Chhota Udaipur

છોટાઉદેપુર: NH-56 બાયપાસના સર્વે સામે પાવી-જેતપુરમાં આક્રોશ, મામલતદાર અને ધારાસભ્યને અપાયું આવેદનપત્ર

By GS Team
21 Sep 20262 mins read
TukuTouch Logo
છોટાઉદેપુરના પાવી-જેતપુરમાં NH-56 બાયપાસના સર્વે સામે સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે. નગરજનો અને ખેડૂતોએ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું. તેઓના મકાનો, દુકાનો, શાળાઓ, મંદિરો અને તળાવ બાયપાસમાં આવવાનો ભય છે. પર્યાવરણને પણ નુકસાનની ભીતિ છે. સ્થાનિકો વૈકલ્પિક માર્ગની માંગ કરી રહ્યા છે, જેથી સંપત્તિ અને પર્યાવરણ બચી શકે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટાઉદેપુર: NH-56 બાયપાસના સર્વે સામે પાવી-જેતપુરમાં આક્રોશ, મામલતદાર અને ધારાસભ્યને અપાયું આવેદનપત્ર

Pavi Jetpur NH 56 Bypass Survey Protest : છોટાઉદેપુર જિલ્લાના પાવી-જેતપુરમાં નેશનલ હાઇવે (NH-56) ના બાયપાસ માટે શરૂ થયેલી સર્વેની કામગીરી સામે સ્થાનિકો અને નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સર્વે શરૂ થતાં જ તેના વિરોધમાં પાવી-જેતપુર વન કુટીર ખાતેથી નગરજનો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થઈને રેલી સ્વરૂપે તાલુકા સેવા સદન પહોંચ્યા હતા. જ્યાં તેમણે મામલતદારને આવેદનપત્ર આપી સર્વે કામગીરી સામે આકરો વાંધો નોંધાવ્યો હતો. આ ઉપરાંત, ગ્રામજનોએ સ્થાનિક ધારાસભ્યના કાર્યાલયે પહોંચીને પણ પોતાની રજૂઆતો કરી હતી.

મકાનો, શાળાઓ અને પર્યાવરણ પર મોટા ખતરાની ભીતિ

સ્થાનિકોના આક્ષેપ મુજબ બાયપાસના પ્રસ્તાવિત માર્ગમાં ખેડૂતોની કિંમતી જમીનો, રહેણાંક મકાનો, દુકાનો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, હોસ્પિટલ, પેટ્રોલ પંપ અને પાણીની મુખ્ય સંપ તેમજ પાઈપલાઈન સહિતની સુવિધાઓ આવી રહી છે. આ ઉપરાંત પ્રાથમિક શાળા અને આંગણવાડી પણ માર્ગની ઝપેટમાં આવતા હોવાના દાવા કરાયા છે. એટલું જ નહીં, સ્વામિનારાયણ મંદિર, શંકર ટેકરીનું પ્રાચીન શિવ મંદિર, મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન અને જેતપુરનું તળાવ પણ આ માર્ગથી અસરગ્રસ્ત થઈ શકે તેમ છે. તળાવમાંથી માર્ગ પસાર થવાથી જળચર જીવો અને પર્યાવરણને મોટા નુકસાનની ભીતિ સેઠવાઈ રહી છે.

વૈકલ્પિક માર્ગ પસંદ કરવા સ્થાનિકોની માંગણી

જ્યાં એક તરફ તળાવના બ્યુટિફિકેશન અને પર્યટન સ્થળ તરીકેના વિકાસની દરખાસ્ત ચાલી રહી છે, ત્યાં જ બાયપાસ નીકળતાં સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો વિકાસના નામે જાહેર અને ખાનગી મિલકતોને આટલું મોટું નુકસાન થતું હોય તો તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગ કેમ વિચારવામાં આવતો નથી? નગરજનો અને ખેડૂતોએ માંગ કરી છે કે આ સર્વે અંગે પુનર્વિચાર કરવામાં આવે અને અસરગ્રસ્ત મિલકતોને બચાવવા માટે બાયપાસ માટે કોઈ અન્ય રસ્તો પસંદ કરવામાં આવે.