છોટાઉદેપુર: સંખેડાના વાસણામાં આદિવાસી સમાજના 25 પરિવારોની 'ઘર વાપસી', સંતોની હાજરીમાં ફરી હિન્દુ ધર્મ અંગીકાર કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur News: છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના વાસણા ગામે આયોજિત એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન 'ઘર વાપસી'નો મહત્ત્વનો પ્રસંગ સામે આવ્યો છે. વાસણા ગામે સ્થિત 'શ્રી આનંદવર્ધન આશ્રમ'ના લોકાર્પણ મહોત્સવમાં વિવિધ સંતોની ગરિમામય ઉપસ્થિતિ વચ્ચે અન્ય ધર્મ અંગીકાર કરનારા આદિવાસી સમાજના 25 જેટલા પરિવારોએ પુનઃ હિન્દુ ધર્મ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે અંગીકાર કર્યો છે.
આશ્રમના લોકાર્પણ પ્રસંગે સંતોની વિશાળ હાજરી
મળતી માહિતી મુજબ, વાસણા ગામે 'શ્રી આનંદવર્ધન આશ્રમ'ના લોકાર્પણના ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂજ્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં સંતો-મહંતો અને ભક્તજનો આ મહોત્સવના સાક્ષી બન્યા હતા.
25 પરિવારોની શાસ્ત્રોક્ત વિધિ સાથે 'ઘર વાપસી'
આ ધાર્મિક મહોત્સવ દરમિયાન, ભૂતકાળમાં હિન્દુ ધર્મમાંથી અન્ય ધર્મમાં પરિવર્તન કરનારા સોનગઢ તાલુકાના થન મોવલી, મેડા, માછલપાડા અને ઊમરદા જેવા વિવિધ ગામોના અંદાજે 25 જેટલા આદિવાસી પરિવારો આશ્રમ ખાતે પહોંચ્યા હતા. જ્યાં હાજર સંતોની નિશ્રામાં પવિત્ર મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ-વિધાન સાથે આ પરિવારોની 'ઘર વાપસી' કરાવવામાં આવી હતી અને તેઓએ સનાતન ધર્મ પુનઃ સ્વીકાર્યો હતો.
સંતોએ આદિવાસી વિસ્તારોમાં જાગૃતિ લાવવા આહવાન કર્યું
આ પ્રસંગે ઉપસ્થિત પૂજ્ય નિજાનંદ ગીરી મહારાજે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારોમાં વિવિધ પ્રલોભનો આપીને ભોળા લોકોને ધર્મ પરિવર્તન કરાવવાની પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જે અટકવી જોઈએ. તેમણે તમામ સંતો અને સમાજના અગ્રણીઓને આહવાન કર્યું હતું કે, આદિવાસી વિસ્તારોમાં હિન્દુ સમાજની સંસ્કૃતિના રક્ષણ માટે જાગૃતિ લાવવી અનિવાર્ય છે. આગામી સમયમાં પણ આવા પરિવારોને સનાતન ધર્મમાં પરત લાવવા માટેના પ્રયાસો અવિરત ચાલુ રાખવામાં આવશે તેમ સંતોએ જણાવ્યું હતું.









