટે શૈલેન્દ્રે તર્જો પહેલાં સાંભળીને પછી ગીતો રચ્યાં હતાં. ઘણા સમીક્ષકોએ એવી ટીકા કરેલી કે આ તો પહેલાં કૉફીન અને પછી એના માપ પ્રમાણે મૃતદેહ શોધવા જેવું થયું. જોકે ફિલ્મની સફળતાએ આવી બધી ટીકાઓનો છેદ ઊડાડી દીધેલો.

પહેલવહેલી પેરેલલ કહી શકાય એવી ફિલ્મ બિમલ રૉયે 'દો બીઘા જમીન' બનાવી એ વાત આપણે કરી. એ જ રીતે પૂર્વજન્મ અને પુનર્જન્મને લગતી પહેલી પેરાનોર્મલ રોમાન્ટિક ફિલ્મ પણ બિમલ રૉયે બનાવી. યોગાનુયોગે ગામડાગામની એક પુરાણી હવેલીમાં જનારા એક શહેરી એન્જિનીયરને હવેલી અને એમાંનું રાચરચીલું અત્યંત પરિચિત લાગવા માંડે છે. એમાંય એકાદ બે પોર્ટ્રેટ એને પૂર્વજન્મની યાદ તાજી કરાવે છે. વાર્તા ફ્લેશબેકમાં સરકી જાય છે. એન્જિનીયર પણ જાણે એ સમયમાં સરકી જાય છે. આ યુવાનની ગ્રામીણ પ્રેમિકાની કેવા સંજોગોમાં હત્યા થાય છે અને શી રીતે એ હત્યારાને આ આજનો એન્જિનીયર કાનૂનને હવાલે કરે છે એની વાર્તા બંગાળી લેખક ઋત્વિક ઘટકે લખેલી. બિમલ રૉયને ગમી ગઇ અને એમણે એક અનોખી યાદગાર ફિલ્મ બનાવી- 'મધુમતી'.
લગભગ પોણો ડઝન ફિલ્મ ફેર એવોર્ડ જીતનારી આ ફિલ્મનું દરેક પાસું એક્સ્ટ્રા ઓડનરી હતું. એમાંય એના સંગીતે તો રીતસર ધૂમ મચાવેલી. શૈલેન્દ્રનાં ગીતો હતાં. સલિલ ચૌધરીનું સંગીત હતું. આ ફિલ્મ બની ત્યાં સુધીમાં મૂકેશનો કંઠ રાજ કપૂર માટે કાયમી બની ગયો હતો. છતાં સલિલ ચૌધરીએ દિલીપકુમાર પર ફિલ્માવાયેલાં ત્રણેક ગીતો માટે મૂકેશનો કંઠ પસંદ કરેલો. બંને ગીતો સુપરડુપર હિટ નીવડયાં હતાં. આ ફિલ્મના સંગીતની વિશેષતા એ હતી કે સલિલ ચૌધરીએે અહીં પ્યોર ક્લાસિકલ રાગ ઉપરાંત ઇશાન ભારતના લોકસંગીતનો ઉપયોગ કરવા ઉપરાંત વિદેશી લોકસંગીતનો પણ ખૂબીપૂર્વક ઉપયોગ કર્યો હતો. સૌથી અલગ વાત એ હતી કે 'મધુમતી'ં ફિલ્મનાં ગીતો શૈલેન્દ્રે તર્જો પહેલાં સાંભળીને પછી રચ્યાં હતાં. પાછળથી ઘણા સમીક્ષકોએ એવી ટીકા કરેલી કે આ તો પહેલાં કૉફીન અને પછી એના માપ પ્રમાણે મૃતદેહ શોધવા જેવું થયું. જોકે ફિલ્મની સફળતાએ આવી બધી ટીકાઓનો છેદ ઊડાડી દીધેલો. દરેક ગીત યાદગાર બનેલું. આજે ફિલ્મ 'મધુમતી'નાં ચાર-પાંચ સદાબહાર ગીતોનો આસ્વાદ માણીએ. દિલીપકુમારે એક અંગ્રેજી સામયિકને આપેલી મુલાકાતના અંશથી વાતનો આરંભ કરીએ.
