અદિતી રાવ હૈદરી: સ્ત્રી વગર સિનેમા અને લાઇફ બન્ને અધૂરાં છે

- 'બોલિવુડ સહિત અન્ય પ્રાદેશિક ફિલ્મોમાં હજુ પણ નારીકેન્દ્રી ફિલ્મો બનાવવામાં નિર્માતાઓ ખચકાટ અનુભવે છે. તેઓ આજે પણ લોકપ્રિય હીરો સાથેની ફિલ્મો બનાવવામાં જ સલામતી જુએ છે. તેમને શંકા હોય છે કે દર્શકો મહિલાપ્રધાન ફિલ્મોને સ્વીકારશે કે કેમ.'
ભાભારતીય ફિલ્મોમાં મહિલાઓની સશક્ત ભૂમિકા પ્રમાણમાં ઓછી જોવા મળે છે. જોકે કેટલીક ફિલ્મો એવી બની છે જેમાં નાયિકાનું પાત્ર અને કથા કેન્દ્રસ્થાને હોય, જેમ કે 'બંદિની', 'મધર ઇન્ડિયા', 'પાકીઝા', 'આંધી', 'ઔરત', 'ભૂમિકા', 'ક્વીન' અને 'કહાની'.
'આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે પરિવર્તન આવી રહ્યું છે તે આપોઆપ નથી થઈ રહ્યું. કોઈ પણ મહિલા કલાકારે માત્ર પૈસા માટે નહીં, પણ પોતાની લાંબા ગાળાની કારકિર્દીને ધ્યાનમાં રાખીને ફિલ્મોની પસંદગી
કરવી જોઈએ.'
અભિનેત્રી અદિતિ રાવ હૈદરીને જોકે આનંદ છે કે હાલના તબક્કે ભારતીય સિનેમામાં હિરોઈનો માટે સશક્ત અને મહત્વના પાત્રો લખવાની પરંપરા શરૂ થઈ છે. અદિતિ કહે છે, 'હું સ્પષ્ટપણે માનુ છું કે નારી વગર જીવન શક્ય નથી અને મહિલા વિના કોઈ ફિલ્મની વાર્તા પણ પૂરી થઈ શકતી નથી. આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે પરિવર્તન આવી રહ્યું છે તે આપોઆપ નથી થઈ રહ્યું. કોઈ પણ મહિલા કલાકારે માત્ર મોટા પૈસા માટે નહીં, પણ પોતાની લાંબા ગાળાની કારકિર્દીને ધ્યાનમાં રાખીને ફિલ્મોની પસંદગી કરવી જોઈએ.'
પોતાની વિચારધારા વિશે વાત કરતા તે કહે છે, 'મારા માટે સિનેમા અને કલા સદાય સર્વોપરી રહેશે. કોઈ પણ કલાકાર પોતાની આંતરિક પ્રતિભા અને માનવીય સંવેદનાના સન્માન સાથે ઉત્તમ સામાજિક સંદેશ આપતી વાર્તા પસંદ કરે અને રાહ જુએ, તો તેને ચોક્કસ સારું કામ મળે જ છે. બસ, પોતાના સિદ્ધાંતો પ્રત્યે પ્રામાણિક રહેવું જરૂરી છે.'
અદિતિ આગળ ઉમેરે છે, 'બોલિવુડ સહિત અન્ય પ્રાદેશિક ફિલ્મોમાં હજુ પણ નારીકેન્દ્રી ફિલ્મો બનાવવામાં ખચકાટ અનુભવાય છે. ફિલ્મસર્જકો આજના આધુનિક યુગમાં પણ લોકપ્રિય હીરો સાથેની ફિલ્મો બનાવવામાં જ પોતાની સલામતી માને છે, કારણ કે તેમને દ્વિધા હોય છે કે દર્શકો મહિલાપ્રધાન ફિલ્મોને સ્વીકારશે કે કેમ. મારા મતે આજે ભારતની દીકરીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે કોર્પોરેટ ક્ષેત્રે, રમતગમતમાં, સાયન્સ-ટેકનોલોજીમાં અને લશ્કરમાં અસાધારણ સફળતા મેળવીને દેશનું ગૌરવ વધારી રહી છે. આવા સંજોગોમાં ફિલ્મ ક્ષેત્રમાં પણ મહિલાઓનું સન્માન વધે તે આવકારદાયક છે. ફિલ્મસર્જકોએ પરિવાર અને સમાજના વિકાસમાં નારીના યોગદાનને ધ્યાનમાં રાખીને યાદગાર ફિલ્મોનું સર્જન કરવું જોઈએ. હીરોઈનોને ફિલ્મોમાં હીરોની સમાંતર પાત્ર આપવું જોઈએ, એમને માત્ર મનોરંજનનું સાધન ન બનાવવી જોઈએ.'
અદિતિનું સમગ્ર ધ્યાન અત્યારે તો ઘણી બધી ફિલ્મો કરવાને બદલે ઓછી પરંતુ ઉત્તમ વાર્તા ધરાવતી ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવવા પર છે. 'હું એવાં પાત્રો કરવા ઈચ્છું છું જેને દર્શકો વર્ષો સુધી યાદ રાખે. સંજય લીલા ભણસાલીની સિરીઝ 'હીરામંડી' (૨૦૨૪) પછી પણ મારે સારી વાર્તા માટે રાહ જોવી પડી છે. હકીકત એ છે કે મારા જેવા 'આઉટસાઇડરો'એ પોતાની બહેતરીન અભિનય પ્રતિભા અને સખત મહેનતના બળે જ અહીં ટકી રહેવું પડે છે,' કહીને અદિતી સમાપન કરે છે.









