Chhota Udaipur

છોટા ઉદેપુર: ટેક્નોલોજીના યુગમાં પણ નસવાડીના ડુંગરાળ વિસ્તારમાં સિંચાઈનો અભાવ, 12 હજાર હેક્ટર જમીન વરસાદ પર આધારિત

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારના ખેડૂતો આજે પણ વરસાદ આધારિત ખેતી કરવા મજબૂર છે. 12 હજાર હેક્ટર જમીન પિયત વિહોણી છે, જેથી ચોમાસા પછી રોજગારીના અભાવે સૌરાષ્ટ્ર તરફ સ્થળાંતર કરવું પડે છે. નર્મદા નદી નજીક હોવા છતાં, ખેડૂતો સિંચાઈ માટે તરસી રહ્યા છે. તેઓ લિફ્ટ ઇરિગેશન યોજનાની માંગ કરી રહ્યા છે, જેથી આત્મનિર્ભર બની શકે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: ટેક્નોલોજીના યુગમાં પણ નસવાડીના ડુંગરાળ વિસ્તારમાં સિંચાઈનો અભાવ, 12 હજાર હેક્ટર જમીન વરસાદ પર આધારિત

Chhota Udepur Farmers: આજના આધુનિક ટેક્નોલોજીના યુગમાં પણ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારના ખેડૂતો જૂની પરંપરા મુજબ માત્ર વરસાદના ભરોસે જ ખેતી કરવા મજબૂર બન્યા છે. સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રે આધુનિક સાધનો, નવી ટેક્નોલોજી અને ઉત્પાદન વધારવાના અનેક દાવા કરવામાં આવે છે, પરંતુ ડુંગર વિસ્તારના ખેડૂતો માટે પાયાની જરૂરિયાત એવી સિંચાઈની સુવિધાથી આજે પણ તેઓ વંચિત છે.

12 હજાર હેક્ટર ખેતીની જમીન પિયત વિહોણી

નસવાડી તાલુકામાં હજારો પરિવારોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. છતાં તાલુકાના ડુંગર વિસ્તારની અંદાજે 12 હજાર હેક્ટરથી વધુ ખેતીની જમીન આજે પણ પિયત વગરની છે. ખેડૂતો માત્ર ચોમાસાના વરસાદના આધારે મકાઈ, તુવેર, અડદ, નાગલી સહિતના પાકોનું વાવેતર કરે છે. ચોમાસા દરમિયાન જો વરસાદ ઓછો કે અનિયમિત પડે તો પાક નિષ્ફળ જતાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડે છે.

રોજગારીના અભાવે સૌરાષ્ટ્ર તરફ સ્થળાંતર કરવા મજબૂર

સિંચાઈની સુવિધા ન હોવાથી ચોમાસાની ખેતી પૂર્ણ થયા બાદ વિસ્તારમાં રોજગારીનો મોટો સવાલો ઊભો થાય છે. જેના કારણે સ્થાનિક પરિવારોને મજૂરી કામ અર્થે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરવાની નોબત આવે છે. ખેડૂતોનું માનવું છે કે જો વિસ્તારમાં સિંચાઈની પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તો વર્ષ દરમિયાન બે થી ત્રણ પાક લઈ શકાય અને ખેડૂતોને પોતાના જ ગામમાં આજીવિકા મળી રહે, જેથી સ્થળાંતર પણ અટકી શકે.

નર્મદા નદી નજીક હોવા છતાં પાણી માટે વલખાં

સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ, નર્મદા નદી તેમના વિસ્તારથી વધુ દૂર નથી. નર્મદાનું પાણી કેનાલ મારફતે રાજ્યના દૂરના વિસ્તારો તેમજ કચ્છ સુધી પહોંચાડી દેવાયું છે, પરંતુ નદીની નજીક વસતા ડુંગર વિસ્તારના ખેડૂતો આજે પણ પાણી માટે તરસી રહ્યા છે. સ્થાનિકો દ્વારા વર્ષોથી સિંચાઈની માંગ કરવામાં આવી રહી હોવા છતાં હજુ સુધી કોઈ ચોક્કસ કે અસરકારક આયોજન હાથ ધરવામાં આવ્યું નથી.

લિફ્ટ ઇરિગેશન યોજના અમલી બનાવવા માગ

ખેડૂતોનું કહેવું છે કે જો નર્મદાની કેનાલ અથવા લિફ્ટ સિંચાઈ (લિફ્ટ ઇરિગેશન) યોજના દ્વારા ડુંગર વિસ્તાર સુધી પાણી પહોંચાડવામાં આવે તો હજારો હેક્ટર જમીન લીલીછમ બની શકે તેમ છે. આ અંગે સ્થાનિક ખેડૂત સુનિલ ભીલે જણાવ્યું હતું કે, "આજે દેશ ટેક્નોલોજીમાં આગળ વધી રહ્યો છે, પરંતુ અમે હજુ પણ માત્ર વરસાદના ભરોસે ખેતી કરીએ છીએ. જો સિંચાઈની સુવિધા હોત તો અમારો સમગ્ર વિસ્તાર સમૃદ્ધ બની શક્યો હોત. સરકાર ડુંગર વિસ્તારના ખેડૂતો માટે તાત્કાલિક સિંચાઈ યોજના અમલમાં મૂકે તેવી અમારી માંગ છે."

હાલમાં નસવાડીના ડુંગર વિસ્તારના ખેડૂતો સરકાર સમક્ષ વર્ષો જૂની સિંચાઈની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી રહ્યા છે, જેથી ૧૨ હજાર હેક્ટરથી વધુ જમીનને પિયતનો લાભ મળે અને ખેડૂતો આત્મનિર્ભર બની શકે.