Chhota Udaipur

છોટા ઉદેપુર: નસવાડીના 210 ગામોના લોકો જાતિના દાખલા માટે પરેશાન, અધિકારીઓ વચ્ચેના ડખામાં પ્રજા પિલાઈ રહી હોવાનો આક્ષેપ

By GS Team
7 Aug 20262 mins read
TukuTouch Logo
છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં જાતિના દાખલાને લઈ હાલાકી સર્જાઈ છે. નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને પ્રવેશ, શિષ્યવૃત્તિ માટે દાખલાની જરૂર છે. પરંતુ, મામલતદાર અને TDO વચ્ચે મતભેદથી 210 ગામોના લોકો અટવાયા છે. તલાટીઓની હડતાળ અને અધિકારીઓની ખેંચતાણથી ઉકેલ નથી. જિલ્લા કલેક્ટર અને DDO તાત્કાલિક હસ્તક્ષેપ કરી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવે તેવી માંગ ઉઠી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: નસવાડીના 210 ગામોના લોકો જાતિના દાખલા માટે પરેશાન, અધિકારીઓ વચ્ચેના ડખામાં પ્રજા પિલાઈ રહી હોવાનો આક્ષેપ

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી જાતિના દાખલા (કાસ્ટ સર્ટિફિકેટ) મેળવવાનો પ્રશ્ન અત્યંત ગંભીર બન્યો છે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે વિદ્યાર્થીઓને શાળા-કોલેજોમાં પ્રવેશ, શિષ્યવૃત્તિ, સરકારી યોજનાઓ તેમજ વિવિધ વહીવટી કામગીરી માટે જાતિના દાખલાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે. પરંતુ તાલુકા કક્ષાએ બે અધિકારીઓ વચ્ચેના મતભેદ અને ખેંચતાણના કારણે સામાન્ય નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

એકબીજા પર ઢોળાઈ રહી છે જવાબદારી

નસવાડી તાલુકામાં આશરે 210 જેટલાં ગામો આવેલાં છે. હાલમાં ગ્રામ પંચાયતના તલાટીઓ હડતાલ પર હોવાથી ફોર્મ અને પેઢીનામા પર સહી-સિક્કા થતા નથી. બીજી તરફ, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી (TDO) એકબીજા પર જવાબદારી ધકેલી રહ્યા છે:

બોડેલી પ્રાંત અધિકારીની લેખિત સૂચના મુજબ ગ્રામ પંચાયત સ્તરે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી કર્મચારીઓ નિમવાની જવાબદારી TDOની છે. મામલતદાર કચેરીમાં 15 જેટલા રેવન્યુ તલાટીઓ ફરજ બજાવે છે, જેઓ આ કામગીરી સહેલાઈથી કરી શકે છે. તેથી આ જવાબદારી ગ્રામ પંચાયત પર લાદવી યોગ્ય નથી.

વિદ્યાર્થીઓ અને ખેડૂતોની સ્થિતિ કફોડી

અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવે 210 ગામોના વિદ્યાર્થીઓ, ખેડૂતો અને સામાન્ય નાગરિકો કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. જાતિના દાખલા ન મળવાને કારણે શાળા-કોલેજોમાં એડમિશન, શિષ્યવૃત્તિ, સરકારી ભરતીઓ, ખેડૂતોની સરકારી સહાય તેમજ વિદેશ અભ્યાસ કે રોજગાર માટે જતાં અરજદારો અટવાયા છે.

ઉચ્ચ કક્ષાએથી હસ્તક્ષેપની માંગ

આટલી ગંભીર સમસ્યા હોવા છતાં લોકપ્રતિનિધિઓ કે ચૂંટાયેલા પદાધિકારીઓ તરફથી પણ કોઈ અસરકારક પહેલ કરવામાં આવી નથી. ગ્રામજનો અને લાભાર્થીઓએ માંગ કરી છે કે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) આ બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કરી બંને કચેરીઓ વચ્ચેના મતભેદો ઉકેલે અને જાતિના દાખલા માટે વહેલી તકે વૈકલ્પિક તથા અસરકારક વ્યવસ્થા ઉભી કરે.