Chhota Udaipur

છોટા ઉદેપુરમાં તંત્રની બેદરકારી: જેતપુર પાવીના ઓરસંગ બ્રિજ પાસે નર્મદા પાઈપલાઈનમાં મોટું ગાબડું, હજારો લિટર પાણીનો વેડફાટ

By GS Team
2 Sep 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુરના જેતપુર પાવીમાં ઓરસંગ બ્રિજ પાસે નર્મદાની મુખ્ય પાઈપલાઈનમાં ફરી મોટું ભંગાણ થયું છે. કરોડોના ખર્ચે બનેલી પાઈપલાઈનમાંથી હજારો લિટર પાણી નદીમાં વેડફાઈ રહ્યું છે. થોડા દિવસ પહેલાં જ આ જ જગ્યાએ થયેલા સમારકામમાં ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાને કારણે ફરી ગાબડું પડ્યું છે. સ્થાનિકો રેતીના ધોવાણને જવાબદાર ઠેરવી, કાયમી ઉકેલ અને જવાબદારો સામે કાર્યવાહીની માગ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુરમાં તંત્રની બેદરકારી: જેતપુર પાવીના ઓરસંગ બ્રિજ પાસે નર્મદા પાઈપલાઈનમાં મોટું ગાબડું, હજારો લિટર પાણીનો વેડફાટ

Chhota Udepur Narmada Pipeline Leakage: કરોડો રૂપિયાના આંધણ છતાં સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત તેમજ નઘરોળ કામગીરીનો વધુ એક પુરાવો છોટા ઉદેપુરના જેતપુર પાવીમાંથી સામે આવ્યો છે. જેમાં ઓરસંગ બ્રિજ નજીક નદીના પટમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય પાઈપલાઈનમાં ફરી એકવાર મોટું ભંગાણ થયું છે. પ્રજાના ટેક્સના પૈસે તૈયાર થયેલી પાઈપલાઈનમાંથી હજારો લિટર કિંમતી પાણી નદીમાં વહીને વેડફાઈ રહ્યું હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યું છે.

જેતપુર પાવીના ઓરસંગ બ્રિજ પાસે નર્મદા પાઈપલાઈનમાં ફરી મોટું ગાબડું

હજુ માંડ થોડા દિવસ પહેલાં જ આ જ જગ્યાએ પાઈપલાઈન તૂટી હતી. એ સમયે તંત્રએ ઉતાવળે થીગડાં મારીને સંતોષ માની લીધો હતો, પરંતુ ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાના કારણે એ જ સાંધાની બાજુમાંથી ફરી ધસમસતો પ્રવાહ ફૂટી નીકળ્યો છે. આ સ્થિતિ સ્પષ્ટ કરે છે કે, સમારકામના નામે માત્ર કાગળ પર જ ઘોડા દોડાવવામાં આવ્યા છે અને સરકારી તિજોરીને ચૂનો ચોપડાયો છે.

હજારો લિટર પાણીનો વેડફાટ

સ્થાનિકો આક્ષેપ અનુસાર, ઓરસંગ નદીમાં થતાં બેફામ રેતીના ધોવાણને કારણે પાઈપલાઈન વારંવાર ખુલ્લી પડી જાય છે અને તૂટે છે. આ વાસ્તવિકતા જાણવા છતાં જવાબદાર અધિકારીઓએ પાઈપલાઈનને સુરક્ષિત કરવા માટે કોઈ નક્કર પ્રોટેક્શન વોલ કે કાયમી ઉપાય કરવાની તસ્દી લીધી નથી. એક તરફ રાજ્યમાં ટીપે ટીપા પાણી માટે કાગારોળ મચે છે, ત્યારે બીજી તરફ તંત્રની અણઆવડત અને બેદરકારીને કારણે નર્મદાનું શુદ્ધ પાણી ગટરો અને નદીઓમાં વહી રહ્યું છે.

આ પણ વાંચો: નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદમાં નવો વળાંક: સરકારની ખાતરી છતાં નાલ ગામમાં ખેડૂતો અને વન વિભાગ વચ્ચે ઘર્ષણ

સ્થાનિક જનતા હવે સવાલ પૂછી રહી છે કે, વારંવાર થતા આ નાટકના જવાબદાર ઇજનેરો અને કોન્ટ્રાક્ટરો સામે કડક ફોજદારી પગલાં ક્યારે લેવાશે? શું ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર આવીને આ ભ્રષ્ટાચારની તપાસ કરશે કે પછી ફરી એકવાર નવું થીગડું મારીને પ્રજાની આંખમાં ધૂળ નાખવામાં આવશે? અંતે, કાયમી ઉકેલ નહીં આવે તો જનતા આંદોલનના માર્ગે ઉતરવા મજબૂર બનશે.