Chhota Udaipur

નર્મદા કેનાલમાં તંત્રની ગંભીર બેદરકારી, બોડેલી નજીક ગેટ વળી જતાં જળસંકટનું જોખમ, અનેક ગામડામાં પાણી પુરવઠો ખોરવાશે

By GS Team
11 Jul 20262 mins read
TukuTouch Logo
છોટાઉદેપુરના બોડેલી નજીક અલ્હાદપુરા ગામ પાસે નર્મદા કેનાલના 48 નંબરના ગેટનો જોઈન્ટ તૂટી ગયો છે. પાણીનો બગાડ રોકવા મુકેલા લોખંડના પાટિયા પણ પાણીના ભારે દબાણથી વળી ગયા છે. આથી વણીયાદ્રી ફિલ્ટર યોજના બંધ થતા બોડેલી નગર સહિત અનેક ગામોમાં પીવાના પાણીનું મોટું સંકટ સર્જાવાની ભીતિ છે. તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નર્મદા કેનાલમાં તંત્રની ગંભીર બેદરકારી, બોડેલી નજીક ગેટ વળી જતાં જળસંકટનું જોખમ, અનેક ગામડામાં પાણી પુરવઠો ખોરવાશે

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી નજીક આવેલા અલ્હાદપુરા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલના 48 નંબરના ગેટ પર તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. કેનાલના ગેટનો જોઈન્ટ તૂટી જતાં પાણીનો બગાડ રોકવા માટે તંત્ર દ્વારા લોખંડના પાટિયા મૂકવામાં આવ્યા હતા, પરંતુ પાણીનું દબાણ એટલું ભારે હતું કે તે લોખંડના ગેટ પણ વળી ગયા છે. આ પરિસ્થિતિને કારણે આગામી દિવસોમાં સ્થાનિક વિસ્તારમાં મોટું જળસંકટ ઊભું થાય તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે.

લોખંડના ગેટ વળી ગયા, કાયમી સમારકામ ક્યારે?

અલ્હાદપુરા ગામ નજીક કેનાલના કુલ છ ગેટ આવેલા છે, જેમાંથી એક ગેટનો જોઈન્ટ અચાનક તૂટી ગયો હતો. પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક લોખંડના પાટિયા મૂકીને કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, નર્મદા કેનાલના પાણીના અતિશય ભારે દબાણને કારણે આ લોખંડના ગેટ પણ વળી ગયા હોવાનું સામે આવ્યું છે. હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે આ ગેટનું યોગ્ય અને કાયમી સમારકામ ક્યારે કરવામાં આવશે?

અનેક ગામો અને બોડેલી નગરમાં સર્જાઈ શકે છે પાણીની તંગી

જો નર્મદા નિગમ દ્વારા આ ગેટનું કાયમી સમારકામ હાથ ધરવામાં આવશે, તો નિયમ મુજબ કેનાલનું પાણી પાછળથી બંધ કરવું પડે તેમ છે. જો કેનાલનું પાણી બંધ કરવામાં આવે તો નીચે મુજબની ગંભીર અસરો થઈ શકે છે. 'વણીયાદ્રી ફિલ્ટર પાણી યોજના'માં નર્મદાના પાણીની આવક સંપૂર્ણપણે બંધ થઈ જશે. આ ફિલ્ટર પ્લાન્ટ બંધ થવાના કારણે તેની સાથે જોડાયેલા આસપાસના અનેક ગામો તેમજ બોડેલી નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીનો પુરવઠો આખો ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.

આ ગંભીર સમસ્યાને પગલે સ્થાનિક લોકોમાં તંત્ર અને નર્મદા નિગમ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે, શું નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓ માત્ર એસી ઓફિસોમાં બેસીને જ વહીવટ ચલાવે છે? આવી ગંભીર અને કટોકટીભરી સમસ્યાઓનો સમયસર અને કાયમી ઉકેલ કેમ લાવવામાં આવતો નથી?

હવે જોવાનું એ રહે છે કે નર્મદા નિગમ આ વળી ગયેલા ગેટનું તાત્કાલિક અને કાયમી સમારકામ કરીને લોકોને સંભવિત જળસંકટમાંથી ઉગારે છે કે નહીં.