છોટા ઉદેપુર: નસવાડીમાં દિવ્યાંગ પ્રમાણપત્ર કેમ્પમાં હોબાળો, સારવાર અધૂરી મૂકીને ડૉક્ટરો જતા રહેતા ભૂખ્યા-તરસ્યા બેઠેલાં દર્દીઓમાં રોષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દિવ્યાંગ તેમજ વિવિધ બીમારીઓથી પીડાતા લોકોને સરકારી સહાય માટે જરૂરી પ્રમાણપત્રો આપવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વડોદરાની ગોત્રી હોસ્પિટલમાંથી ઓર્થોપેડિક સર્જન, ઓપ્થેલ્મોલોજિસ્ટ, ઈ.એન.ટી. અને મેડિસિન વિભાગના તબીબો ઉપસ્થિત રહ્યા હતા. જો કે, કેમ્પ દરમિયાન તબીબો દર્દીઓની તપાસ અને સારવાર અધૂરી મૂકીને જતા હોવાના આક્ષેપને પગલે હોબાળો મચ્યો હતો.
નસવાડીમાં દિવ્યાંગ પ્રમાણપત્ર કેમ્પમાં હોબાળો
ગામડાઓમાંથી સવારથી જ મોટી સંખ્યામાં દિવ્યાંગ અને અન્ય બીમારીઓથી પીડાતા લાભાર્થીઓ નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. લાંબા સમય સુધી રાહ જોયા બાદ અચાનક તબીબો સ્થળ પરથી જતા રહેતા દર્દીઓમાં ભારે રોષ ફેલાયો હતો.
આ દરમિયાન એક ભાજપના નેતા જશુભાઈ ભીલ, માજી જિલ્લા ભાજપ પ્રમુખ પણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. સમગ્ર મામલે તેમણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તબીબોને પરત બોલાવવા માટે રજૂઆત કરી હતી. ત્યારબાદ તબીબો ફરીથી આરોગ્ય કેન્દ્ર ખાતે પરત ફર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
તબીબો પરત ફરતા ભાજપના નેતાએ તેમની સામે આ મામલે ઉગ્ર રજૂઆત કરી હતી અને સવાલ કર્યો હતો કે, દૂરના ગામડાઓમાંથી સવારથી ભૂખ્યા-તરસ્યા આવીને બેઠેલા લાભાર્થીઓને અધવચ્ચે છોડીને તબીબો કેમ જતા રહ્યા?
ચારેય તબીબો એકસાથે જમવા ગયા હતા?
સમગ્ર મામલે તબીબો પાસે પૂછપરછ કરવામાં આવતા તેમણે જમવા માટે ગયા હોવાનું જણાવ્યું હતું. જો કે, અહીં સવાલ એ ઉઠી રહ્યો છે કે જ્યારે આરોગ્ય કેન્દ્ર ખાતે અંદાજે 200 જેટલા દર્દીઓ તબીબોની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ચારેય તબીબો એકસાથે જમવા માટે બહાર કેવી રીતે જઈ શકે?
સ્થળ પર હાજર લોકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ચારેય તબીબો એક જ ગાડીમાં બેસીને સ્થળ પરથી રવાના થયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સ્થાનિક લોકો દ્વારા બનાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
પ્રમાણપત્ર માટે કલાકો રાહ શા માટે?; દર્દીઓ
આ કેમ્પનો મુખ્ય હેતુ જ દિવ્યાંગ અને બીમાર લાભાર્થીઓને સરકારી યોજનાઓનો લાભ મળી શકે તે માટે જરૂરી પ્રમાણપત્ર આપવાનો હતો. ત્યારે દૂરના અંતરેથી આશા લઈને આવેલા લાભાર્થીઓને લાંબા સમય સુધી રાહ જોવડાવી તબીબો જતા રહેવાના આક્ષેપો ગંભીર સવાલો ઉભા કરી રહ્યા છે. દિવ્યાંગ અને બીમાર લાભાર્થીઓની અગવડતાને ધ્યાનમાં રાખીને કેમ્પમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી કે નહીં? તબીબો દર્દીઓની તપાસ પૂર્ણ કર્યા વિના કેમ બહાર ગયા? અને જો ખરેખર જમવા માટે ગયા હતા તો ચારેય તબીબો એકસાથે કેમ ગયા?
આ સમગ્ર મામલે જવાબદાર તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે અને કેમ્પમાં આવેલા લાભાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તેની જવાબદારી નક્કી કરવામાં આવે તેવી માગ ઉઠી રહી છે. હવે સવાલ એ છે કે, સરકારી સહાયની આશા લઈને સવારથી બેઠેલા દિવ્યાંગ લાભાર્થીઓને જો તબીબો જ અધવચ્ચે છોડીને જતા રહે, તો આ કેમ્પનો હેતુ કેટલો સફળ ગણાય?









