Chhota Udaipur

છોટા ઉદેપુર: બોડેલીમાં JCBથી સગર્ભાનું રેસ્ક્યૂ, તો મોટી બુમડીમાં તલાવડીમાં ડૂબી જવાથી સગીરાનું મોત

By GS Team
1 Aug 20262 mins read
TukuTouch Logo
છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. તાંદલજા ગામે ઘૂંટણસમા પાણીમાં ફસાયેલી સગર્ભાને JCBની મદદથી 108 મારફતે હોસ્પિટલ પહોંચાડાઈ. બીજી ઘટનામાં, મોટી બુમડી ગામે તલાવડીમાં પગ લપસતા 9 વર્ષીય બાળકી રીંકલ રાઠવાનું ડૂબી જવાથી કરુણ મોત થયું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: બોડેલીમાં JCBથી સગર્ભાનું રેસ્ક્યૂ, તો મોટી બુમડીમાં તલાવડીમાં ડૂબી જવાથી સગીરાનું મોત

Chhota Udepur Rain Bodeli: છોટા ઉદેપુર સહિતના દક્ષિણ ગુજરાતના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ ખાબકતાં ઘણાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. જેમાં બોડેલી તાલુકા તાંદલજા ગામે ગૂંથનભર વરસાદી પાણી વચ્ચે જીસીબીની મદદથી સગર્ભાને સલામત રીતે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બીજી તરફ, ભારે વરસાદ વચ્ચે બોડેલી તાલુકાના મોટી બુમડી ગામે તલાવડીમાં પગ લપસતા 9 વર્ષની બાળકીનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું.

તાંદલજા ગામે જેસીબીની મદદથી સગર્ભાને એમ્બ્યુલન્સ અને બાદમાં હોસ્પિટલ ખસેડાઈ

બોડેલી તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક ગામોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. તેવામાં બોડેલીના તાંદલજા ગામના રહેવાસી નેહાબહેન નિમેષભાઈ રાઠવાને પ્રસૂતિનો સમય નજીક હોવાથી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની જરૂરિયાત ઊભી થઈ હતી. પરંતુ ગામમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ જતાં સામાન્ય વાહનોની અવરજવર અશક્ય બની હતી.

Gujarat Samachar - 2026-08-01T175035.081.jpg

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી સ્થાનિક લોકો અને તંત્રની મદદથી સગર્ભા મહિલાને જેસીબીમાં બેસાડી ગામમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ મુખ્ય હાઈવે સુધી પહોંચાડીને 108 એમ્બ્યુલન્સમાં બેસાડીને વધુ સારવાર અને પ્રસૂતિ માટે બોડેલી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પગ લપસતા તલાવડીમાં ડૂબી જવાથી 9 વર્ષીય બાળકીનું મોત

પ્રાપ્ત માહિતી અનુસાર, બોડેલી તાલુકાના મોટી બુમડી ગામના રહેવાસી રણજીતભાઈ શંકરભાઈ રાઠવાની 9 વર્ષીય દીકરી રીંકલ રણજીતભાઈ રાઠવા પોતાના ઘર નજીક આવેલી પાણીથી ભરાયેલી તલાવડી પાસે કુદરતી હાજતે ગઈ હતી. આ દરમિયાન રિંકલનો પગ લપસતા તે તલાવડી પડી ગઈ હતી. જેમાં તલાવડીના ઊંડા પાણીમાં ડૂબી જતાં રીંકલનું મોત થયું હતું.

image.png

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પરિવારજનો દોડી આવ્યા હતા. ત્યારબાદ બનાવ અંગે બોડેલી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

આ પણ વાંચો: 22 ડેમ હાઈ એલર્ટ પર, 27,856 લોકોનું સ્થળાંતર, રાજ્યના 6 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

બોડેલી પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભારે વરસાદને પગલે ગામડાઓમાં પાણીથી ભરાયેલા તળાવો, નાળા અને અન્ય જળાશયો નજીક ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.