છોટાઉદેપુર: નવું સત્ર શરૂ થયાને બે મહિના છતાં 7 બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓને ડ્રેસ-શૂઝ સહિતની સામગ્રી ન મળી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur KGBV School Uniform Shoes Issue: છોટા ઉદેપુર જિલ્લાના પાંચ તાલુકામાં ચાલતી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં નવું સત્ર શરૂ થયાને બે મહિના વીતી જવા છતાંય જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વિદ્યાર્થિનીઓને સ્કૂલ ડ્રેસ તેમજ શૂઝ અને અન્ય સામગ્રી આપવામાં આવી ન હોવાનું જણાય છે.
7 કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં બે મહિના બાદ પણ વિદ્યાર્થિનીઓને ડ્રેસ-શૂઝ મળ્યા નથી
છોટા ઉદેપુર જિલ્લાના પાંચ તાલુકાઓમાં નસવાડી તાલુકાનાના પોચંબા, કવાંટ તાલુકાના મોગરા અને ચમલવાટ, છોટા ઉદેપુરના ઝોઝ અને હરપાલપુરા તથા જેતપુર પાવીના પાલીયા અને બોરધામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ સ્કૂલ ડ્રેસ-શૂઝ સહિતની વસ્તુઓથી વંચિત છે. છોટા ઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી જે. કે. પરમાર દ્વારા આ તમામ શાળાઓનું સંચાલન કરવામાં આવે છે. જેમાં શાળાઓમાં વિદ્યાર્થિનીઓને રહેવા-જમવાની સાથે-સાથે અન્ય સુવિધાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ દરમિયાન જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવેલી ગેરરીતિઓ ધીમે-ધીમે બહાર આવી રહી છે.
1500 જેટલી વિદ્યાર્થિનીને હાલાકી
તમામ શાળાઓની આશરે 1500 જેટલી વિદ્યાર્થિનીઓને નવા સત્રના પ્રારંભના બે મહિનાથી વધુ સમય થયો છતાં જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલ ડ્રેસ તેમજ સ્કૂલ શૂઝ અને અન્ય ચીજ વસ્તુઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી નથી. જેમાં તમામ વસ્તુઓ ખરીદી કરવાની બાકી રાખતા આજદિન સુધી વિદ્યાર્થિનીઓને સ્કૂલ ડ્રેસ વિના વંચિત રાખવામાં આવી છે.
થોડાક સમયમાં સ્કૂલ ડ્રેસ ખરીદી લઈશું: DEO
જ્યારે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને પૂછતાં તેઓએ જણાવ્યું કે, થોડાક સમયમાં સ્કૂલ ડ્રેસ ખરીદી લઈશું. પરંતુ નિયમો મુજબ શાળા શરૂ થાય અને નવા સત્રનો પ્રારંભ થાય જે વિદ્યાર્થિનીઓ એડમિશન લીધા હોય તેઓને તાત્કાલિક ધોરણે તમામ ચીજ વસ્તુઓ ખરીદીને પૂરી પાડવાની હોય છે, ત્યારે અડધો વર્ષ વીતી જાય ત્યાં સુધી સામગ્રી આપવામાં આવતી નથી. આદિવાસી વિદ્યાર્થિનીઓ મળતી સુવિધા-સહાયમાં જિલ્લા શિક્ષણ અધિકારી તરાપ મારી રહ્યા હોવાનો સ્થાનિકોના આક્ષેપ છે.
DEO સામે તપાસ બેસાડવા એક શિક્ષક મેદાને
જિલ્લા શિક્ષણ અધિકારી સામે તપાસ કરવા માટે એક શિક્ષક મેદાને પડ્યા છે. છોટા ઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારીની છબી દિવસે-દિવસે ખરડાઈ રહી છે. જ્યારે વિદ્યાર્થીઓને મળતી સુવિધા અને સરકાર નાણા આપતી હોય તો પછી કયા કારણોસર આટલો સમય વીતી જવા છતાંય ખરીદી કરવામાં આવતી નથી, તેવા સવાલો થઈ રહ્યા છે. તેમજ આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માગ ઉઠી છે.









