અમરેલીના વિદ્યાર્થીઓ ધો.12 સાયન્સ પછી ક્યાં ભણવા જાય? 2 ખાનગી એન્જિનિયરિંગ કોલેજો બંધ થઈ, સરકારી ડિગ્રી કોલેજ છે જ નહીં!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Lack of Government Degree Engineering College Amreli: અમરેલી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે વિકાસની મોટી મોટી વાતો વચ્ચે ઉચ્ચ ટેક્નિકલ શિક્ષણની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ધોરણ-12 બાદ એન્જિનિયરિંગમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે અમરેલી જિલ્લામાં હાલ સ્થાનિક સ્તરે વિકલ્પોનો અભાવ જોવા મળી રહ્યો છે. અગાઉ જિલ્લામાં ચાલતી બે ખાનગી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં હાલ પ્રવેશ પ્રક્રિયા બંધ હોવાની માહિતી સામે આવતા નવા વિદ્યાર્થીઓ માટે અમરેલીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કરવાનો માર્ગ બંધ થયો હોવાની સ્થિતિ છે.
બીજી તરફ, જિલ્લામાં સરકારી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ પણ ઉપલબ્ધ નથી. પરિણામે ધોરણ-12 સાયન્સ બાદ એન્જિનિયરિંગ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને રાજકોટ, ભાવનગર, અમદાવાદ સહિતના શહેરો તરફ જવાની ફરજ પડે છે.
અમરેલીમાં ખાનગી એન્જિનિયરિંગની કોલેજોની પ્રવેશ પ્રક્રિયા બંધ થતાં વિદ્યાર્થીઓ મૂંઝવણમાં
અમરેલી જિલ્લામાં અગાઉ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા એન્જિનિયરિંગ કોલેજ અને ધારીની અરુણ મૂછાળા એન્જિનિયરિંગ કોલેજ જેવી ખાનગી સંસ્થાઓ દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગના અભ્યાસની તક ઉપલબ્ધ હતી. વિવિધ એન્જિનિયરિંગ બ્રાન્ચમાં અભ્યાસ કરવાની તક મળતી હતી, પરંતુ હાલ આ સંસ્થાઓમાં કોઈ કારણોસરપ્રવેશ પ્રક્રિયા બંધ હોવાની માહિતી મળી રહી છે.
એન્જિનિયરિંગ કોર્ષમાં વિદ્યાર્થીઓ અન્ય શહેરોમાં જવા મજબૂર
અમરેલીમાં ડૉ.જીવરાજ મહેતા પોલિટેક્નિક જેવી સરકારી ટેક્નિકલ સંસ્થા ઉપલબ્ધ છે, પરંતુ તે ડિપ્લોમા સ્તરનું શિક્ષણ આપે છે. જેમાં ધોરણ-12 બાદ B.E. અથવા B.Tech જેવી ડિગ્રી મેળવવા માટે જિલ્લામાં સરકારી એન્જિનિયરિંગ કોલેજનો વિકલ્પ ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં ખાનગી સંસ્થાઓમાં પણ પ્રવેશ પ્રક્રિયા બંધ હોય તો અમરેલીના વિદ્યાર્થીઓને ડિગ્રી એન્જિનિયરિંગ માટે અન્ય શહેરોમાં જવું ફરજિયાત બને છે.
અભ્યાસ અર્થે બહાર જતાં કોલેજ ફી ઉપરાંત રહેવા-જમવાનો ખર્ચ
ધોરણ-12 સાયન્સ બાદ એન્જિનિયરિંગ ઉપરાંત કોમ્પ્યુટર સાયન્સ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI), ડેટા સાયન્સ, સાયબર સિક્યુરિટી, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને રોબોટિક્સ જેવા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવા વિદ્યાર્થીઓની રુચિ વધી રહી છે. આવા અભ્યાસક્રમો માટે સ્થાનિક સ્તરે પૂરતી અને કાર્યરત સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓ રાજકોટ, ભાવનગર, અમદાવાદ અને અન્ય શહેરો તરફ વળે છે. બહાર અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓના પરિવારને કોલેજ ફી ઉપરાંત હોસ્ટેલ અથવા PG, ભોજન, મુસાફરી સહિતનો વધારાનો ખર્ચ સહન કરવો પડે છે.
અમરેલીના વાલી-વિદ્યાર્થીઓના અનેક સવાલો
અમરેલીના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હવે સવાલ ઊઠી રહ્યો છે કે, જિલ્લામાં ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ હોવા છતાં ધોરણ-12 બાદ એન્જિનિયરિંગ જેવા મહત્ત્વના અભ્યાસક્રમ માટે બહાર જવું કેમ પડે? માત્ર કોલેજનું નામ હોવું પૂરતું નથી, પરંતુ તેમાં નિયમિત પ્રવેશ, પૂરતા વિદ્યાર્થીઓ, કાર્યરત અભ્યાસક્રમો, આધુનિક લેબોરેટરી, પ્રેક્ટિકલ શિક્ષણ, ઇન્ડસ્ટ્રી સાથે જોડાણ, ઇન્ટર્નશિપ અને પ્લેસમેન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોવી જરૂરી છે.
અમરેલી કૃષિ આધારિત જિલ્લો હોવાથી કૃષિ અને ટેક્નોલોજીને જોડતા અભ્યાસક્રમો શરૂ કરવાની પણ મોટી સંભાવના છે. એગ્રી-ટેક, પ્રિસિઝન એગ્રીકલ્ચર, એગ્રીકલ્ચરલ ડેટા એનાલિટિક્સ, ડ્રોન ટેકનોલોજી, ફૂડ પ્રોસેસિંગ અને ગ્રામીણ ઉદ્યોગસાહસિકતા જેવા ક્ષેત્રોમાં ઉચ્ચ શિક્ષણ અને તાલીમની સુવિધા ઊભી કરવામાં આવે તો સ્થાનિક યુવાનોને રોજગારલક્ષી શિક્ષણ સાથે પોતાના જિલ્લામાં જ કારકિર્દી બનાવવાની નવી તકો મળી શકે છે.
અમરેલી જિલ્લામાં દર વર્ષે ધોરણ-12 સાયન્સ બાદ કેટલા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ માટે બહાર જાય છે, તેમાંથી કેટલા રાજકોટ, અમદાવાદ કે ભાવનગર જાય છે અને સ્થાનિક એન્જિનિયરિંગ સંસ્થાઓમાં કેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે તેના સત્તાવાર આંકડા જાહેર કરવાની જરૂર છે. સાથે જ અમરેલીમાં સરકારી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ શરૂ કરવાની અને આધુનિક ટેક્નોલોજી આધારિત અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવાની માગ પણ ઉઠી રહી છે.
ધોરણ-12 સુધી અમરેલીમાં ભણ્યા બાદ ઉચ્ચ ટેક્નિકલ શિક્ષણ માટે અમરેલી છોડવું ન પડે, તે માટે જિલ્લામાં કાર્યરત ડિગ્રી એન્જિનિયરિંગ શિક્ષણની સુવિધા ઊભી કરવી સમયની માગ બની છે.




