છોટા ઉદેપુર: નસવાડીમાં પાંચ વિદ્યાર્થીઓની સ્કૂલમાં બે શિક્ષકોની નિમણૂક, ઘટ વચ્ચે ફાળવણીમાં અસમાનતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Uderpur News: છોટા ઉદેપુર જિલ્લાની શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાનું જણાય છે. જેમાં નસવાડી તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અંદાજે 250 જેટલાં શિક્ષકોની ઘટ છે. બીજી તરફ, માત્ર પાંચ વિદ્યાર્થીઓ ધરાવતી એક પ્રાથમિક શાળાઓમાં બે શિક્ષકોની નિમણૂક કરા છે. તેવામાં જિલ્લામાં શિક્ષકોની ફાળવણીમાં અસમાનતા અને આયોજનના અભાવને લઈને સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
નસવાડી તાલુકાના પાણીમહુડા વસાહત પ્રાથમિક શાળામાં હાલ કુલ પાંચ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં બે વિદ્યાર્થીઓ બાલવાટિકાના છે, જ્યારે ધોરણ 1 થી 3માં માત્ર ત્રણ વિદ્યાર્થીઓ છે. ધોરણ 4 અને ધોરણ 5માં એકપણ વિદ્યાર્થી અભ્યાસ કરતો નથી તેમ છતાં આ શાળામાં બે શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. શિક્ષણના નિયમો મુજબ, બાલવાટિકામાં બાળકોને મુખ્યત્વે રમતગમત, સર્જનાત્મક પ્રવૃત્તિઓ, ભાષા વિકાસ અને પ્રાથમિક કૌશલ્ય આધારિત શિક્ષણ આપવામાં આવે છે. જ્યારે ધોરણ 1 થી 3 માં માત્ર ત્રણ વિદ્યાર્થીઓ હોવા છતાં બે શિક્ષકોની નિમણૂક કરાતા શિક્ષકોની યોગ્ય ફાળવણી અંગે પ્રશ્નો ઊભા થયા છે.
નસવાડીની 242 પ્રાથમિક શાળાઓમાં અંદાજે 250 જેટલાં શિક્ષકોની ઘટ
બીજી તરફ સમગ્ર નસવાડી તાલુકાની આશરે 242 પ્રાથમિક શાળાઓમાં અંદાજે 250 જેટલાં શિક્ષકોની ઘટ છે. અનેક શાળાઓમાં એક જ શિક્ષકને ઘણાં ધોરણો સંભાળવા પડે છે, જેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણની ગુણવત્તા પર સીધી અસર પડી રહી છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, નસવાડી તાલુકાની સાત જેટલી પ્રાથમિક શાળાઓ એવી પણ છે જ્યાં કાયમી શિક્ષકોની નિમણૂક જ નથી. આવી શાળાઓમાં વિદ્યાર્થીઓને નિયમિત શિક્ષણ આપવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
શિક્ષકોની ફાળવણીમાં અસમાનતા
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા શિક્ષકોની ફાળવણી કરતી વખતે વિદ્યાર્થીઓની વાસ્તવિક સંખ્યાને યોગ્ય પ્રાધાન્ય આપવામાં આવતું નથી. પરિણામે જ્યાં શિક્ષકોની ખરેખર જરૂર છે ત્યાં ખાલી જગ્યાઓ છે. જ્યારે ઓછી સંખ્યાવાળી શાળાઓમાં જરૂરિયાત કરતાં વધુ શિક્ષકો કાર્યરત છે. આમ શિક્ષકોની ફાળવણીમાં અસમાનતા જોવા મળે છે.
બીજી તરફ, શિક્ષકોની અછત ધરાવતી શાળાઓમાં વિદ્યાર્થીઓ પૂરતું શિક્ષણ ન મળતા તેમના ભવિષ્ય પર પણ અસર પડે છે. અગાઉ છોટાઉદેપુરના જિલ્લા કલેક્ટર દ્વારા એવી સૂચના આપવામાં આવી હતી કે, જે પ્રાથમિક શાળાઓમાં માત્ર દસ જેટલાં વિદ્યાર્થીઓ હોય ત્યાં એક જ શિક્ષકની વ્યવસ્થા કરવામાં આવે અને વધારાના શિક્ષકોને જરૂરિયાત ધરાવતી શાળાઓમાં ફાળવવામાં આવે. જો કે, સ્થાનિક સ્તરે એવો આક્ષેપ થઈ રહ્યો છે કે આ સૂચનાઓનો સંપૂર્ણ અમલ થયો નથી.
શાળામાં તાત્કાલિક શિક્ષકોની નિમણૂક કરવાની માગ
હવે વાલીઓ, ગ્રામજનો અને જાગૃત નાગરિકો દ્વારા માગ ઉઠી રહી છે કે, સમગ્ર જિલ્લામાં શિક્ષકોની ફાળવણી અંગે નિષ્પક્ષ સમીક્ષા કરવામાં આવે. જ્યાં જરૂર હોય ત્યાં તાત્કાલિક શિક્ષકોની નિમણૂક કરવામાં આવે અને જ્યાં જરૂરિયાત કરતાં વધુ શિક્ષકો હોય ત્યાં યોગ્ય રીતે પુનઃફાળવણી કરવામાં આવે, જેથી તમામ વિદ્યાર્થીઓને સમાન અને ગુણવત્તાસભર શિક્ષણ મળી શકે.