'શબ્દો અને એના પર રચાયેલી બંદિશ બંને સંપૂર્ણપણે એકરૂપ થઇ જાય ત્યારે તમને એ શબ્દોના ભાવ તાદ્રશ થતાં લાગે. મને 'સુહાના સફર ઔર યે મૌસમ હંસી…' ગીતમાં એવો અનુભવ થયેલો. એક તરફ એ ગીતના ભાવ, એની સૂરાવલિ અને લોકેશન પરની ગીચ વનરાજી…ઓહોહો જાણે એક હરિયાળી તાજગી શૂટિંગ દરમિયાન મેં અનુભવેલી…' દિલીપ કુમારે કહેલું. મૂકેશના કંઠમાં પણ એ તાજગી જાણે અવતરી હતી. એમાંય ગીતના એક આલાપમાં સલિલે ભલભલા ગવૈયા દંગ થઇ જાય એવો પ્રયોગ કરેલો. મધ્ય સપ્તકના સાથી આલાપ શરૂ થાય- 'હો હો હો…' બીજે તબક્કે સ્વરો મંદ્ર સપ્તકમાં પ્રવેશે - 'હો હો હો…' પછી સીધો તાર સપ્તકના સા સુધી પહોંચી જાય. અંતરાના ઇન્ટરલ્યૂડમાં કરાયેલો આ પ્રયોગ આજ સુધી એકમેવ અને અજોડ રહ્યો છે. છ માત્રાના દાદરા તાલમાં ગીત અનેરા રંગે રંગાઇ ગયેલું. આ ગીતનું શૂટિંગ થયું ત્યારે નૈનિતાલ પાસે આવેલું રાનીખેત ધૂમ્મસથી ભરેલું હતું એટલે ફિલ્મની નેગેટિવ કામ લાગે એવી નહોતી. એટલે ૧૯૫૦ના દાયકાના ગોરેગાંવના આરે કોલોનીના ગીચ જંગલમાં ગીતનું શુટિંગ કરેલું. તમે આજે પણ યુટયુબ પર ફિલ્મ જુઓ તો મુગ્ધ થઇ જાઓ.
ઇશાન ભારતના લોકગીતની વાત કરીએ તો અહીં સલિલ ચૌધરીએ આસામના ચાના બગીચા, મેઘાલય અને મણીપુરના લોકસંગીતનું અજોડ સંયોજન-સંકલન કરેલું. ત્રણ રાજ્યોના લોકસંગીતને આધારે અને ખાસ તો લોકસંગીતના વાજિંત્રોના ખૂબીપૂર્વકના ઉપયોગ વડે એક ગીત શૈલેન્દ્ર પાસે લખાવેલું. લતા મંગેશકર અને મન્ના ડે ઇન્ટરલ્યૂડમાં કોરસનો કલાત્મક ઉપયોગ કરેલો. એ ગીતને લતાજીએ પોતાનાં યાદગાર ગીતોમાં સ્થાન આપેલું. એ ગીત એટલે 'ઓ દૈયા રે દૈયા…' ઢોલ-નગારા-ત્રાંસાના લયમાં ગીત આગળ વધે. એ ગીતની કોરિયોગ્રાફી પણ ઇશાનના લોકનૃત્યને અનુરૂપ રાખેલી. તમે જાણે હિપ્નોટાઇઝ થઇ જાઓ. એક પ્રકારનું જાણે મેડિટેશન ન થયું હોય એવો આ ગીતનો ઇમ્પેક્ટ હતો. પાર્શ્વસંગીતમાં કોરસનો ઉપયોગ પણ અનેરો હતો.
