Chhota Udaipur

છોટા ઉદેપુર નગરપાલિકામાં પ્રજાના પૈસાનો આડેધડ વ્યય: જર્જરિત શૌચાલયોને કલર માર્યા બાદ હવે 28 લાખના રીનોવેશનની તૈયારી!

By GS Team
18 Aug 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુર નગરપાલિકા પર ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લાગ્યો છે. સ્થાનિકોના મતે, જર્જરિત 7 સામૂહિક શૌચાલયો પૈકી 5 બે વર્ષથી બંધ છે. બે મહિના પહેલાં માત્ર કલરકામ કરી લાખોનો ખર્ચ દર્શાવાયો, છતાં શૌચાલયો બિસ્માર રહ્યાં. હવે 28 લાખના રીનોવેશન ટેન્ડરથી નવા શૌચાલય જેટલો ખર્ચ થશે, જેથી પ્રજાના પૈસાનો દુર્વ્યય થઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર નગરપાલિકામાં પ્રજાના પૈસાનો આડેધડ વ્યય: જર્જરિત શૌચાલયોને કલર માર્યા બાદ હવે 28 લાખના રીનોવેશનની તૈયારી!

Chhota Udepur Municipality Public Funds: છોટા ઉદેપુર નગરપાલિકાના સત્તાધીશો સામે પ્રજાના ટેક્સના પૈસાનો આડેધડ વ્યય કરવાનો અને ભ્રષ્ટાચાર કરવાનો ગંભીર આક્ષેપ સ્થાનિક રહીશો દ્વારા લગાવવામાં આવ્યો છે. નગરપાલિકા વિસ્તારમાં આવેલા સામૂહિક શૌચાલયો જર્જરિત હોવા છતાં થોડા સમય પહેલાં માત્ર કલર મારીને લાખો રૂપિયાનો ખર્ચ ચોપડે દર્શાવી દેવાયો હતો, અને હવે તે જ શૌચાલયોના રીનોવેશન માટે 28 લાખ રૂપિયાનું ટેન્ડર બહાર પાડવાની તૈયારીઓ ચાલી રહી છે.

7માંથી 5 સામૂહિક શૌચાલયોને તાળાં

છોટા ઉદેપુર નગરપાલિકા વિસ્તારના જુદા જુદા વિસ્તારોમાં કુલ 7 જેટલાં સામૂહિક શૌચાલયો આવેલાં છે. જેમાંથી 5 જેટલાં શૌચાલયો છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં છે અને તેને તાળાં મારેલાં છે. સ્થાનિક રહીશો શૌચાલયની સુવિધાથી વંચિત હોવા છતાં તંત્ર દ્વારા આ સુવિધાઓ શરૂ કરવા તરફ કોઈ નક્કર આયોજન કરવામાં આવ્યું નથી.

કલરકામથી ચમકાવ્યા પણ બિસ્માર હાલતમાં જ રહ્યા

સ્થાનિકોના જણાવ્યાનુસાર, નગરપાલિકાના સત્તાધીશોએ બે મહિના પહેલાં જર્જરિત શૌચાલયોને માત્ર બહારથી કલર મારીને ચોપડે લાખો રૂપિયાનો ખર્ચ પાડી દીધો હતો. શૌચાલયો સારી સ્થિતિમાં છે તેવું દર્શાવવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો, પરંતુ અંદરથી બિસ્માર હોવાના કારણે લોકો તેનો ઉપયોગ કરી શક્યા નહોતા.

નવાં શૌચાલય બને તેટલા ખર્ચે રીનોવેશનનો વિરોધ

હવે નગરપાલિકા તંત્ર દ્વારા આ શૌચાલયોના રીનોવેશન માટે 28 લાખ રૂપિયાનું ટેન્ડર બહાર પાડવાની કવાયત હાથ ધરાઈ છે. આ મામલે નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે: નાગરિકોનું કહેવું છે કે નગરપાલિકા ભ્રષ્ટાચારની ગંગોત્રી બની ચૂકી છે. જેટલા ખર્ચમાં રીનોવેશનનું ટેન્ડર બહાર પડવાનું છે, તેટલા ખર્ચમાં તો નવાં જ શૌચાલયો તૈયાર થઈ શકે તેમ છે.

એક તરફ સરકાર પ્રજાની સુવિધા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, તો બીજી તરફ નગરપાલિકાના આડેધડ આયોજનના કારણે પ્રજાના નાણાંનો વ્યય થઈ રહ્યો છે. સ્થાનિકોએ આ મામલે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની અને સામૂહિક શૌચાલયો વહેલી તકે લોકો માટે ખુલ્લા મુકવાની માંગ કરી છે.