છોટાઉદેપુર: ગ્રામજનોએ જાતે જમીન ખરીદીને સરકારને દાનમાં આપી ત્યારે તંત્રએ શાળા બનાવી, જામલી ગામે રૂ. 99 લાખ ખર્ચે બની સ્કૂલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamli Village Crowd funding Primary School: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જામલી ગામે વર્ષોની લાંબી રાહ બાદ પ્રાથમિક શાળાનું નવું મકાન તૈયાર થતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આશરે 99 લાખ રૂપિયાના ખર્ચે બનેલી આ શાળાનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું. જો કે, આ વિકાસના કામની પાછળ સરકારી તંત્રની બેદરકારી અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો પણ ઊભા થયા છે. સૌથી મોટી અને ચર્ચાસ્પદ બાબત એ છે કે શાળાનું મકાન બનાવવા માટે સરકાર પાસે જમીન નથી તેવા સતત જવાબ મળતા હતા, તેથી આખરે ગ્રામજનોએ જ આગળ આવીને 4 લાખ રૂપિયાનો લોકફાળો એકત્ર કરીને જમીન ખરીદીને સરકારને દાનમાં આપી હતી.
વર્ષ 2012થી શરૂ થઈ હતી પ્રક્રિયા, 2026માં સાકાર થઈ શાળા
જામલી ગામના બાળકોને સુરક્ષિત અને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે નવી શાળાના મકાનની વર્ષ 2012થી ફાઇલો મંજૂરીની પ્રક્રિયામાં હતી. લાંબી કાગળની કાર્યવાહી બાદ આખરે વર્ષ 2026માં શાળાનું નવું મકાન તૈયાર થયું છે. આખરે ગ્રામજનોની મહેનત બાદ 14 વર્ષે શાળાનું સ્વપ્ન સાકાર થયું છે. જેથી ગ્રામજનોએ ભારે ઉત્સાહ સાથે લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને બાળકોના ભવિષ્ય માટે નવી શાળા મળતાં આનંદ વ્યક્ત કર્યો હતો.
સરકાર પાસે મકાનના કરોડો છે, પણ જમીન માટે નહીં?
આ સમગ્ર મામલાનો સૌથી ચોંકાવનારી બાબત એ છે કે વર્ષ 2024માં શાળા માટે જમીનની ગંભીર સમસ્યા ઊભી થઈ હતી. સરકારી તંત્ર દ્વારા જમીનની વ્યવસ્થા ન થઈ શકતા ગામના લોકોએ બાળકોના ભવિષ્યને સર્વોપરી રાખીને પોતાની રીતે કમર કસી હતી. ગ્રામજનોએ અંદરોઅંદર સહકાર આપીને આશરે 4 લાખ રૂપિયાનો લોકફાળો ભેગો કર્યો અને ખાનગી માલિકીની જમીન ખરીદીને સરકારને સોંપી હતી. ત્યારબાદ જ સરકાર દ્વારા શાળાના મકાનનું નિર્માણ કાર્ય શક્ય બન્યું હતું.
લોકોમાં ઉઠતા સવાલો
એક તરફ રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે કરોડો રૂપિયાના ખર્ચ અને વિકાસના મોટા દાવા કરી રહી છે, ત્યારે જામલી ગામની આ ઘટનાએ તંત્રની પોલ ખોલી નાખી છે. ગ્રામજનો અને જાગૃત નાગરિકો હવે સવાલ કરી રહ્યા છે કે જો સરકાર શાળાના મકાન પાછળ 99 લાખ રૂપિયા ખર્ચી શકતી હોય, તો શાળા માટે જરૂરી જમીન ઉપલબ્ધ કરાવવાની જવાબદારી શું સરકારની નહોતી? જમીન માટે પણ જો પ્રજાએ જ પોતાના ખિસ્સામાંથી ફાળો આપવો પડતો હોય, તો સરકારના વિકાસના દાવાઓ કેટલા સાચા?
ગમે તેવી મુશ્કેલીઓ વચ્ચે પણ જામલી ગામના લોકોએ જાતે લોકફાળો ભેગો કરીને જે દાખલો બેસાડ્યો છે, તેના કારણે જ આજે ગામમાં નવી પ્રાથમિક શાળા સાકાર થઈ શકી છે અને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનવાનો રસ્તો ખુલ્લો થયો છે.









