Narmada

નર્મદા ડેમના પાણી-વીજળીનો 4 રાજ્યો વચ્ચેનો 30 વર્ષ જૂનો વિવાદ ઉકેલાયાનો દાવો, ગુજરાતને કેટલા કરોડ મળશે તેની સ્પષ્ટતા નહીં

By GS Team
16 Nov 20262 mins read
TukuTouch Logo
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના પાણી, વીજળી અને મેન્ટેનન્સ ખર્ચને લઈને 30 વર્ષ જૂનો આંતરરાજ્ય નાણાકીય વિવાદ ઉકેલાઈ ગયો છે. એકતાનગર ખાતે કેન્દ્રીય જલશક્તિ મંત્રાલયની બેઠકમાં આ જાહેરાત થઈ. મધ્યપ્રદેશે 10 વર્ષના બાકી નાણાં ચૂકવ્યા, જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ચારેય રાજ્યોએ ખર્ચ પર 6% વ્યાજ સાથે હિસાબ ક્લિયર કર્યો. પાણીની અછત નિવારવા મધ્યપ્રદેશ-મહારાષ્ટ્ર ગુજરાતને પાણી આપશે.

Summarized by AI; it may make mistakes. Check important info

નર્મદા ડેમના પાણી-વીજળીનો 4 રાજ્યો વચ્ચેનો 30 વર્ષ જૂનો વિવાદ ઉકેલાયાનો દાવો, ગુજરાતને કેટલા કરોડ મળશે તેની સ્પષ્ટતા નહીં

Narmada Dam Financial Dispute Resolved: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના પાણી, વીજળી અને મેન્ટેનન્સ ખર્ચને લઈને ચાર રાજ્યો વચ્ચે છેલ્લા 30 વર્ષથી ચાલતો નાણાકીય વિવાદ આખરે ઉકેલાઈ ગયો છે. એકતાનગર ખાતે કેન્દ્રીય જલશક્તિ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં આ અંગે મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે, જેનાથી આગામી સમયમાં ગુજરાતની પાણીની અછત કાયમી ધોરણે દૂર થવાનો માર્ગ મોકળો થયો છે.

30 વર્ષ જૂનો વિવાદ ઉકેલાયો, MPએ 10 વર્ષના બાકી નાણાં ચૂકવ્યા

ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન વચ્ચે ખર્ચ અને લેણાં અંગે છેલ્લા 30 વર્ષથી ચાલતો વિવાદ વડાપ્રધાનના નિર્દેશ અને કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઉકેલી દેવામાં આવ્યો છે. ચારેય રાજ્યોના ખર્ચ પર 6% વ્યાજ ગણીને સમગ્ર હિસાબ ક્લિયર કરવામાં આવ્યો છે, જેના પર તમામ રાજ્યોએ સંમતિ આપી છે. આ ઉપરાંત, મધ્યપ્રદેશે છેલ્લા 10 વર્ષથી બાકી રહેલા મેન્ટેનન્સ અને ખર્ચના નાણાં પણ ચૂકવી દીધા છે અને હવે દર વર્ષે ગુજરાતને મેન્ટેનન્સની રકમ સમયસર મળી જશે. હાલમાં ચારેય રાજ્યો વચ્ચે પાણી કે વીજળી અંગે કોઈ જ વિવાદ બાકી રહ્યો નથી.

નાણાકીય આંકડાઓ અને કરોડ રૂપિયાની સ્પષ્ટતા હજુ બાકી

એક તરફ ચાર રાજ્યો વચ્ચે દાયકાઓ જૂનો વિવાદ ઉકેલાયાનો દાવો કરાયો છે અને મધ્યપ્રદેશે બાકી નાણાં ચૂકવ્યાની વાત છે, પરંતુ કેન્દ્રીય જલશક્તિ મંત્રીએ કરેલી સત્તાવાર જાહેરાતમાં ગુજરાતને ચોક્કસપણે કેટલા કરોડ રૂપિયા મળવાના છે કે કયા રાજ્યને કેટલા રૂપિયા ચૂકવવાના બાકી છે, તે અંગે કોઈ ચોક્કસ આંકડાકીય સ્પષ્ટતા કરવામાં આવી નથી. રકમની આ સત્તાવાર સ્પષ્ટતા ન થતાં આગામી દિવસોમાં આ નાણાકીય લેણ-દેણના આંકડાને લઈને ચર્ચાઓ જાગી શકે છે, જેની પર પણ સૌની નજર રહેશે.

ગુજરાતની પાણીની અછત દૂર કરવાની ખાસ ફોર્મ્યુલા

ઓછા વરસાદ અને 'અલ-નીનો'ની અસરને કારણે ગુજરાતમાં પાણીની અછત ન સર્જાય તે માટે ચારેય રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠકમાં એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. આ નિર્ણય મુજબ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વીજળી ઉત્પન્ન ન કરીને તે પાણી સીધુ ગુજરાતને આપશે. તેના બદલામાં બંને રાજ્યોને મળવાપાત્ર વીજળી બહારથી ખરીદીને અપાશે અથવા તેના પૈસા ચૂકવવામાં આવશે. પાણીના બદલામાં વીજળી કે વળતર આપવાની ચોક્કસ ફોર્મ્યુલા ત્રણેય રાજ્યોના મુખ્ય સચિવો તૈયાર કરશે, જેનાથી આ વર્ષે ગુજરાતમાં પાણીની સમસ્યા ઊભી થશે નહીં.

ડેમ સેફ્ટી અને નદીઓની સફાઈ અંગે સમીક્ષા

એકતાનગર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશના જલશક્તિ મંત્રાલયના મંત્રીઓ, સ્થાનિક સાંસદ અને ગુજરાતના મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં 'ડેમ સેફ્ટી એક્ટ', ડેમની સુરક્ષા વધારવા, નદીઓની સફાઈ અને વિવિધ જળ પ્રોજેક્ટ્સ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.