લોકસંગીતની વાત નીકળી છે તો ઔર એક ગીતની વાત કરીએ. આજનું પોલેન્ડ અઢારમી સદીમાં ચેક રિપબ્લિક તરીકે ઓળખાતું. આ ચેક રિપબ્લિક અને જર્મનીને અલગ પાડતા વિસ્તારમાં એક સમયે સિલેસિયા નામનો પ્રદેશ હતો. ત્યાં રોજબરોજના જીવનમાં દરેક પ્રસંગ માટેનાં લોકગીતો હતાં. ગુજરાતી ભાષામાં પણ એવાં લોકગીતો છે. આ સિલેસિયન લોકસંગીતના આશરે દોઢસો બસો વરસ પહેલાંના એક લોકગીતનો ઢાળ સલિલ ચૌધરીને ખૂબ ગમતો. બાળપણમાં આસામમાં એ રેકર્ડ અનેકવાર સાંભળી હશે. એ વિદેશી ઢાળનો સહેજ અલગ રીતે ઉપયોગ કરીને સલિલદાએ આપણને એક યાદગાર ગીત આપ્યું. મૂકેશ અને લતાના કંઠે ગવાયેલા આ ગીતમાં પણ તમને એક અલગ પ્રકારની સ્ફૂતનો અહેસાસ થશે. એ ગીત એટલે 'દિલ તડપ તડપ કે કહ રહા હૈ આ ભી જા, તુ હમ સે આંખ ના ચુરા, તુઝે કસમ હૈ આ ભી જા…' આ ગીત પણ ભારતીય ઢબે છ માત્રાના તાલમાં અને વિદેશી સંગીતના નિયમ મુજબ વૉલ્ટ્ઝમાં વહ્યે જાય છે. આમ આ પોલીશ લોકઢાળ પર રચાયેલું ગીત છે.
લતાના કંઠે ગવાયેલું એક દર્દીલું વિરહગીત એટલે 'આજા રે, પરદેસી, મૈં તો કબ સે ખડી હુ્ં ઇસ પાર, યે અંખિયાં થક ગયી પંથ નિહાર…' આ ગીત રાગ ગાવતી (કે ગાવઠી) તથા રાગ પહાડીનું સંયોજન છે. કહરવા તાલમાં આ ગીતે લતાને પ્લેબેક સિંગરનો પહેલવહેલો ફિલ્મફેર એવોર્ડ અપાવ્યો. અગાઉ પ્લેબેક સિંગર માટે અલગ ફિલ્મફેર એવોર્ડ નહોતો.
લતાજીએ ગાયેલું ઔર એક રમતિયાળ ગીત એટલે 'ઘડી ઘડી મોરા દિલ ધડકે હાય ધડકે ક્યૂં ધડકે આયી મિલન કી રૈના મે, સર સે ચુનરિયા ક્યૂં સરકે, ઘડી ઘડી…' અહીં મિલનની પહેલી રાત્રે નાયિકાની મનોદશાને આબાદ ઝીલી છે. આ ગીતનો કહરવા તાલ અને આજા રે પરદેશીનો કહરવા તાલ કેવી રીતે જુદો પડે છે એ તમે ગીતો એક કરતાં વધુ વખત સાંભળો ત્યારે સમજાય.
આટલાં ગીતોનો આસ્વાદ માણ્યા પછી ઇંતેજારી જાગે તો યુટયુબ પર ફિલ્મ જરૂર માણવી જોઇએ. આ પેરાનોર્મલ રોમાન્સની કથા પછી બીજી એવી ફિલ્મો પણ બની જેમ કે 'મિલન', 'મહેબૂબા', 'કર્ઝ', 'કુદરત' વગેરે. મધુમતી ૧૯૫૮ના વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની રહી તેમ આ ફિલ્મનું સંગીત પણ સૌથી વધુ વેચાયું અને સલિલ ચૌધરીને બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટરનો ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો.