છોટા ઉદેપુર: નસવાડી તાલુકામાં ગ્રામસેવકોએ સરકાર સામે ચઢાવી બાંયો, કાળી પટ્ટી બાંધી નોંધાવ્યો વિરોધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Naswadi Gramsevak Protest: છોટા ઉદેપુરના નસવાડી તાલુકામાં ગ્રામસેવકો દ્વારા પોતાની વર્ષો જૂની પડતર માંગણીઓ અંગે સરકાર વિરુદ્ધ રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. તાલુકાના ગ્રામસેવકોએ કાળી પટ્ટી ધારણ કરી સરકારની ઉદાસીનતા સામે રોષ વ્યક્ત કર્યો હતો અને પોતાની વેદના રજૂ કરી હતી.
212 ગામો વચ્ચે માત્ર 9 ગ્રામસેવકો!
નસવાડી તાલુકામાં 212 ગામો વચ્ચે માત્ર 9 ગ્રામસેવકો જ ફરજ બજાવી રહ્યા છે, જેના કારણે કર્મચારીઓ પર કામગીરીનું ભારે ભારણ રહે છે. સરકાર દ્વારા તેમની વર્ષો જૂની પડતર માંગણીઓ સંતોષવામાં ન આવતા ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળના આહ્વાન મુજબ વિરોધ સૂર ઉઠ્યો છે.

નસવાડીના ગ્રામ સેવક વિજય તડવીએ કહ્યું કે-
અમારી જે મુખ્ય માંગણીઓ છે એમાં ખાસ કરીને ગ્રામસેવક કેડરના જેટલા પણ પ્રમોશનો અટકાવી દેવામાં આવેલ છે જે બંધ કરી દેવામાં આવેલ છે એ ફરીથી ચાલુ કરવામાં આવે, ગ્રામસેવકને સતત થતો જે અન્યાય છે કે આઠથી દસ ગામો કે વીસ ગામોની વચ્ચે એક જ ગ્રામસેવક હોય તો તેના બદલામાં એકથી બે ગામની વચ્ચે એક ગ્રામસેવક થાય એવી અમારી માંગણી છે. આ ઉપરાંત 4200નો અમારો ગ્રેડ પે થવો જોઈએ અને ઓનલાઇન જેટલી પણ અમે કામગીરી કરીએ છીએ તો એના ચોક્કસ ઇક્વિપમેન્ટ મળવા જોઈએ અથવા એનું વેતન મળવું જોઈએ.
જો સરકાર દ્વારા તેમની માંગણીઓનું નિરાકરણ લાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગ્રામસેવકો દ્વારા સરકારી વોટ્સએપ ગ્રૂપોમાંથી લેફ્ટ થવા ઉપરાંત તમામ ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે તેમજ અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.




