Chhota Udaipur

છોટા ઉદેપુર: નસવાડીના કાંધા ગામ પાસે ચોમાસામાં પુલની કામગીરી સામે રોષ, યોગ્ય ડાયવર્ઝનના અભાવે 30થી વધુ ગામોના લોકોને હાલાકી

By GS Team
30 Aug 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના કાંધા ગામ પાસેના પુલનું કામ ચોમાસામાં શરૂ થતા રોષ ફેલાયો છે. પાલસર ચોકડીથી કાંધા ગામનો પુલ છેલ્લા 10 દિવસથી તોડીને પાઇપ નાખવાની કામગીરી ચાલી રહી છે. કોતરમાં પાણી હોવાથી યોગ્ય ડાયવર્ઝન નથી. આથી 30થી વધુ ગામોના લોકોને અવરજવરમાં અને ખેડૂતોને ખેતરે જવામાં મુશ્કેલી પડી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: નસવાડીના કાંધા ગામ પાસે ચોમાસામાં પુલની કામગીરી સામે રોષ, યોગ્ય ડાયવર્ઝનના અભાવે 30થી વધુ ગામોના લોકોને હાલાકી

Kandha Village Bridge Work Diversion Issue In Naswadi: છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના પાલસર ચોકડીથી કાંધા ગામ પાસે આવેલા નાના પુલની કામગીરી ચોમાસાની ઋતુમાં શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 10 દિવસથી પુલ તોડીને તેમાં પાઇપ નાખવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ કોતરમાં પાણી વહેતું હોવાથી યોગ્ય ડાયવર્ઝનનો અભાવ સર્જાયો છે.

ચોમાસામાં પુલની કામગીરી શરૂ કરાતા સ્થાનિકોમાં રોષ

કાંધા ગામ પાસે આવેલા કોતર ઉપર વર્ષોથી નાનો પુલ આવેલો હતો. આ પુલ જર્જરિત હોવા છતાં વર્ષોથી તેનું યોગ્ય રિપેરિંગ કરવામાં આવ્યું ન હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. હાલ ચોમાસા દરમિયાન પુલ તોડી કામગીરી શરૂ કરવામાં આવતા કાંધા ગામના ખેડૂતોને પોતાના ખેતરો સુધી પહોંચવામાં પણ મુશ્કેલી પડી રહી છે.

30થી વધુ ગામોના લોકોને અવરજવરમાં મુશ્કેલી

આ માર્ગ પરથી 30થી વધુ ગામોના લોકો અવરજવર કરે છે. રસ્તો બંધ થતાં વાહનચાલકો અને ગ્રામજનોને હવે લાંબો ફેરો ફરીને જવાની ફરજ પડી શકે છે. ખાસ કરીને ખેડૂતો માટે ચોમાસાની સિઝનમાં ખેતર સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે.

સ્થાનિકોએ શું કહ્યું?

સ્થાનિકોના જણાવ્યા મુજબ, પુલની કામગીરી ચોમાસા પહેલાં અથવા ચોમાસું પૂર્ણ થયા બાદ કરવી જોઈતી હતી. કોતરમાં પાણી વહેતું હોવા છતાં કામગીરી શરૂ કરવામાં આવી છે અને યોગ્ય ડાયવર્ઝન પણ બનાવવામાં આવ્યું નથી. કોન્ટ્રાક્ટર દ્વારા ડાયવર્ઝન રોડની યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

નસવાડી તાલુકાનું વહીવટી કામકાજ છોટા ઉદેપુર ખાતે આવેલી રાજ્યના માર્ગ અને મકાન વિભાગની કચેરી દ્વારા કરવામાં આવે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, છોટા ઉદેપુરથી આશરે 60 કિલોમીટર દૂર આવેલા આ વિસ્તારમાં અધિકારીઓ સ્થળ નિરીક્ષણ માટે નિયમિત આવતા નથી અને તેના કારણે ચોમાસામાં આવી કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અમરેલીના વિદ્યાર્થીઓ ધો.12 સાયન્સ પછી ક્યાં ભણવા જાય? 2 ખાનગી એન્જિનિયરિંગ કોલેજો બંધ થઈ, સરકારી ડિગ્રી કોલેજ છે જ નહીં!

સ્થાનિક ગ્રામજનોએ માગ કરી છે કે, રાજ્યના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સ્થળ પર આવીને સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કરે, યોગ્ય ડાયવર્ઝન બનાવે અને કામગીરી એવી રીતે હાથ ધરે કે ખેડૂતો તથા 30થી વધુ ગામોના વાહનચાલકોને હાલાકી ન પડે.