છોટા ઉદેપુર: નસવાડી તાલુકાનું ધનિયા-ઉમરવા તળાવ ઓવરફ્લો, નીચાણવાળા ગામોને સાવચેત રહેવા તંત્રની સૂચના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદના પરિણામે તાલુકાનું સૌથી મોટું ધનિયા-ઉમરવા તળાવ ઓવરફ્લો થયું છે. ચોમાસાની શરૂઆતમાં જ તળાવ સંપૂર્ણ છલકાઈ જતાં વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
તંત્ર ઍલર્ટ મોડ પર
તળાવ ઓવરફ્લો થતાં જ નસવાડી તાલુકા વિકાસ અધિકારી (TDO)એ ધનિયા-ઉમરવા તળાવની મુલાકાત લઈને પાણીની આવક અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. નીચાણવાળા ગામોના લોકોને એલર્ટ કરવા માટે તલાટી-કમ-મંત્રીઓને સૂચનાઓ આપી દેવામાં આવી છે. સંબંધિત વિભાગોને સતત મોનિટરિંગ કરવા અને કોઈપણ આપત્તિજનક સ્થિતિમાં તાત્કાલિક પગલાં ભરવા આદેશ કરાયા છે.
રવિ અને ઉનાળુ પાકને થશે મોટો ફાયદો
ધનિયા-ઉમરવા તળાવ જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગનું સૌથી મોટું તળાવ છે. સિંચાઈ અને ભૂગર્ભ જળ: આ તળાવથી આસપાસના અનેક ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે છે. તળાવ ભરાતાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે, જેથી કૂવા અને બોરવેલમાં પાણીની આવક વધશે. મોસમની શરૂઆતમાં જ તળાવ ભરાઈ જતાં આગામી રવિ અને ઉનાળુ પાક માટે પાણીની ઉપલબ્ધિ સુનિશ્ચિત થઈ ગઈ છે, જેનાથી ખેડૂત આલમમાં ખુશીનો માહોલ છે.
અશ્વિન નદીના જળસ્તરમાં વધારાની શક્યતા
તળાવ ઓવરફ્લો થતાં વધારાનું પાણી અશ્વિન નદીમાં વહી રહ્યું છે, જેથી અશ્વિન નદીના જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. તંત્ર દ્વારા અશ્વિન નદી કિનારે આવેલા ગામોના લોકોને નદીમાં ન ઉતરવા તેમજ કોઝવે અને નીચાણવાળા રસ્તાઓ પરથી પસાર થવાનું ટાળવા ખાસ અપીલ કરવામાં આવી છે. સ્થાનિકોને માત્ર અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અને સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે.









