Chhota Udaipur

છોટા ઉદેપુર: નસવાડીના રાયપુર સહિત 5 ગામોમાં ઉદવહન સિંચાઈ યોજના નિષ્ફળ!, ખેડૂતો પાણીથી વંચિત

By GS Team
8 Sep 20262 mins read
TukuTouch Logo
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના રાયપુર સહિત 5 ગામના ખેડૂતોને મેણ નદીમાંથી સિંચાઈ માટે પાણી મળે તે માટે કરોડોના ખર્ચે ઉદવહન સિંચાઈ યોજના બની. જોકે, અધિકારીઓની નિષ્કાળજીને લીધે યોજના નિષ્ફળ ગઈ છે. ચેકડેમ કાંપથી ભરાયા છે અને ખેતરો સુધી પાણી પહોંચતું નથી. વરસાદ ખેંચાતા ઊભા પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતિત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: નસવાડીના રાયપુર સહિત 5 ગામોમાં ઉદવહન સિંચાઈ યોજના નિષ્ફળ!, ખેડૂતો પાણીથી વંચિત

Chhota Udepur Irrigation Water: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રાયપુર તેમજ આસપાસના પાંચ ગામોના ખેડૂતોને મેણ નદીમાંથી સિંચાઈનું પાણી મળી રહે તે હેતુથી ઉદવહન સિંચાઈ યોજના હેઠળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જોકે, કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ આજે ખેડૂતોને આ યોજનાનો પૂરતો લાભ મળી રહ્યો નથી. આ વિસ્તારના ગામો નર્મદા કેનાલના ઉપરવાસમાં આવેલા હોવાથી ખેડૂતો પાસે સિંચાઈ માટે અન્ય કોઈ યોગ્ય વિકલ્પ ઉપલબ્ધ નથી. જેના કારણે વરસાદ ખેંચાય ત્યારે ખેડૂતોના ઊભા પાકને બચાવવો મુશ્કેલ બની જાય છે.

યોજના નિષ્ફળ સાબિત થઈ રહી છે

સરકાર દ્વારા ખેડૂતોની સુવિધા માટે ઉદવહન સિંચાઈ યોજના શરૂ કરાઈ હતી. પરંતુ સ્થાનિક ખેડૂતોનો આરોપ છે કે, કામગીરી દરમિયાન યોગ્ય આયોજન અને કાળજી ન રખાતાં આ યોજના નિષ્ફળ સાબિત થઈ રહી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, મોટો ખર્ચ કરવા છતાં સિંચાઈનું પાણી ખેતરો સુધી પહોંચી શક્યું નથી.

આ ઉપરાંત, મેણ નદી પર બનાવવામાં આવેલા બે ચેકડેમ પણ માટી અને કાંપથી ભરાઈ ગયા છે. પરિણામે ચોમાસા દરમિયાન નદીમાં પાણી આવવા છતાં ચેકડેમમાં પાણીનો સંગ્રહ થવાને બદલે પાણી વહી જાય છે. ચેકડેમમાં પાણી ન રોકાતાં તેનો સિંચાઈ માટે ઉપયોગ થઈ શકતો નથી.

ખેડૂતોનો વધુમાં આક્ષેપ છે કે, ઉદવહન સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા લાંબા સમયથી આ યોજનાની સ્થળ મુલાકાત કે યોગ્ય તપાસ કરવામાં આવી નથી. હાલ વરસાદ ખેંચાતાં સિંચાઈના અભાવે ખેડૂતોનો ઊભો પાક સુકાઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે.

સ્થાનિક ખેડૂતોની માંગ છે કે સંબંધિત તંત્ર અને સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરે, ચેકડેમમાંથી માટી-કાંપ દૂર કરાવે અને ઉદવહન સિંચાઈ યોજનાને પુનઃ કાર્યરત કરી ખેતરો સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરે.