Business

ટેલિકોમ કંપનીઓએ માત્ર કોલિંગ અને SMSના સસ્તા પ્લાન પણ આપવા પડશે, TRAIનો મહત્ત્વનો નિર્ણય

By GS Team
22 Sep 20262 mins read
TukuTouch Logo
TRAI એ કરોડો મોબાઇલ ગ્રાહકો માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવે ટેલિકોમ કંપનીઓએ ફરજિયાતપણે માત્ર વોઇસ કોલિંગ અને SMS સુવિધાવાળા સસ્તા રિચાર્જ પ્લાન રજૂ કરવા પડશે, જેમાં ડેટા નહીં હોય. 30 દિવસથી વધુ વેલિડિટી માટે પણ આવા પ્લાન ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, ગ્રાહકોને દર મહિને એક ચોક્કસ તારીખે રિચાર્જ રિન્યૂ કરવાનો વિકલ્પ પણ મળશે. આ નિર્ણયથી ડેટાનો ઉપયોગ ન કરતાં ગ્રાહકોને મોટો ફાયદો થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટેલિકોમ કંપનીઓએ માત્ર કોલિંગ અને SMSના સસ્તા પ્લાન પણ આપવા પડશે, TRAIનો મહત્ત્વનો નિર્ણય

TRAI News about Recharge : ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા(TRAI)એ દેશના કરોડો મોબાઇલ ગ્રાહકોના હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ટ્રાઇ દ્વારા જાહેર કરવામાં આવેલા 'ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન (13મો સુધારો) રેગ્યુલેશન, 2026' અનુસાર, હવે તમામ ટેલિકોમ કંપનીઓએ ફરજિયાતપણે માત્ર વોઇસ કોલિંગ અને SMSની સુવિધા આપતા સસ્તા રિચાર્જ પ્લાન રજૂ કરવા પડશે, જેમાં ડેટા શામેલ નહીં હોય.

દર મહિને નક્કી તારીખે રિચાર્જ રિન્યૂ કરવાનો વિકલ્પ

નવા નિયમો મુજબ, 30 દિવસ કે તેથી ઓછી વેલિડિટી ધરાવતા ગ્રાહકો માટે કંપનીઓએ માત્ર 'Voice and SMS Only' પ્લાન આપવો ફરજિયાત બનાવ્યો છે. આ ઉપરાંત, કંપનીઓએ ગ્રાહકોને એક એવો વિકલ્પ પણ પૂરો પાડવો પડશે જેથી તેઓ દર મહિને એક ચોક્કસ તારીખે જ પોતાનું રિચાર્જ રિન્યૂ કરી શકે. આનાથી ગ્રાહકોને દર વખતે અલગ-અલગ તારીખોએ રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ મળશે.

લાંબી વેલિડિટી વાળા પ્લાન માટે પણ નિયમ

ટ્રાઇએ સ્પષ્ટ કર્યું છે કે 30 દિવસથી વધુની વેલિડિટી ઇચ્છતા ગ્રાહકો માટે પણ દરેક કંપનીએ ઓછામાં ઓછો એક એવો પ્લાન રાખવો પડશે જેમાં ડેટા વગર માત્ર કોલિંગ અને મેસેજિંગની સુવિધા હોય. રેગ્યુલેટરે ટેલિકોમ કંપનીઓને આ પ્લાનની કિંમતો વ્યાજબી અને ડેટા પ્લાન્સ કરતાં નોંધપાત્ર રીતે ઓછી રાખવા સૂચના આપી છે, જેથી ગ્રાહકો પર આર્થિક બોજ ઘટે.

સાધારણ ગ્રાહકો અને બિન-સ્માર્ટફોન યુઝર્સને મોટો ફાયદો

આ નિર્ણયનો સૌથી મોટો ફાયદો એવા લોકોને થશે જેઓ કીપેડ (ફીચર) ફોનનો ઉપયોગ કરે છે અથવા ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ બિલકુલ કરતા નથી. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો (સીનિયર સિટીઝન્સ) અને ઓછી આવક ધરાવતા ગ્રાહકોને હવે બિનજરૂરી ડેટા માટે મોંઘા રિચાર્જ લેવાની મજબૂરી રહેશે નહીં.

1100થી વધુ સૂચનો બાદ લેવાયો નિર્ણય

ટ્રાઇના જણાવ્યા મુજબ, હાલના સમયમાં આવા માત્ર કોલિંગ વાળા પ્લાનની બજારમાં ભારે અછત જોવા મળતી હતી, જેના કારણે ગ્રાહકોએ નાછૂટકે ડેટા વાળા મોંઘા પ્લાન લેવા પડતા હતા. આ રેગ્યુલેશનના ડ્રાફ્ટ પર સામાન્ય જનતા અને નિષ્ણાતો પાસેથી 1132 જેટલી પ્રતિક્રિયાઓ અને સૂચનો મળ્યા હતા, જેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ આ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે.