અમેરિકાને રશિયાથી વાંધો પડતા ભારત-ચીનની મુશ્કેલી વધારી, સેનેટમાં નવું બિલ લાવી ત્રણ દેશોને ટેન્શનમાં મૂક્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Sanctioning Russia Act 2025 Bill : ભારતના રશિયા અને ચીન સાથે ગાઢ સંબંધો છે, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) સરકારને રશિયા સાથે વાંધો પડતા ભારત-ચીનની મુશ્કેલી વધારી છે. વાસ્તવમાં અમેરિકન સેનેટમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે, તેમાં રશિયા સાથે વ્યાપાર કરનારા દેશો વિરુદ્ધ કડક પ્રતિબંધો લગાવવાનો ઉલ્લેખ કરાયો છે. આ બિલ રિપબ્લિકન સીનેટર લિંડસે ગ્રાહમે (Lindsey Graham) રજૂ કર્યું છે, જેની સીધી અસર ભારત પર પડી શકે છે.
બિલના કારણે ભારતની મુશ્કેલી વધવાના એંધાણ
અમેરિકન સેનેટમાં રજૂ કરાયેલા બિલનું નામ ‘સેક્શનિંગ રૂસ એક્ટ 2025’ હોવાના અહેવાલો સામે આવ્યા છે. બિલનો ઉદ્દેશ્ય યુક્રેન વિરુદ્ધ યુદ્ધ લડી રહેલા રશિયા પર દબાણ વધારવાનો છે. ભારત રશિયા (India-Russia Relations) પાસેથી ક્રૂડ, ગેસ સહિતની વસ્તુઓની આયાત કરે છે, તેથી બિલના રડારમાં ભારત જેવા અનેક દેશો પણ આવી શકે છે. જાણકારોનું માનવું છે કે, બિલના કારણે ભારત સમક્ષ આર્થિક અને રાજદ્વારી પડકારો ઉભા થઈ શકે છે.
આ પણ વાંચો : NSA ડોભાલે ચીનના ઉપરાષ્ટ્રપ્રમુખ સાથે કરી મુલાકાત, આતંકવાદ મુદ્દે આપ્યો કડક સંદેશ
‘બિલ રશિયા-ભારત-ચીન માટે આર્થિક બંકર બસ્ટર સાબિત થશે’
અમેરિકન સાંસદ ગ્રાહમે રવિવારે એક ટેલિવિઝન ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘રશિયા પર પ્રતિબંધ લગાવતા બિલ માટે મને 84 સેનેટનું સમર્થન મળ્યું છે. આ બિલ રશિયા, ચીન અને ભારત માટે એક આર્થિક બંકર બસ્ટર સાબિત થશે.’ બિલ એપ્રિલ-2025માં અમેરિકન સેનેટમાં રજૂ કરાયું હતું. બિલમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ, ગેસ, યુરેનિયમ અને પેટ્રોલિયમ ઉત્પાદકનો આયાત કરનારા દેશો પર ભારે અમેરિકન ટેરિફ લગાવવાની ભલામણ પણ કરાઈ છે. તેમાં રશિયન કંપનીઓ, સરકારી સંસ્થાઓ અને મુખ્ય નીતિ નિર્માતાઓ પર વ્યાપક પ્રતિબંધ લગાવવાની પણ ભલામણ છે.
અમેરિકન સાંસદો ભારત-ચીનને ચેતવણી આપી
સીનેટર ગ્રાહમ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ જ નજીકના હોવાનું કહેવાય છે. તેમણે અગાઉ પણ ભારત-રશિયા સાથે વેપાર ઘટાડવાની માંગ કરી હતી. તેમણે 13 જૂને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે, ‘ચીન અને ભારત... તમે પુતિનના યુદ્ધ મશીનને સમર્થન આપવાનું ચાલુ રાખશો તો તે માટે તમે પોતે જવાબદાર રહેશો.’ ‘સેક્શનિંગ રૂસ એક્ટ 2025’ બિલની વાત કરીએ તો આ બિલ સેનેટમાં બે વખત વાંચવામાં આવ્યું છે. બિલને બેંકિંગ, હાઉસિંગ અને શહેરી બાબતોની સમિતિને પણ સોંપાયું છે. જોકે તેને કાયદો બનાવવા માટે પહેલા સીનેટમાં રજૂ કરવું પડે છે, પછી હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સને મોકલાય છે, ત્યારબાદ અંતે રાષ્ટ્રપ્રમુખની મંજૂરી લેવી પડે છે, પછી બિલ કાયદો બને છે.
આ પણ વાંચો : જોર્ડન, ઓમાન, સીરિયા... વિશ્વના 51 દેશોમાં અમેરિકન સેનાની હાજરી ! જાણો કારણ









