છોટા ઉદેપુરના કેવડીમાં 3 વર્ષથી ભાડાના રૂમમાં ચાલે છે પ્રાથમિક શાળા, 52 બાળકોનું ભવિષ્ય જોખમમાં!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કેવડી ગામમાં સરકારી શિક્ષણ વ્યવસ્થાની ચિંતાજનક અને વરવી વાસ્તવિકતા સામે આવી છે. રાજ્ય સરકાર સરકારી શાળાઓમાં આધુનિક સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણના મોટા દાવા કરી રહી છે, પરંતુ કેવડી ગામની સરકારી પ્રાથમિક શાળાની સ્થિતિ આ દાવાઓથી બિલકુલ વિપરીત જોવા મળી રહી છે.
જૂનું મકાન તોડી પાડ્યું, નવું બનાવવાનું તંત્ર ભૂલ્યું
ગામની પ્રાથમિક શાળાનું જૂનું મકાન જર્જરિત થઈ જતાં તેને તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ નવું મકાન ન બને ત્યાં સુધી છેલ્લા ત્રણ વર્ષથી આ શાળા ભાડાના એક ઓરડામાં ચલાવવામાં આવી રહી છે. શાળાનું નવું મકાન બનાવવા માટે એપ્રિલ મહિનામાં 'એ.આર. પટેલ' નામની એજન્સીને વર્ક ઓર્ડર પણ આપી દેવાયો હતો. છતાં હજુ સુધી સ્થળ પર બાંધકામનો પ્રારંભ થયો નથી. તંત્ર દ્વારા સંબંધિત કોન્ટ્રાક્ટરને ત્રણ-ત્રણ વખત નોટિસ ફટકારવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં અનેક સવાલો ઊભા થયા છે.
એક જ રૂમમાં 52 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો
હાલમાં કેવડી પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 5 સુધીના આશરે 52 જેટલા વિદ્યાર્થીઓ એક જ ઓરડામાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શાળામાં માત્ર બે જ શિક્ષકો ફરજ બજાવે છે. એક જ રૂમમાં અલગ-અલગ ધોરણના બાળકોને ભેગા બેસાડીને ભણાવવાની ફરજ પડતાં શિક્ષકો માટે પણ શિક્ષણ કાર્ય મુશ્કેલ બન્યું છે, જેની સીધી અસર બાળકોના ભવિષ્ય પર પડી રહી છે.
શાળામાં મૂળભૂત પાયાની સુવિધાઓનો પણ અભાવ
શાળામાં શૌચાલય ન હોવાથી નાના બાળકોને કુદરતી હાજત માટે ખુલ્લામાં બહાર જવું પડે છે. મધ્યાહન ભોજન માટે શેડ કે રસોડાની વ્યવસ્થા ન હોવાથી રસોઈ બનાવતી બહેન પોતાના ઘરેથી ભોજન તૈયાર કરીને આશરે 1 કિલોમીટર દૂર શાળા સુધી ચાલીને લાવે છે.
ગામજનો અને આદિવાસી સમાજમાં ભારે રોષ
રાજ્ય સરકારનું સૂત્ર છે 'ભણેલી દીકરી એક પેઢી તારે', પરંતુ જ્યારે બાળકોને ભણવા માટે યોગ્ય વર્ગખંડ, શૌચાલય અને અન્ય મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ ન હોય, ત્યારે આવા સૂત્રો માત્ર કાગળ પર જ સીમિત રહી જતા હોવાનું કેવડી ગામની સ્થિતિ પરથી સ્પષ્ટ થાય છે.
હવે સવાલ એ છે કે વર્ક ઓર્ડર અપાયા પછી પણ કામગીરી કેમ શરૂ થઈ નથી? કોન્ટ્રાક્ટર સામે શું કાર્યવાહી કરવામાં આવશે? અને સૌથી મહત્વનો સવાલ એ છે કે ત્રણ વર્ષથી મુશ્કેલીમાં અભ્યાસ કરી રહેલા આદિવાસી બાળકોને નવી શાળાનું મકાન ક્યારે મળશે? હવે સમગ્ર વિસ્તારની નજર જિલ્લા તંત્ર અને સંબંધિત વિભાગની કાર્યવાહી પર ટકેલી છે.









