Chhota Udaipur

છોટા ઉદેપુર: નસવાડી-સંખેડાના ખેડૂતો સાથે મોટી ઠગાઈ! ભાડા કરાર પર 100 ટ્રેક્ટર લઈ ગયેલો યુવક 2 વર્ષથી ભાડું ન ચૂકવતા ખેડૂતો મુશ્કેલીમાં

By GS Team
30 Aug 20262 mins read
TukuTouch Logo
છોટાઉદેપુરના નસવાડી અને સંખેડા તાલુકાના 100 જેટલા ખેડૂતો પાસેથી સાયલાના કલ્પેશ સોલંકીએ ભાડે લીધેલા ટ્રેક્ટરો 2 વર્ષથી પરત ન આપતાં રોષ ફેલાયો છે. બેંક લોન પર ખરીદેલા ટ્રેક્ટરો ન મળતા ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. પોલીસ કાર્યવાહી ન થતાં, ખેડૂતોએ જિલ્લા પંચાયત ઉપપ્રમુખને રજૂઆત કરી અને ટ્રેક્ટરો પરત ન મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: નસવાડી-સંખેડાના ખેડૂતો સાથે મોટી ઠગાઈ! ભાડા કરાર પર 100 ટ્રેક્ટર લઈ ગયેલો યુવક 2 વર્ષથી ભાડું ન ચૂકવતા ખેડૂતો મુશ્કેલીમાં

Naswadi-Sankheda Farmers Tractor Rent Fraud: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી અને સંખેડા તાલુકાના ખેડૂતોની મુશ્કેલી વધી છે. ખેડૂતો પાસેથી ભાડા કરાર પર લીધેલા આશરે 100 જેટલાં ટ્રેક્ટરો બે વર્ષથી પરત નહીં મળતાં ખેડૂતો જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના નિવાસસ્થાને પહોંચ્યા હતા. નસવાડી અને સંખેડા તાલુકાના અનેક આદિવાસી ખેડૂતોએ બેંકોમાંથી લોન લઈને ટ્રેક્ટરો ખરીદ્યા હતા. સાયલા ગામના કલ્પેશ સોલંકી નામના યુવાને ખેડૂતો પાસેથી ભાડા કરાર પર ટ્રેક્ટરો લીધા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. શરૂઆતમાં એક-બે મહિનાનું ભાડું ચૂકવ્યા બાદ છેલ્લા આશરે બે વર્ષથી ટ્રેક્ટરોનું ભાડું પણ ચૂકવવામાં આવ્યું નથી અને ટ્રેક્ટરો પણ પરત આપવામાં આવ્યા નથી.

ભાડે આપેલા 100 ટ્રેક્ટરો પરત ન મળતાં ખેડૂતો મુશ્કેલીમાં

ટ્રેક્ટરો પરત ન મળતાં ખેડૂતોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. એક તરફ બેંકની લોનના હપ્તા ભરવાની જવાબદારી છે, તો બીજી તરફ પોતાની રોજગારીનું સાધન એવા ટ્રેક્ટરો પણ હાથમાં નથી. જેના કારણે અનેક ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા હોવાની રજૂઆત કરવામાં આવી હતી.

જિલ્લા પંચાયતના ઉપપ્રમુખને રજૂઆત

સમગ્ર મામલે પોલીસમાં બે-ત્રણ વખત અરજીઓ કરી હોવા છતાં હજુ સુધી ટ્રેક્ટરો પરત ન મળતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, તેમની ફરિયાદ બાદ પણ યોગ્ય કાર્યવાહી થઈ રહી નથી. જેને લઈને ખેડૂતો એકજૂથ થઈને છોટા ઉદેપુર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને પોતાની વ્યથા રજૂ કરી હતી. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે ખેડૂતોની રજૂઆત સાંભળી તેમને ટ્રેક્ટરો પરત અપાવવા માટે યોગ્ય કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે.

આંદોલનની ખેડૂતોની ચીમકી

ખેડૂતોએ ચીમકી આપી છે કે, જો આગામી દિવસોમાં તેમના ટ્રેક્ટરો પરત નહીં મળે અને બાકી ભાડાની રકમ પણ નહીં ચૂકવાય તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, સાયલા ગામનો આ યુવાન નસવાડીથી આશરે 400 કિલોમીટર દૂર હોવા છતાં અહીંના ખેડૂતોનો વિશ્વાસ મેળવી ટ્રેક્ટરો ભાડે લઈ ગયો હતો. નર્મદા જિલ્લામાં પણ આ જ વ્યક્તિ દ્વારા ખેડૂતોના ટ્રેક્ટરો લઈ જવામાં આવ્યા હોવા અંગે પોલીસ ફરિયાદ થઈ હોવાની માહિતી સામે આવી છે.

હાલ સમગ્ર મામલે ખેડૂતો જિલ્લા પંચાયતના ઉપપ્રમુખને રજૂઆત કરીને ટ્રેક્ટરો પરત મળે તેવી આશા વ્યક્ત કરી હતી. ખેડૂતોએ બેંકમાંથી લોન લઈને ખરીદેલા ટ્રેક્ટરો જ તેમની આજીવિકાનું મુખ્ય સાધન છે, ત્યારે ટ્રેક્ટરો પરત નહીં મળતાં પરિવારનું ગુજરાન ચલાવવું અને બેંકના હપ્તા ભરવા બંને મુશ્કેલ બન્યું છે.

આ પણ વાંચો: VIDEO: 7 વર્ષની બાળકીને મોતના મુખમાંથી ખેંચી લાવ્યો જાંબાઝ યુવક! દમણ બીચ પર લાઇફ ગાર્ડની સમયસૂચકતા

ખેડૂતોનો સવાલ છે કે, જો ટ્રેક્ટરો પરત નહીં મળે તો બેંકની લોનના હપ્તા કોણ ભરશે અને પરિવારનું ગુજરાન કેવી રીતે ચાલશે? સમગ્ર મામલે પોલીસ તપાસ અને સત્તાવાર કાર્યવાહી બાદ હકીકત સ્પષ્ટ થશે.