Sports

કપિલ દેવે વૈભવ સૂર્યવંશીને ચેતવ્યો, કહ્યું- સચિન બનવું છે કે કાંબલી? પૈસા, શોહરત અને પાર્ટીઓ કરિયર બરબાદ કરી શકે છે

By GS Team
16 Nov 20262 mins read
TukuTouch Logo
ભારતીય ક્રિકેટના ઉભરતા યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશીને વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે મહત્ત્વપૂર્ણ ચેતવણી આપી છે. 15 વર્ષીય વૈભવની પ્રશંસા કરતા કપિલ દેવે તેને ભવિષ્યમાં આવનારા ગ્લેમર, પૈસા અને પાર્ટીઓના આકર્ષણથી બચીને માત્ર ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું. તેમણે સચિન અને કાંબલીનું ઉદાહરણ આપી, પ્રતિભા સાથે અનુશાસન જાળવવાની શીખ આપી.

Summarized by AI; it may make mistakes. Check important info

કપિલ દેવે વૈભવ સૂર્યવંશીને ચેતવ્યો, કહ્યું- સચિન બનવું છે કે કાંબલી? પૈસા, શોહરત અને પાર્ટીઓ કરિયર બરબાદ કરી શકે છે

Kapil Dev Warns Vaibhav Suryavanshi Against Fame Distractions: ભારતીય ક્રિકેટના ઉભરતા યુવા સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી હાલના સમયમાં કોઈ ઓળખના મોહતાજ નથી. માત્ર 15 વર્ષની વયે પોતાની વિસ્ફોટક બેટિંગથી સમગ્ર ક્રિકેટ જગતને દીવાનું બનાવનાર વૈભવની હવે ભારતના પૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે પણ ભરપૂર પ્રશંસા કરી છે. જોકે, વખાણ કરવાની સાથે જ કપિલ દેવે આ યુવા ખેલાડીને ભવિષ્યમાં આવનારા ગ્લેમર, પૈસા અને પાર્ટીઓના આકર્ષણથી બચીને માત્ર ક્રિકેટ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાની મહત્ત્વપૂર્ણ ચેતવણી પણ આપી છે.

'વૈભવમાં પ્રતિભાની કોઈ કમી નથી, પરંતુ હજુ પૂરતી તકો મળી નથી'

એક ખાસ વાતચીત દરમિયાન કપિલ દેવે વૈભવ સૂર્યવંશીની રમત અને તેની આક્રમક શૈલી અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. કપિલ દેવે કહ્યું કે વૈભવ અત્યંત પ્રતિભાશાળી ખેલાડી છે, પરંતુ તે ભારતીય ટીમનો હિસ્સો હોવા છતાં તેને પોતાની ક્ષમતા સાબિત કરવા માટે જેટલી પૂરતી તકો મળવી જોઈએ તેટલી હજુ સુધી મળી શકી નથી. આજકાલ દરેક દર્શકને આક્રમક ક્રિકેટ પસંદ છે અને આટલી નાની ઉંમરે વૈભવ જે રીતે ચોગ્ગા-છગ્ગા ફટકારે છે, તે વડીલોથી લઈને યુવાનો સુધી સૌ કોઈને ખૂબ ગમે છે. દિગ્ગજ ઓલરાઉન્ડરના મતે, વૈભવને હજુ વધુ સમય અને મેચ પ્રેક્ટિસ આપવાની જરૂર છે કારણ કે તેની પાસે કુદરતી પ્રતિભાનો ભંડાર છે.

સચિન તેંડુલકર અને વિનોદ કાંબલીનું ઉદાહરણ આપી આપી મોટી શીખ

કપિલ દેવે વૈભવની સીધી સરખામણી સચિન તેંડુલકર કે વિનોદ કાંબલી સાથે નથી કરી, પરંતુ બંને દિગ્ગજોના કરિયરનો દાખલો આપીને ભવિષ્યના જોખમો તરફ ઈશારો કર્યો છે:

"15 વર્ષની ઉંમરે અત્યારે તેના મગજમાં માત્ર ક્રિકેટ જ છે. પરંતુ જ્યારે તે 18-19 વર્ષનો થશે, ત્યારે પાર્ટીઓ, પ્રસિદ્ધિ અને અન્ય બાબતો સામે આવશે. તે સચિન તેંડુલકર બનશે કે વિનોદ કાંબલી, તે અત્યારે કહેવું ઘણું મુશ્કેલ છે."

કપિલ દેવે યાદ અપાવ્યું કે સચિન અને કાંબલી બંને અત્યંત પ્રતિભાશાળી હતા, પરંતુ સચિને પોતાના કડક અનુશાસન અને અથાગ પરિશ્રમના જોરે લાંબી અને ઐતિહાસિક કારકિર્દી બનાવી, જ્યારે કાંબલીનું કરિયર વધુ લાંબુ ચાલી શક્યું નહોતું. તેમણે વૈભવને સલાહ આપતાં કહ્યું કે આ ઉંમરે લોકો પૈસાની વાતો પણ કરવા લાગે છે, પરંતુ વૈભવે બીજી કોઈ પણ વસ્તુ વિશે વિચાર્યા વિના માત્ર પોતાના ક્રિકેટ પર જ સંપૂર્ણ ફોકસ જાળવી રાખવું જોઈએ, કારણ કે તેણે હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે.