છોટા ઉદેપુર: કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં ડ્રેસ-શૂઝ અને બિલ કૌભાંડના આક્ષેપ, DDOએ તપાસ સમિતિ રચી શિક્ષકોને નોટિસ ફટકારી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur KGBV School Bill Scam Investigation: છોટા ઉદેપુરના ઝોઝ ખાતે આવેલી કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં ભોજન અને અન્ય સામગ્રીની ખરીદીમાં વાસ્તવિક કિંમત કરતાં બમણી રકમનું બિલ રજૂ કરાયું હોવાના આક્ષેપ વચ્ચે વિવાદ વધ્યો છે. આ ઉપરાંત, વિદ્યાર્થિનીઓને નવું સત્ર શરૂ થયાને બે મહિના થયા છતાં ડ્રેસ-શૂઝ સહિતની સામગ્રી ન મળતાં આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તેવામાં સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લા વિકાસ અધિકારી(DDO)એ ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે. જેમાં સંબંધિત શિક્ષકોને હાજર રહેવા નોટિસ ફટકારી છે, ત્યારે કૌભાંડી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં બિલ કૌભાંડનો આક્ષેપ
છોટા ઉદેપુર ઝોઝ ખાતે આવેલી કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં આશરે 200 જેટલી વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. વિદ્યાર્થિનીઓ માટે સરકાર દ્વારા હોસ્ટેલ, ભોજન, ડ્રેસ, સ્કૂલ શૂઝ સહિતની વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જો કે આક્ષેપ મુજબ, હોસ્ટેલના સામાનની ખરીદીમાં રૂ.80 હજાર જેટલાં સામાન સામે સરકારી ચોપડે રૂ.1.54 લાખનું ચુકવણું દર્શાવવામાં આવ્યું હોવાનો મુદ્દો સામે આવ્યો છે. આ મામલે એક શિક્ષિકા દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યા બાદ મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો છે. ત્યારબાદ સંબંધિત રકમ પરત કરાવવામાં આવી હોવાની પણ ચર્ચા છે.
વિદ્યાર્થિનીઓને ડ્રેસ-શૂઝ સહિતની સામગ્રી ન મળી!
બીજી તરફ, વિદ્યાર્થિનીઓને સ્કૂલ ડ્રેસ, શૂઝ તથા અન્ય જરૂરી સામગ્રી નવું સત્ર શરૂ થયાને બે મહિના થયા છતાં આપવામાં આવી નથી. જેને લઈને આદિવાસી સમાજમાં પણ રોષ જોવા મળ્યો છે. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લા વિકાસ અધિકારીએ ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે. જેમાં જિલ્લા પંચાયતના એકાઉન્ટ વિભાગના અધિકારી, શિક્ષણ વિભાગના એક અધિકારી અને જિલ્લા પંચાયતના અન્ય એક અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તપાસનો અહેવાલ DDOને સોંપાશે
સમિતિ દ્વારા સમગ્ર ખરીદી, બિલો, ચુકવણી અને વિદ્યાર્થિનીઓને આપવામાં આવેલી સુવિધાઓ અંગે તપાસ કરી તેનો અહેવાલ જિલ્લા વિકાસ અધિકારીને સોંપવામાં આવશે. આક્ષેપ કરનાર શિક્ષિકા સહિત સંબંધિત શિક્ષકોને પણ તપાસ સમિતિ સમક્ષ હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. હવે તપાસ સમિતિની તપાસમાં ખરીદીના બિલો, ચુકવણી અને વિદ્યાર્થિનીઓને મળતી સરકારી સુવિધાઓ અંગેના વાસ્તવિક તથ્યો શું બહાર આવે છે તેના પર સૌની નજર છે.
આક્ષેપો સાચા છે કે નહીં અને કોઈ ગેરરીતિ થઈ છે કે નહીં તેનો અંતિમ ખુલાસો તપાસના અહેવાલ બાદ જ થશે. તપાસમાં જો ગેરરીતિ સાબિત થશે તો જવાબદાર સામે કાર્યવાહી થવાની શક્યતા છે.









